મુલાકાતી નંબર: 430,017

Ebook
હોસ્ટેલમાં જતી ટીનએઈજ દીકરીને પિતાનો પત્ર
થોડા વખત પહેલા બોલીવુડના એક એવોર્ડ સમારંભમાં દીપિકા પાદુકોણે ખુબ ભાવુક થઇ પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆતમાં તે મુંબાઈ આવી ત્યારે પોતાના પિતાએ તેના પર લખેલો પત્ર વાંચી સંભળાવ્યો. લગભગ ૧૦ વર્ષ પછી પણ તે હજુ તે પત્રના પ્રભાવ હેઠળ હતી. ટીનએઈજ દીકરીઓએ પોતાની કારકિર્દી માટે કે ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે પિતૃગૃહથી દુર જવું પડે છે ત્યારે તેના માતાપિતાને તેની વિશેષ ચિંતા થાય છે. માતા તો તેના જવાના દિવસો અગાઉથી દીકરીની સાથે રહી ઘણી શિખામણ અને જીવનના ઘણા મુલ્યો શીખવતી જ હોય છે. પિતાની સ્થિતિ બહારથી શાંત પણ અંદરથી ઘૂઘવાતા દરિયા જેવી હોય છે. તેમણે ઘણું કહેવું હોય છે પણ બોલી નથી શકતા. અહીં પણ એક દીકરી વિશેષ અભ્યાસ માટે ઘરથી દુર ગઈ ત્યારે તેના પિતાએ તેના પર લખેલ પત્ર છે જેમાં પિતાએ તેને જીવનમાં મદદરૂપ થાય તેવા તેમજ દીકરીની કારકિર્દી માટે ચાર જરૂરી સૂચનો કર્યા છે તે ખુબ હદયસ્પર્શી છે. “બેટા આજે તુ ઘરથી દુર જઈ રહી છું ત્યારે તને કહેવાની પહેલી વાત કે તું બધા જ માનવીય સંબંધો ટકાવી રાખજે અને દરેક સંબંધને એક માનનીય દરજ્જો આપજે. જીવનનો લાંબો રસ્તો આપણે એકલા ક્યારેય પસાર કરી શકવાના નથી એમાં લોકોનો હાથ અને આંગળી પકડવી જ પડશે. તું સારી દીકરી, શ્રેષ્ઠ માતા, શ્રેષ્ઠ પત્ની, શ્રેષ્ઠ મિત્ર સાથે શ્રેષ્ઠ વ્યક્તિ પણ થવાનો પ્રયત્ન કરજે. સારા માનવીય સંબંધોમાં અપેક્ષાની ભાવના ઓછી અને ઘસાઈ છુટવાની ભાવના વધુ હોય છે. આપણે લોકોની ખામીઓ નથી યાદ રાખવાની પણ ખૂબીઓ જોવાની છે. સારા સંબંધોનું ફળ ઘણી વાર તારી સમજમાં તરત નહીં આવે પણ વાવેલા આંબાની જેમ વર્ષો ના વર્ષો પછી પણ તે ક્યાંક ને ક્યાંક તને સતત હુંફ અને ઉર્જા રૂપે મળતું રહેશે. તાલી પાડીને હસી શકીયે અને જરૂર પડે તો ખભે માથુ રાખી આંસુ પણ લુછી શકીયે તેવા માનવીય સંબંધો જ સફળ જીવનની ચાવી છે. દરેક માનવીય સંબંધો આપણને સતત નવું શીખવતા રહે છે અને આપણું શ્રેષ્ઠતમ બહાર લાવતા હોય છે. જુદા જુદા સ્વભાવ અને ટેવો ધરાવતી વિવિધ વ્યક્તિને આપણે મળતા રહીએ તે આપણા માટે સફળતાની શરૂઆત કહી શકાય. આ જ વ્યક્તિઓ સાથે આપણે રહીએ અને કામ કરી શકીએ તો આપણી પ્રગતિ અને સફળતાને કોઈ રોકી નહીં શકે. હું પણ મારા માતાપિતા પાસેથી શીખેલો છું તે બીજી અને અગત્યની વાત કે આપણે આપણા સાથે સંકળાયેલી વ્યક્તિઓને આપણી ક્ષમતા પ્રમાણે સતત કઈક ને કઈક આપતા રહેવું. કોઈ ભૌતિક વસ્તુ અને ધન તો ઘણા બધા આપશે પણ વિદ્યા અને સમયનું દાન બહુ ઓછા લોકો આપશે. જયારે આપણે કોઈને કોઈ વસ્તુ આપીએ છીએ ત્યારે આપણી પાસે એ વસ્તુ ઓછી તો થતી નથી પણ આપણને ખબર જ નાં પડે તેવી રીતે એ આપણી પાસે વધતી જ હોય છે. joy of giving ની અનુભૂતિ જ અનેરી હોય છે. વસ્તુ આપવાથી આપણામાં એક પરમ સંતોષની ભાવના જન્મશે જેથી અન્ય કામમાં આપણો આત્મવિશ્વાસ વધે છે. જ્યારે આપણે કોઈને કોઈ વસ્તુ આપવાની સમર્પિતતા દાખવીએ છે તો આપણામાં નમ્રતાના ગુણ આપોઆપ આવી જાય છે. હદય વધુ વિશાળ બને છે. ભગવાને આપણને જરૂરિયાતમંદ વ્યક્તિને કાઈ આપી શકીએ તે માટે યોગ્ય વ્યક્તિ ગણી તે આપણું નસીબ અને સત્કર્મનો પ્રતાપ ગણી શકાય. ત્રીજી વસ્તુ બેટા સમય સાથે અને દુનિયાના બદલાતા પ્રવાહો સાથે તારે ચાલવું પડશે. આ માટે તારે સતત નવું શીખવાની ટેવ પાડવી પડશે. આપણે બે કે ત્રણ વર્ષ પછી મળીયે તો તારામાં ફક્ત ઉમરનો વધારો થયેલો ના હોવો જોઈએ. સાથે વર્તમાન પ્રવાહોને અનુરૂપ જ્ઞાનમાં પણ વધારો થયેલો હોવો જોઈએ. આપણે જ્યાં અને જે પરિસ્થિતિમાં હોઈએ તે પરિસ્થિતિને અનુરૂપ આપણામાં નવી ભાષા, નવા વિચારો, નવી જીવનશૈલીનો બદલાવ તો જ આવશે જો આપણે હમેશા નવું શીખવા આપણા મગજને ખુલ્લું રાખીશું. બે વર્ષના બાળક પાસેથી પણ કતુહુલ અને નિર્દોષતાના પાઠ શીખી શકાય છે અને નેવું વર્ષની વૃધ્ધ વ્યક્તિ પણ સરળતા, ધીરજ અને મૌનનું મહત્વ શીખવી જાય છે. આપણા જ્ઞાનનું ક્યારેય અભિમાન ના કરવું. જે વ્યક્તિ પોતાના મગજને કઈક ને કઈક શીખવા ખુલ્લું રાખે છે તે હમેશા યુવાન છે અને જે વ્યક્તિ નવું શીખવાનું છોડી દે છે તે વૃધ્ધ છે. સામેના માણસની ક્ષમતા પર ક્યારેય અવિશ્વાસ ના કરવો અને તેને ક્યારેય નીચો દેખાડવાના પ્રયત્નો ના કરવા. આપણા કામમાં જ સતત સુધારો કરવામાં આપણી શક્તિ ખર્ચવી. જીવનપથ પર ઘણીવાર કપરો સમય આવશે તેનાથી ક્યારેય ડરીશ નહીં. ક્યારેક કંટાળો આવે તો વિસામો જરૂર લેજે પણ અટકીશ નહીં. જીવનમાં બધી જ વખત આપણું ધાર્યું નથી થતું. ઘણીવાર આપણે આપણા કાર્યમાં નિષ્ફળ પણ જઈએ. સફળતા ક્યારેય વિજય નથી અને નિષ્ફળતા ક્યારેય અંત નથી. નિષ્ફળતા આપણને પહેલા કરતા વધારે સમજદારી પૂર્વક, પહેલાની ભૂલો સુધારીને અને નવા આત્મવિશ્વાસ સાથે કામ ફરીથી શરુ કરવાની તક આપે છે. છેલ્લી વાત બેટા, ઉપરની બધી જ વાતો તું માનીશ તો પણ તારા બધા જ સપના તો જ પુરા થશે જો તારી તંદુરસ્તીનું તે પુરતું ધ્યાન રાખ્યું હશે. શરીર નાદુરસ્ત હોય તે વ્યક્તિઓએ હમેશા બીજા પર આધાર રાખવો પડતો હોય છે. જીવનનો રસ્તો ત્યારે જ સરળ રહેશે જો તું શારીરિક અને માનસિક રીતે શક્ષમ રહીશ. આપણે આપણા કાર્યમાં લાંબો રસ્તો પસાર કરવો હોય, બધાજ ક્ષેત્રમાં નિપુણતા મેળવવી હોય તો જરૂરી ઊંઘ, પ્રવાહી, ખોરાક, કસરત પર ધ્યાન આપવું જ પડશે. આ કામ આપણો વધુ સમય લેતું નથી પણ યાદ કરીને અને નિયમિતતાથી જરૂરી વિટામીનોની દવા કે જરૂરી ખોરાકમાં ફેરફાર કરવા. ગમે તેટલા કાર્યબોજમાં પણ થોડો સમય ફાળવી શરીરને જરૂરી કામો કરીએ તો આપણે આપણા કામો આનંદિત રહી પુરા કરી શકીશું. આપણું શરીર સાચવવા લોકોની દ્રષ્ટિએ ક્યારેક થોડા સ્વાર્થી પણ બનવું પડે. ચાલ બેટા આ સાથે પત્ર પૂરો કરું છું. પત્રમા લખેલું બધું જ નહીં પણ ૭૦% પણ તું અનુસરીશ તો દુર રહીને પણ અજ્ઞાતપણે હું શાંતિ અનુભવી શકીશ.”

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો