મુલાકાતી નંબર: 430,135

Ebook
અરે ભાઈ … કહેવું પડે….
૩૦/૦૬/૨૦૨૦
  • રોન્ની અને સીન્ના નામનાં બે ટ્વિન્સ વચ્ચે ૨૦૮ દિવસનું જ અંતર છે. બ્રિટિશ કપલ બૂડેન અને પૌલ ડેનિસના પ્રથમ સંતાન રોન્નીનો જન્મ નોર્મલ પ્રેગ્નન્સીથી થયો. બુડેન તરત જ ફરી ગર્ભવતી થઈ. રોન્ની માંડ છ માસની હશે અને સીન્ના પ્રીટર્મ જન્મી.
  • અમેરિકાના રાલ્ફ ક્લુંમિન્સ અને કેરોલીનાના ઘરે ૧૯૫૨માં પહેલું સંતાન પુત્રી કેથરીન જન્મી, ૧૯૫૩ માં બીજું સંતાન કેરોલ જન્મ્યું, ૧૯૫૬માં ત્રીજું સંતાન ચાર્લ્સ જન્મ્યું, ૧૯૬૧માં ચોથું સંતાન ક્લાઉડિયા જન્મી, ૧૯૬૬માં પાંચમું સંતાન સેસેલિયા જન્મ્યું. આ પાંચે સંતાનોની જન્મ તારીખ ૨૦ ફેબ્રુઆરી હતી.
૩૦/૦૭/૨૦૧૯ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં 'મોગિયા'(MOGIYA) અને 'મોઘીયા'(MOGHIYA) સમાજના લોકો રહે છે. મોગિયા અનુસુચિત જનજાતિ છે. તેમને અનામત અને બધી સરકારી યોજનાનો લાભ મળે છે. મોઘીયા અનુસુચિત જાતિ છે. તેમને આ લાભો મળતા નથી. જાતિ પ્રમાણપત્ર બનાવતી વખતે જિલ્લા એસ.ડી.એમ દ્વારા સ્પેલિંગમાં 'H' લખાઈ ગયો આથી ૨૯ ગામના ૧૧૦૦૦ જેટલા 'મોગિયા' એક જ દિવસમાં 'મોઘીયા' બની ગયા. તેઓ કોઈ જ લાભ લઈ શકતા નથી. જિલ્લા એસ.ડી.એમ ફરીથી જાતિ કાર્ડ બનાવે અને ૧૧૦૦૦ લોકોને આ લાભ મળતો થાય એ માટે ખબર નથી કે કેટલો સમય જશે પણ લોકોએ માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી છે. ૨૩/૦૭/૨૦૧૯ ૬ મે ૨૦૦૧ ના રોજ ચીનમાં બેઇજીંગમાં એક કન્સ્ટ્રકશન સાઈટ પરથી એક ફોરમેનનું ૩ વર્ષનું યુ વિફેંગ નામનું બાળક કિડનેપ થઈ ગયું હતું. પોલીસે ફેઈસએપ ટેકનીકની મદદથી તેની જૂની તસ્વીરને અત્યારમાં કન્વર્ટ કરી પછી યુ વિફેંગને શોધવાનું શરૂ કર્યું. ૧૦૦ શંકાસ્પદ લોકોના ડીએનએ ટેસ્ટ કરી પોલીસે સાચા યુ વિફેંગને શોધી નાખ્યો. તેના પિતાએ અત્યાર સુધી જે દંપતીએ તેને સાચવ્યો તેમનો આભાર માન્યો. ૦૩/૦૭/૨૦૧૯ મેનેજમેન્ટની ભાષામાં ૩-સિગ્મા એટલે દસ લાખ ઉત્પાદનમાં ૬૬,૮૦૭ જેટલી ભૂલો. ૪-સિગ્મા એટલે દર દસ લાખે કાર્યક્ષમતામાં ૬૬૧૦ ભૂલો. ૫-સિગ્મા એટલે દસ લાખે કોઈ પણ કામ, ઉત્પાદન, કે વિતરણ વ્યવસ્થામાં લગભગ ૬૦૦ જેટલી ભૂલો. ૬-સિગ્મા એટલે દર દસ લાખે માત્ર ૩.૪ જેટલી ભૂલો. વિશ્વની મોટાભાગની મલ્ટીનેશનલ કંપનીઓ પોતાનો કારોબાર ૩-સિગ્માથી ચલાવે છે. સિગ્માંના પિરામિડનું સર્વોચ્ચ લેવલ ૬-સિગ્મા છે. વ્યવસ્થાપનના આ ઊંચા સ્તરે વિશ્વની એક પણ મલ્ટીનેશનલ કંપની નથી. પણ ભારતની એક સામાન્ય મંડળી છે. 'મુંબઈ ટિફિન બોક્સ કેરિઅર્સ એસોસિએશન' અથવા 'મુંબઈ ના ડબ્બાવાળા' તરીકે ઓળખાતી આ મંડળી કુલ ૬૦,00,૦૦૦ લેવડદેવડે માત્ર એકાદ ભૂલ કરે છે. તેના કામની ગુણવત્તામાં ૬-સિગ્મા લેવલથી પણ ઘણું ઊંચું લેવલ હોય પણ મેનેજમેન્ટના સંદર્ભ કોશમાં ૬-સિગ્માથી ઊંચું લેવલ છે જ નહીં. દુનિયાભરની કોર્પોરેટ કંપનીઓ મુંબઈ આવી ટિફિનવાળાઓની કાર્યપધ્ધતિનો અભ્યાસ કરે છે. આ અદભુત નેટવર્કમાં ૫૦૦૦ ડબ્બાવાળા રોજના ૧,૯૫,૦૦૦ ડબ્બા યાને ટિફિન ઘરેથી ઓફિસે અને સાંજે ઓફિસેથી ઘરે ટિફિન પાછુ પહોંચાડે છે. ૨૬/૦૬/૨૦૧૯
  • સુરેન્દ્રનગર ખાતે એમ.બી.બી.એસની પરીક્ષા પછી એમ.ડી પણ પાસ કર્યા પછી ડો.લવીના સિંહાને થયું કે સમાજમાં સ્ત્રીઓ ઘરેલું હિંસા અને જેન્ડર ડીસ્ક્રીમીનેશનનો ભોગ બને છે આ માટે તેણે કઈક કરવું જોઈએ. આ વિચારને લીધે તેમણે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી અને IPS પરીક્ષા પાસ કરી. ઘણા mbbs મહિલા ips હોઈ શકે પણ તેઓ કદાચ દેશના પ્રથમ એમ.ડી મેડિસિન સાથે પાસ થયેલા IPS અધિકારી હશે. સલામ ડો. લવીના સિંહા.
  • ૨૦૧૪ ના જાન્યુઆરીમાં વરસાદના વિઘ્નવાળી હેમિલ્ટન વનડે માં ન્યુઝીલેન્ડના ૪૨ ઓવરમાં ૨૭૨ રન સામે ભારતે એટલીજ ઓવરમાં ૨૭૭ રન કર્યા હતા પણ ડીએલએસ મેથડ મુજબ ન્યુઝીલેન્ડ તે મેચ ૧૫ રનથી જીત્યું. હજુ સુધી કરોડો લોકો આ પરિણામની ગણતરી સમજી શક્યા નથી.
૨૫/૦૬/૨૦૧૯ ૯ જુને એર કેનેડાના વિમાનમાં ટીફની એડમ્સ નામની મહિલા ક્યુબેકથી ટોરંટો જઈ રહી હતી. મુસાફરી દરમ્યાન તેને ઊંઘ આવી ગઈ હતી અને જાગી ત્યારે મુસાફરી પૂર્ણ થઈ ચુકી હતી. લેન્ડીંગ બાદ વિમાન પાર્કિંગમાં ઉભું હતું. આશ્ચર્યની વાત એ હતી કે ઉડાન પૂર્ણ થયા બાદ એક પણ વિમાન કર્મચારી ના ધ્યાનમાં તે આવી નહીં. ભયાનક અંધારાની વચ્ચે તે વિમાનમાં બંધ હતી. જેમતેમ તે કોક્પીટ સુધી ચાલી. તેણે ટોર્ચ મેળવી. તેણે જોયું કે મુખ્ય દરવાજો ૫૦ ફૂટ જેટલો ઉંચો હતો. તેમાંથી ઉતરી શકાય તેમ હતું જ નહીં. તેના મોબાઈલ ફોનની બેટરી લો થઈ જવાથી ફોન પણ બંધ થઈ ચુક્યો હતો. તે મદદ માટે કોઈને ફોન કરી શકે તે સ્થિતિમાં પણ ન હતી. તેણે દરવાજા પાસે બેસીને જ રાત વિતાવવાનું નક્કી કર્યું. કલાકો સુધી ટોર્ચથી અન્યનું ધ્યાન ખેંચવા કોશિશ કરી. આખરે દુરથી એક એર કર્મચારીનું ધ્યાન પડ્યું. તેને બહાર કાઢવામાં આવી. એર લાઈન્સે પણ તેની માફી માંગી. ટીફનીએ ફેસબુક પર લખ્યું હતું કે હજુ એ ભયંકર રાતને યાદ કરી તે ઊંઘી શકતી ન હતી. આમાં ટીફનીનું નસીબ અથવા એરલાઈન્સની બેદરકારી કરતા ટીફનીની મોબાઈલ ચાર્જ ન હોવાની બેદરકારીને મોટી ભૂલ કહી શકાય. ૧૭/૦૪/૨૦૧૯
  • બિહારના પુર્નિયા જિલ્લામાં 250 આદિવાસીઓની વસ્તી ધરાવતા એક ગામનું નામ પાકિસ્તાન છે. ચૂંટણી વખતે એવું કહી શકાય કે ભારતના મતદાનમાં પાકિસ્તાનીઓ વોટ આપશે.
૨૪/૦૩/૨૦૧૯ 
  • કી બોર્ડની એક જ લાઈનનો ઉપયોગ કરીને લખાતો શબ્દ 'TYPEWRITER' છે.
  • ભારતમાં પ્રથમ કોમ્પ્યુટર કલકત્તા ખાતે લાવવામાં આવ્યું હતું. તેનું નામ 'સિધાર્થ' હતું.
  • 'પ્રિટોરિયા','જેનિથ', 'રામરાજ્ય', '૨૪૧' શબ્દો ગાંધીજી સાથે કઈ રીતે સંકળાયેલા છે? 1 : ગાંધીજી સાઉથ આફ્રિકાના ડરબનથી પ્રિટોરિયા ટ્રેનમાં જતા હતા ત્યારે તેમનો સામાન ફેંકી દેવામાં આવ્યો. 2 : ગાંધીજી જેનિથ કંપનીનું ઘડિયાળ લટકાવી રાખતા હતા. 3 : ગાંધીજીએ તેમના જીવનમાં જોયેલું એકમાત્ર પિક્ચર રામરાજ્ય હતું. 4 : ગાંધી આશ્રમથી દાંડી સુધીનું અંતર ૨૪૧ કિમી. છે.
  • ઓબામાંએ કઈ વ્યક્તિ સાથે ડીનર ની ઈચ્છા વ્યક્ત કરી હતી? જવાબ : ઓબામાંએ કહ્યું, 'મને જીવિત કે મૃત કોઈ એક વ્યક્તિ સાથે ડીનર લેવાનું કહેવામાં આવે તો હું મહાત્મા ગાંધીજી સાથે ડીનર કરી શકું તે મારું અહોભાગ્ય કહેવાય.'
૩૦/૦૮/૨૦૧૮ 
  • મેઘધનુષની સૌથી ઉપરનો કલર કયો? લાલ.
  • કસ્તુરબા ધામ ક્યાં આવેલું છે? રાજકોટથી ૧૬ કી.મી દુર સણોસરા ગામે. ૧૩ ફેબ્રુઆરી ૧૯૩૯ થી ૬ માર્ચ ૧૯૩૯ સુધી કસ્તુરબાને અહીં નજરકેદ રખાયા હતા.
  • કલિકાલ સર્વજ્ઞની ઉપમા કોને મળી હતી? - આચાર્ય હેમચંદ્રાચાર્યને.
  • ભારતના ક્યા રાજ્યએ સૌ પ્રથમ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો? - સિક્કિમ
  • કી બોર્ડની સૌથી ઉપરની લાઈનની મદદથી દુનિયાના માત્ર એક જ દેશનું નામ લખી શકાય છે. કયો દેશ?  પેરૂ
  • નીના ગુપ્તાએ સંસ્કૃતમાં માસ્ટર કરેલું છે.
  • ૩૫ વર્ષ સુધી ભારતમાં રહી ગાંધીજી સાથે લોકસેવાનું કાર્ય કરનાર 'મીરાં બહેન'નું મૂળ નામ મેડલિન સ્લેડ હતું. જેઓ બ્રિટિશ નૌકાદળના એડમિરલના પુત્રી હતા.
  • લોકસભાની ભારતની સૌથી મોટી બેઠક આંધ્રપ્રદેશની મલકાજગીરી છે. તેમાં લગભગ ૩૦ લાખથી વધુ મતદારો છે. દેશની સૌથી નાની બેઠક લક્ષદ્વીપની છે તેમાં લગભગ ૪૫,૦૦૦ જેટલા મતદારો છે.
  • કર્કવૃત્ત ગુજરાતના ક્યા જિલ્લામાંથી પસાર થાય છે? - સાબરકાંઠા
૧૮/૦૮/૨૦૧૮ 
  • વાજપાઈ એક જ એવા વડાપ્રધાન હતા કે જેઓ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી અને ગુજરાતમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટણી જીત્યા હોય.
  • વાજપાઈ અને તેમના પિતા ૧૯૪૫માં કાનપુરમાં એક જ કોલેજમાં એક જ ક્લાસમાં કાયદાના અભ્યાસ માટે સાથે ભણતા.
૧૮/૦૮/૨૦૧૮  ક્રિકેટમાં અવનવું 
  • ભારતીય ક્રિક્ટના ઓલરાઉન્ડર કપિલદેવ પોતાની ટેસ્ટ ક્રિકેટની ૧૮૪ ઇનિંગમાં ક્યારેય રન આઉટ થયા નથી.
૦૮/૦૮/૨૦૧૮ 
  • સિકરના શ્રીમાધોપુર વિસ્તારના કોટડી નિવાસી ચુન્નીલાલ સૈન્યમાં હતા. તેઓ બીજા વિશ્વયુધ્ધમાં પણ લડ્યા હતા. ૧૯૫૦ ની ૩૧ ડિસેમ્બરે તેઓ સૈન્યમાંથી રીટાયર્ડ થયા. ૨૦ માર્ચ ૧૯૫૨ તેમનું નિધન થઈ ગયું. પેન્શન માટે તેમના પત્ની રાજકુવર સૈનિક કલ્યાણ બોર્ડમાં પહોંચ્યા પણ પરિવારજનો પાસે કોઈ દસ્તાવેજ ન હતા આથી પેન્શન ન મળ્યું. ૬૪ વર્ષ બાદ ઘરની સફાઈ દરમ્યાન રાજકુંવર ચુન્નીલાલને સૈન્ય દ્વારા અપાયેલું લંચબોક્સ મળ્યું. તેના પર આર્મી નંબર લખ્યો હતો. તે નંબરના આધારે રેકોર્ડની ખરાઈ થઈ. ડીસેમ્બર ૨૦૧૭ માં તેમના પરિવારને રૂ ૪૦૦૦ નું પેન્શન મળવાનું શરૂ થયું.(દિવ્યભાસ્કર ૦૮/૦૮/૨૦૧૮)
૦૯/૦૫/૨૦૧૮ 
  • ૨૩/૦૩/૨૦૧૮ ના રોજ અમેરિકાના અલબામામાં ટ્રેન્ડન નામનો ૧૩ વર્ષનો છોકરો તેના મિત્રના ઘરે રમવા ગયો હતો. ત્યાં એક ટ્રકની હડફેટે આવતા ટ્રકનું ટાયર તેના માથા પર ફરી વળ્યું હતું. ટ્રેન્ડનની ખોપરીમાં સાત ફ્રેકચર સાથે તેના મગજને પણ ખુબ હાની પહોંચી હતી. તે બિલકુલ શ્વાસ લઈ શકતો ન હતો. તેને વેન્ટીલેટર પર મુકવામાં આવ્યો હતો. ૪૦ દિવસ જેટલી રાહ જોયા પછી મે મહિનાની શરૂઆતમાં ડોકટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો. તેનો દીકરો સાજો-સારો નહીં થાય તેમ લાગતા તેના માતાપિતાએ હવે તેના અંગદાનનો ફેંસલો કર્યો અને તે માટે ફોર્મ પણ ભરી દીધું હતું. તેના અંગદાનથી પાંચ લોકોને જીવતદાન મળવાનું હતું. જે દિવસે હોસ્પિટલ ના ડોકટરો તેની લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાની હતી તેની થોડી મિનિટો પહેલા જ ટ્રેન્ડને આંખ ખોલી અને હલનચલન કર્યું. હોસ્પિટલ સ્ટાફ આ ચમત્કાર પર વિશ્વાસ કરી શકતો ન હતો. ટ્રેન્ડન પર પછી એક સર્જરી થઈ હવે તે સંપૂર્ણ સ્વસ્થ હતો. ચોપડી વાંચે છે અને ચાલે પણ છે.
  • ૦૭/૦૫/૨૦૧૮ ના રોજ ભારતમાં મેડીકલમાં એડ્મિશન માટે થયેલ નીટ પરીક્ષામાં ૬૦ જેટલા વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પટણાની એક સ્કુલની બાજુમાં આવેલ કોલ સેન્ટર પરથી બારમાં ધોરણના વિધાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરતા હતા. તેમને મદદ કરનાર કોલ સેન્ટરના માણસે ભૂલથી સેન્ટર સિલેકશન માં પટણાનો સ્પેલિંગ PATANA માં છેલ્લો A રહી જતો હતો. આ વિધાર્થીઓ પાસે પરીક્ષાની હોલ ટિકિટ આવી ત્યારે ખબર પડી કે હવે તેમણે ગુજરાતના પાટણ PATAN માં આવવું પડશે. ૧૭૦૦ કિમી દુર ૬૦ જેટલા વિધાર્થીઓ પટણા થી પાટણ એક 'A' શબ્દ રહી ગયો તેને લીધે આવ્યા અને પરીક્ષા આપી. જે સ્કુલમાં તેઓએ આવવું પડ્યું ત્યાંના શિક્ષકો અને સ્ટાફે તેમને બધી જ રીતની મદદ કરી અને સહકાર આપ્યો જેથી બીજા રાજ્યમાંથી આવેલા વિધાર્થીઓને અન્ય કોઈ તકલીફ ના પડે.
૦૪/૦૩/૨૦૧૮ 
  • ઇન્ડિયન એરફોર્સમાં ફરજ બજાવતા વિંગ કમાન્ડર ડી.વત્સ ૧૫/૦૨/૨૦૧૮ ના રોજ આસામના મજોલીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા ગુજરી ગયા. તે વખતે તેમની પુત્રી માત્ર ચાર દિવસની હતી. પતિના મોતના સમાચાર સાંભળી કુમુદ દુખી જરૂર થઈ હતી. પણ સેનાના યુનિફોર્મમાં સજ્જ થઈ કુમુદે પોતાના પતિને પાંચ દિવસની પુત્રીને ગોદમાં લઈ વિદાય આપી હતી. અંતિમયાત્રામાં હાજર સૌ ની આંખમાં પાણી આવી ગયા હતા. સલામ છે એ બહાદુર નારી અને મેજર પત્ની કુમુદ ડોગરાને જેણે સાબિત કર્યું કે દેશ માટેની નિષ્ઠા અને ફરજ એ સૈનિકનું પહેલું કર્તવ્ય છે. સ્નેહી અને સંબધ પછીથી.
૧૫/૦૧/૨૦૧૮ 
  • જુનાગઢ અને સિધ્ધપુરમાં ઉત્તરાયણ તહેવાર ઉજવાતો નથી. પતંગ ઉડતા નથી. એવું મનાય છે એ ગુજરાતના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહનું ઉતરાયણના દિવસે અવસાન થયું હતું. આથી આ શહેરોમાં સદીઓથી ઉતરાયણના દિવસે પતંગ નથી ઉડાડવામાં આવતી.
૦૮/૦૧/૨૦૧૮
  • ૦૬/૦૧/૨૦૧૭ના રોજ જુનાગઢમાં કૃષિ યુની. ખાતે રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટિકસ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. તેમાં ૯૬ વર્ષના જુનાગઢના કસ્તુરબહેન કાથરોટિયાએ દોડ સ્પર્ધામાં ભાગ લઈ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા.
૦૩/૦૧/૨૦૧૮
  • હવાઈઅન એરલાઈન્સની ફ્લાઈટ એચ.એ - ૪૪૬ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરથી ટેક ઓફ થઇ ત્યારે પહેલી જાન્યુઆરીની મધરાતે ૧૨ અને પ મિનિટ થઈ હતી. એટલે કે ૨૦૧૮ નું વર્ષ શરૂ થયાના પાંચ મિનિટ પછી વિમાન ટેક ઓફ થયું હતું. આ વિમાને સફર દરમ્યાન પશ્ચિમથી પૂર્વ સફર કરી ઇન્ટરનેશનલ ડેટ લાઈન ( આંતરરાષ્ટ્રીય તારીખ રેખા ) પસાર કરી હતી. આથી જ્યારે વિમાન હવાઈ ટાપુના હોનોલુલુમાં લેન્ડ થયું ત્યારે ત્યાં ૩૧ મી તારીખના સવારના ૯.૪૫ વાગ્યા હતા. આમ ૨૦૧૮ માં રવાના થયેલું વિમાન ૨૦૧૭માં લેન્ડ થયું હતું. ન્યુઝીલેન્ડ અને હોનોલુલુ વચ્ચે ૨૩ કલાક નો તફાવત છે. આ વિમાનના મુસાફરોને બે વખત નવું વર્ષ ઉજવવાની તક મળી હતી.
૨૭/૧૨/૨૦૧૭
  • જમ્મુ અને કાશ્મીરનું શિયાળામાં પાટનગર જમ્મુ હોય છે અને ઉનાળામાં શ્રીનગર હોય છે. દુનિયામાં ૧૪ દેશો બે પાટનગર ધરાવે છે. દક્ષિણ આફ્રિકા એક માત્ર દેશ છે જેને ત્રણ પાટનગર છે. પ્રિટોરિયા, કેપટાઉન અને બ્લોયેમ્ફોનટેન.
૨૬/૧૧/૨૦૧૭ 
  • ૮૫ વર્ષના એમ.વી.સીતાલક્ષ્મી કર્ણાટકના મૈસુર નજીક વાંતિકોપ્પાલ વિસ્તારમાં પ્રસન્ના અંજનેયા સ્વામી મંદિરની બહાર વર્ષોથી ભીખ માંગે છે. હાલ તેમણે મંદિરને બે લાખ રૂપિયાનું દાન કર્યું. તેમણે ટ્રસ્ટીઓને સુચન કર્યું કે દર્શન કરવા આવતા પ્રવાસીઓની સુવિધા વધારવામાં આવે. તેમનું કહેવું હતું કે આ મૂડી તેમના મૃત્યુ બાદ ક્યાંક પડી રહી હોત અથવા ચોરાઈ ગઈ હોત આથી તેમણે સત્કર્મમાં વાપરી.
  • ૧૯૨૮ના ઓગસ્ટ મહિનામાં એલેકઝાન્ડર ફ્લેમિંગ પુરા એક મહિના માટે તેમના પરિવાર સાથે રજાઓ ગાળવા ગયા. એ વખતે તેઓએ લેબની સફાઈ બરાબર કરી ન હતી. મહિના પછી પાછા આવીને તેઓએ જોયું કે એક ગંદી પ્લેટની આજુબાજુ બેક્ટેરિયાની રીંગ બની ગઈ હતી. આ રીંગનો પૂરો હિસ્સો બેક્ટેરિયા ફ્રી થઈ ગયો હતો. આમ લેબબી સફાઈ બરાબર ન કરવાની નાની ભૂલે પેનિસિલિનની શોધ કરાવી. પછીથી તો નવી શોધાયેલી પેનિસિલિનને લીધે બીજા વિશ્વયુધ્ધમાં સેંકડો લોકોના જીવ બચ્યા હતા.
  • ઇતિહાસમાં એક મતના અંતરને લીધે બનેલી ઘટનાઓ (1) ૧૭૭૬ : એક મત વધુ મળતા જર્મનની જગ્યાએ અંગ્રેજી અમેરિકાની ભાષા બની. (2) ૧૮૭૫ : એક વધુ મત મળતા ફ્રાંસ રાજાશાહીમાંથી ગણતંત્ર બન્યું. (૩) ૧૯૧૭ : એક ઓછો મત મળતા સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ કોર્પોરેશનની ચુંટણીમાં હારી ગયા હતા. (4) ૧૯૨૩ : એક વધુ વોટ મળવાથી એડોલ્ફ હિટલર નાઝી પાર્ટીના નેતા બન્યા અને હિટલર યુગનો જન્મ થયો. (5) ૧૯૯૮ : એક મત ઓછો મળતા અટલ બિહારી બાજપાઈની સરકાર તૂટી પડી અને શાસક પક્ષમાંથી વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો. (6) ૨૦૦૮ : ડો.સી.પી.જોશી નાથદ્વારા (રાજસ્થાન) વિધાનસભાની ચૂંટણીમાં એક મતથી હારી ગયા હતા.     (ગુજરાત સમાચાર - ૨૬/૧૧/૨૦૧૭)
૧૯/૧૧/૨૦૧૭ 
  • જવાહરલાલ નહેરૂના દાદીનું નામ પણ ઇન્દિરા હતું. રવીન્દ્રનાથ ટાગોરે ઇન્દિરા ગાંધીને પ્રિયદર્શિની નામ આપ્યું હતું. ઇન્દિરા ગાંધી જ્યારે મહાત્મા ગાંધીજીને મળતા ત્યારે તેઓ ગાંધીજીને ફિલ્મો વિશે માહિતી આપતા. જવાહરલાલ નહેરૂએ જેલમાંથી લખેલા ૩૦ પત્રોએ ઇન્દિરા ગાંધીને દુનિયાનું દર્શન કરાવ્યું. આ પત્રોએ દીકરીને કેળવણી, રાજકારણ અને જિજ્ઞાસા સંતોષવાનું શીખવાડ્યું. આ પત્રો દ્વારા ઇન્દિરા ગાંધીને વિશ્વવિખ્યાત કવિઓ અને લેખકોની જીવનશૈલી જાણવાની તક મળી. ગાંધીજીથી પ્રેરાઈને ઇન્દિરા ગાંધીને પણ ખુલ્લા પગે ચાલવાનું અને વહેલી સવારે ચાર વાગ્યે ઉઠવાનું ગમતું. ભારતરત્નનું સન્માન મેળવનારા પ્રથમ મહિલા હતા. પ્રિયંકાગાંધીની અને ઇન્દિરાગાંધીની બાળપણની તસ્વીરો સરખાવો તો લગભગ એકસરખી લાગે. ૧૯૯૯માં કરેલા એક સર્વેમાં બી.બી.સી એ તેમને 'વુમન ઓફ ધ મિલેનિયમ'નો ખિતાબ આપ્યો હતો. ૧૯૬૬ના સમયમાં શરૂઆતમાં તેઓ લોકસભાની ચર્ચામાં શાંત રહેતા આથી રામ મનોહર લોહિયાએ તેમને કટાક્ષમાં 'ગૂંગી ગુડિયા'નું લેબલ લગાડ્યું હતું. થોડા જ સમયમાં આ ગૂંગી ગુડિયા એવા એક્શનમાં આવ્યા કે ભલભલા નેતાઓ ચોંકી ગયા. ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ, ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાન સામે તેમની ભૂમિકા, રાજાઓના સાલિયાણા બંધ કરવા,૧૯૭૪માં પોખરણમાં દેશનું પ્રથમ પરમાણુ પરીક્ષણ અને ઓપરેશન બ્લ્યુસ્ટાર જેવા આત્મવિશ્વાસથી છલોછલ નિર્ણયોથી તેમણે સાબિત કર્યું હતું કે તેઓ ગૂંગી ગુડિયા નથી પણ દુર્ગાનું સ્વરૂપ છે.
૦૫/૧૧/૨૦૧૭ 
  • નવેમ્બર ૨૦૧૭માં આવેલ એક ગુજરાતી પિક્ચર 'બેસ્ટ ઓફ લક લાલુ'માં મુખ્ય નાયક છોકરો લાલુના દસમાં ધોરણમાં માર્ક્સ ઓછા આવે તેવી શક્યતા લાગે છે ત્યારે તેની માતા તેને એક ચોટદાર વાક્ય કહે છે. 'શું થયું બેટા?, અમારા ઉજાગરા ઓછા પડ્યા? કે અમારા સપના ટૂંકા પડ્યા.'
  • મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક ગેઇટનું નામ પોલીઉમરીગર ગેઇટ છે. ૨૦૦૩માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એક વનડે મેચ જોવા જતા ખુદ પોલી ઉમરીગરને તેમના નામનાં ગેઇટ પર અટકાવવામાં આવ્યા હતા.
  • દરરોજ એકલા જમતા પુરુષોમાં લાંબાગાળે મેદસ્વિતા, ડાયાબિટીસ અને હતાશાના લક્ષણો આવી શકે. તેઓ હેલ્ધી ફૂડ ખાતા નથી. સ્ત્રીઓમાં આ તકલીફ ઓછી જોવા મળે છે.
૦૫/૧૦/૨૦૧૭  નવો જન્મ 
  • એક માણસે ખુબ તપ કર્યું. પ્રભુએ પ્રસન્ન થઈ તેને વરદાન માંગવા કહ્યું. તેણે માંગ્યું, 'હે ઈશ્વર, મને નવો જન્મ વધારે સારો આપજો. જેથી મારું સમગ્ર જીવન કલ્યાણ કરવામાં પસાર થાય.'ઈશ્વરે 'તથાસ્તુ' કહ્યું. નવા જન્મે તે માણસ વૃક્ષરૂપે અવતર્યો.
  • જીવનમાં એક પણ વૃક્ષ નાં ઉછેર્યું હોય તે માણસ ખરેખર નિસંતાન જ ગણાય. ....... ગુણવંત શાહ.
૩૦/૦૯/૨૦૧૭ 
  • રાજકુમાર વૈશ્ય ૧૯૨૦ માં જન્મ્યા. ૧૯૩૮માં ગ્રેજ્યુએટ થયા. ૨૦૧૬થી તેમની વહુ ભારતીએ તેમને વધુ ભણવા પ્રોત્સાહિત કર્યા. ૨૦૧૭માં ૯૭ વર્ષની વયે તેમણે ઈકોનોમીક્સમાં માસ્ટર ડીગ્રી લીધી. દેશના સૌથી મોટી ઉંમરે માસ્ટર ડીગ્રી લેનાર પ્રથમ વ્યક્તિ બન્યા. કોઈ પણ સારું કામ કરવું હોય ત્યારે ઉંમરને ના જુવો.
૨૯/૦૯/૨૦૧૭ 
  • ચાર્લી ચેપ્લિને મહાત્મા ગાંધીજી વિશે બહુ સાંભળ્યું હતું અને બહુ વાંચ્યું હતું. તે મહાત્માને મળવા ખુબ ઉત્સુક હતા. ૧૯૩૧માં લંડનના ઇસ્ટ ઇન્ડિયા ડોક રોડ સ્થિત એક મકાનમાં તેમની મુલાકાત યોજાઈ. ચાર્લી ચેપ્લિન ગાંધીજીના ભારત માટેના સ્વાતંત્ર્ય સંગ્રામની લડત માટેના પ્રયત્નોમાં સહમત થયા પણ ગાંધીજીના મશીનો અને વિજાણું સાધનોના ઉપયોગના વિરોધના કારણો સમજવા માંગતા હતા. ગાંધીજીએ તેમને સમજાવ્યું કે મશીનો કૃષિ વિકાસને અવરોધે છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ગ્રામીણ વિકાસ અમારા સ્વતંત્રતા સંગ્રામનો વૈચારિક ભાગ છે. પશ્ચિમના દેશોમાં જીવનશૈલી, આર્થિક અને સામાજિક પરિસ્થિતિ અલગ છે. ઇંગ્લેન્ડ જેવા ઠંડા પ્રદેશોમાં ઔદ્યોગીકરણ હાલ સફળ થઈ શકે છે. મશીનો ભવિષ્યમાં મનુષ્યની સંવેદના બુઠ્ઠી કરી નાખે એવું બની શકે છે. વાતોનો દોર લંબાયો એટલે ગાંધીજીએ ચાર્લીને કહ્યું,'હવે મારો પ્રાર્થનાનો સમય થઈ ગયો છે.તમે ઈચ્છો તો મને પ્રાર્થના કરતા જોઈ શકો છો. ચાર્લી ચેપ્લિને તેની આત્મકથામાં લખ્યું હતું કે ગાંધીજી જેવા મહાન અને તીવ્ર બુદ્ધિવાળી વ્યક્તિને પ્રાર્થનામાં લીન થતી જોવી તે અવિસ્મરણીય આધ્યાત્મિક અનુભવ હતો. એ મુલાકાતના ચાર વર્ષ પછી ચાર્લીની 'મોર્ડન ટાઈમ્સ' ફિલ્મ રજુ થઈ. તેની વાર્તામાં પણ મશીનોના વધુ ઉપયોગથી ભવિષ્યમાં માનવીની ચિંતા વધી શકે છે તેવો સંદેશ હતો. ગાંધીજી અને ચાર્લી ચેપ્લિનની ચિતા એકસમાન હતી.    (દિવ્યભાસ્કર : ૨૯/૦૯/૨૦૧૭)
  • રાજકપૂરે શ્રી ૪૨૦ પિકચરમાં પોતાનો મનપસંદ અવતાર એટલે કે ચાર્લી ચેપ્લિન અવતાર ધારણ કર્યો હતો. ફિલ્મના એક દ્રશ્યમાં હિરોઈન નરગીસ રાજ કપૂરને પૂછે છે કે તું આટલો સમજુ છે, હોંશિયાર છે છતાં આવા જોકર જેવા વેશ પહેરીને કેમ ફર્યા કરે છે? લોકો તને જોઇને હશે અને તારી મશ્કરી કરે એ તને ગમે છે? નરગિસના આ પ્રશ્નનો ઉત્તર રાજ કપૂર હસીને આપે છે કે દિલના દર્દ અને આંખોના આંસુને છુપાવવા માટે બેવકૂફ જેવો અને મશ્કરા જેવો વેશ જ કામ લાગે છે. આ ડાયલોગ બોલતી વખતે રાજના ચહેરાની નિર્દોષતા સાથે આંખના હાવભાવનું ઊંડાણ અને ગંભીરતા એટલી બધી હતી કે સામાન્ય માણસને પણ આ દ્રશ્ય સરળ સાથે વાસ્તવિક લાગે. કોઈ પણ માણસને એમ જ લાગે કે પોતાની તકલીફ જ પડદા પર દેખાડાઈ રહી છે. (સંદેશ - ગોલ્ડન એરા - મૈત્રી દવે - ૨૯/૦૭/૨૦૧૭)
૨૭/૦૯/૨૦૧૭ 
  • સૌરાષ્ટ્રના કોડીનાર તાલુકાના અરીઠીયા ગામમાં ફળિયામાં સાંજના સમયે આંઠ થી નવ વર્ષના નિલેશ અને જયરાજ નામનાં બાળકો રમતા હતા. ત્યારે અચાનક ત્યાં દીપડો આવી ગયેલ અને નિલેશને મોઢામાં જકડી દીધેલ. જયરાજે ત્યાં પડેલો પત્થર દીપડાના મો પર ફેંક્યો. દીપડાની નિલેશ પરની પકડ મજબુત હતી તે નિલેશને ઉઠાવીને જતો હતો. જયરાજ હિંમત નાં હાર્યો. તેઓ જે રમકડાની ગાડીથી રમતા હતા તે ગાડી તેણે દીપડા પર ફેંકી. હવે ગાડી દીપડાના શરીર સાથે અથડાઈ અને તેમાંથી વિચિત્ર અવાજો શરુ થયા. એ અવાજથી ગભરાઈને દીપડાએ નિલેશને તેની પકડમાંથી મુક્ત કર્યો અને તે નાસી ગયો. ઝવેરચંદ મેઘાણીએ લખેલી 'ચારણ કન્યા' કવિતામાં ચારણ કન્યાએ સિંહને ભગાડવા બતાવેલી હિંમતની વાત હતી. આ પણ એવો જ કિસ્સો કહી શકાય.
  • ભારતના ભાગલા પહેલા ફિલ્ડ માર્શલ એચિનલેકની આગેવાનીમાં શામ બહાદુર (ફિલ્ડ માર્શલ માણેકશા) અને યાહાખાન બંને કામ કરી રહ્યા હતા. ભાગલા પછી યાહાખાને પાકિસ્તાન જવાનું થયું. તેમને શામ બહાદુરની લાલ કલરની જેમ્સ મોટર સાયકલ બહુ ગમતી હતી. તેમણે શામ બહાદુરને કહ્યું ,'આ મોટર સાયકલ હું લઈ જાઉં છું. પાકિસ્તાનથી તેની કિંમત ૧૦૦૦ રૂ તને મોકલાવીશ.' શામ બહાદુરે એ મોટર સાયકલ આપી તો દીધી પણ તેના ૧૦૦૦ રૂ ક્યારેય આવ્યા નહીં. ૧૯૭૧ માં ભારત - પાકિસ્તાનના યુધ્ધ વખતે યાહાખાન પાકિસ્તાનના સરમુખત્યાર હતા. ફિલ્ડ માર્શલ માણેક શા એ કહ્યું,'યાહાએ મારા ૧૦૦૦ રૂ નાં આપ્યા પણ તેની બદલીમાં અડધો દેશ (બાંગ્લાદેશ) આપી દીધો. (ગુજરાત સમાચાર - ૨૪/૦૯/૨૦૧૭)
૨૫/૦૯/૨૦૧૭ 
  • ૧૯૩૦ નું વર્ષ હતું. ફિરોઝ ઘેંડી નામનો એક યુવક કોલેજ છોડી સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં જોડાવા ગાંધીજી સાથે જોડાઈ ગયો. ગાંધીજીએ તેનું નામ પૂછ્યું. 'Feroz ghandy' એ પોતાનું નામ જણાવ્યું. ગાંધીજીએ તેમાં થોડું સુધારો સૂચવી અટક Ghandhi રાખવા કહ્યું. આમ તેઓ ફિરોઝ ગાંધી બન્યા. ગાંધીજીના કૌટુંબિક સભ્ય નાં હોવા છતાં તેમના વારસદારો ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આ અટક મળી. દુનિયાના અન્ય દેશોના ઘણા લોકો આજે પણ એમ જ માને છે કે રાજીવ, સોનિયા અને રાહુલ ગાંધી, મહાત્મા ગાંધીનાં કૌટુંબિક સભ્ય છે. ફિરોઝ ગાંધી આઝાદી પછી  લોકસભામાં પણ રાયબરેલી વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા.તેઓ ભારતના સ્વચ્છ રાજકારણીઓમાંના એક ગણાય છે.
૧૯/૦૮/૨૦૧૭ 
  • ભારતને આઝાદી મળી ત્યારે બ્રિટિશ ગવર્નમેન્ટના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન પોતે પોતાના માટે ૧૫ ઓગસ્ટ તારીખને બહુ લકી માનતા હતા. તેમની અંગત કારકિર્દીમાં આ તારીખે તેમને ઘણી સફળતાઓ મળી હતી. ભારતીય જયોતિષીઓ આ તારીખને કમનસીબ માનતા હતા. છેવટે એવું નક્કી થયું કે ૧૪ ઓગસ્ટ રાત્રે ૧૧.૫૧ વાગ્યે સત્તાના સુત્રો ભારતને આપવાની પ્રક્રિયા શરુ થઇ જે ૪૮ મિનિટ સુધી એટલે ૧૫ ઓગસ્ટ રાત્રે ૧૨.૩૯ પૂરી થઇ. ભારતીય હિન્દુ કેલેન્ડર પ્રમાણે ૧૫ ઓગસ્ટ સુર્યાસ્ત થાય પછી ગણાય. એ દિવસે જવાહરલાલ નહેરુએ સંસદમાં આપેલું ભાષણ ૨૦ મી સદીના યાદગાર પ્રવચનોમાનું એક ગણાય છે.
૧૮/૦૯/૨૦૧૭ 
  • કોઈ પાસે દલાઈ લામા છે, તો કોઈ પાસે ઓબામાં છે. ભાગ્યશાળી ભારત કેટલું? એની પાસે તો અંબા માં છે. (અરવિંદ સોમૈયા, કચ્છશ્રુતિ, સપ્ટેમ્બર ૨૦૧૭)
૧૬/૦૯/૨૦૧૭ 
  • ૧૪ તથા ૧૫ સપ્ટેમ્બરના રોજ અમદાવાદના મહેમાન બનેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેના પત્ની અકી આબેએ વસ્ત્રાપુર ખાતે અંધજન મંડળની મુલાકાત લીધી હતી. તેઓ ભારતની પહેલી મુક-બધિર-અંધ ફિઝીઓથેરાપિસ્ટ યુવતી શ્રુતિલતાને મળ્યા હતા. તેમણે કહ્યું હતું શ્રુતિલતા અનોખી દિવ્યાંગ ડોક્ટર છે. તેના આવતા વર્ષો માટે અકી આબેએ શુભેચ્છા આપી હતી.
૧૪/૦૯/૨૦૧૭ 
  • સફળતા શું છે? 'જ્યારે તમે તમારી પાછલી જિંદગીને યાદ કરો અને એ યાદોથી તમારું મન ખુશ થઈ જાય અને ચહેરા પર એક મુસ્કુરાહટ આવી જાય તેને સફળતા કહેવાય.'   સત્ય નાદેલા
૧૦/૦૯/૨૦૧૭
  • ૧૪ સપ્ટેમ્બર ૧૯૨૩ના દિવસે જન્મેલા અને ૧૯૪૨-૧૯૪૩ ના વર્ષથી વકીલાત શરૂ કરનારા ભારતના પ્રખ્યાત ધારાશાસ્ત્રી રામજેઠમલાનીએ પત્રકારોને કહ્યું કે ૭૫ વર્ષની વકીલાતની પ્રેક્ટીસ બાદ હું મારા જન્મદિને (૯૫માં જન્મદિવસે) રીટાયર થવા માંગુ છું.
  • જાણીતા ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટને એક સમયે ડ્રિન્ક્સનું વ્યસન હતું. તેમના જન્મ દિવસે પૂજા ભટ્ટે તેના પિતા મહેશ ભટ્ટને 'ડેડી, આઈ લવ યુ' કહ્યું, ત્યારે મહેશ ભટ્ટે તેની દીકરીને એક સુંદર વાત કહી તે પછી પૂજા ભટ્ટે ડ્રિન્ક્સ લેવાનું છોડી દીધું હતું. 'જો તું મને પ્રેમ કરતી હોય તો પહેલા તું તારી જાતને પ્રેમ કર કારણકે તારા શરીરમાં મારો અંશ છુપાયેલો છે.'
  • સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી નાની પાલખીવાલાએ તેમની એક સ્પીચમાં કહ્યું કે, 'ભારતીય લોકો છુટા અને અલગ હોય ત્યારે ઈન્ટેલેકચ્યુઅલ હોય છે પણ જ્યારે ભેગા થાય ત્યારે અભણ થઈ જાય છે.
૦૯/૦૯/૨૦૧૭
  • ઘણા વર્ષો પહેલા અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટન રાજસ્થાનના જયપુરની મુલાકાતે આવેલા. ત્યાં તેમણે શણગારેલા હાથીઓ જોયા અને એક હાથી પર સવારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પણ તેમની સાથે આવેલા સલાહકારોએ હાથી પર સવારી કરવાની નાં પાડી કારણકે પ્રમુખ ક્લિન્ટન ડેમોક્રેટિક પક્ષના નેતા હતા. તેમની વિરોધી રાજકીય પાર્ટી રિપબ્લિકન પાર્ટીનું ચુનાવ ચિન્હ હાથી હતું. જો પ્રમુખ ક્લિન્ટનની હાથી પરની સવારીની તસ્વીરો અમેરિકન મીડિયામાં પ્રસિધ્ધ થાય તો આડકતરી રીતિ વિરોધપક્ષના સિમ્બોલનો પ્રચાર થાય. આ જોખમને લીધે સલાહકારોએ તેમને હાથી પરની સવારી કરવાનું ટાળવાની સલાહ આપી. ક્લિન્ટનના ડેમોક્રેટિક પક્ષનું સિમ્બોલ ગધેડું છે.
  • છેલ્લા મુઘલ શહેનશાહ બહાદુર શાહ ઝફરે તેઓ સત્તા પર આવ્યાના થોડા જ સમયમાં ગૌહત્યા પર પ્રતિબંધ મુક્યો હતો.
૦૫/૦૯/૨૦૧૭
  • આજે અમદાવાદની એક દિવસની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ બપોરે વી.એસ. હોસ્પિટલ પાસેથી મંગાવેલી કિટલીની ઓછી ખાંડવાળી ચા પીધી હતી.
  • બે સ્વચ્છતા કામદારો વાતો કરતા હતા. કાલે શહેરના રસ્તા પરથી લગભગ ૧૦,૦૦૦ પાણીના પાઉંચ ભેગા કર્યા. એક કામદારે બીજાને પૂછ્યું, 'શું કઈ ખાસ તહેવાર કે ઉત્સવ હતો?' બીજા કામદારે જવાબ આપ્યો, 'નાં કાલે લગભગ ૫૦૦૦ માણસોની પર્યાવરણ બચાવો રેલી નીકળી હતી.'

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો