
આજે આપણે ટીનએઈજ બાળકો માતાપિતા પાસેથી શું ઈચ્છે છે અને તેમને શું ગમે છે તે વિશે વાત કરીએ જેથી અમુક સમસ્યાઓનું નિવારણ આપોઆપ થઈ જાય. બાળકો લગભગ બાર વર્ષના થાય ત્યાં સુધી માતાપિતાને તેમની પાસે કોઈજ પ્રકારની અપેક્ષાઓ હોતી નથી. તેમની દરેક પ્રકારની વર્તણુક, તેમના તોફાનો વગેરે માતાપિતા હળવાશથી લઈ લે છે. અચાનક બાળક ટીનએઈજમાં પ્રવેશે ત્યારે જ માતાપિતાએ તેમના માટે થોડો સમય અને નાણા વધુ ફાળવવા પડે છે તેનાથી માતાપિતાની બાળક માટેની દરેક વસ્તુમાં અપેક્ષાઓ વધી જાય છે. વધતી અપેક્ષાના ભારણ હેઠળ તેને થોડી સલાહ અને ટકોર વધુ અપાઈ જાય છે. ટીનએઈજ બાળકો માતાપિતા પાસે આ ઉંમરે પણ પહેલા જેવી હળવાશ ઈચ્છે છે. તેઓ ઈચ્છે છે કે તેમને થોડી સ્વતંત્રતા મળે. તેમની દરેક વર્તણુકનું પોસ્ટમોર્ટમ નાં થાય. તેઓ ક્યાં જાય છે? તેઓએ કેટલા પૈસા ખર્ચ્યા? તેઓ કોને મળ્યા? જેવા પ્રશ્નો તેમને વાંરવાર નાં પુછાય. તેઓ ઘરમાં તાણમુક્ત વાતાવરણ રહે અને ઘરના બધા જ સભ્યો એકબીજા સાથે પ્રેમાળ વર્તન કરે તેમ ઈચ્છે છે. માતાપિતા વચ્ચેના સંબંધોની પણ તેમના વર્તન અને વ્યવહાર પર લાંબા ગાળે અસર પડે છે. માતાપિતા વચ્ચે સતત ઘર્ષણ થતું હોય તો તેમને પણ સતત નકારાત્મક વિચારો કરવાની આદત પડી જાય છે જેને લીધે તેમના દરેક કામોમાં આત્મવિશ્વાસનો અભાવ દેખાઈ આવે છે. ઘણા કુટુંબોમાં આ ઉંમરે ટીનએઈજ બાળક માતાપિતા કરતા કાકા, મામા, ફોઈ કે માસી સાથે વધુ નિખાલસ હોય છે. આ સંબંધોમાં પણ તેને સાચી સલાહ મળતી હોય છે. ઘણા ટીનએઈજ બાળકો એમ માને છે કે માતાપિતા કરતા તેમને મામા કે કાકા વધુ સારી રીતે સમજી શકે છે તેનું કારણ જ એ છે કે કાકા અને મામા પાસે તેમને સાંભળવાનો પુરતો સમય હોય છે. તેમની સાથે બાળક મુક્ત રીતે હસી શકે છે અને આ સંબંધો નિસ્વાર્થ છે તેમાં અપેક્ષાને કોઈ સ્થાન નથી. ટીનએઈજ બાળકો માતાપિતા પાસેથી આવી જ વર્તણુકની અપેક્ષા રાખે છે. બસ દરેક માતાપિતાને એ જ સલાહ કે થોડી ધીરજ રાખો, થોડો તમારા ટીનએઈજ બાળકમાં વિશ્વાસ રાખો, થોડું જતું પણ કરો, થોડો કુટુંબ સાથે વધુ સમય આપો, કુટુંબના દરેક સભ્યોને પ્રેમ કરો અને ફક્ત ટીનએઈજ બાળકોમાં જ નહીં પણ બધા જ લોકો સાથે નિસ્વાર્થ-અપેક્ષા રહિત સંબંધોની ટેવ પાડો. તમારા ટીનએઈજ બાળકનું સામાજિક અને વ્યવસાયિક ભવિષ્ય ચોક્કસ શ્રેષ્ઠ હશે.
પ્રતિશાદ આપો