મુલાકાતી નંબર: 430,090

Ebook
બાળકો પાસે ડરાવીને કામ લેવાય?
વર્ષો પહેલા એક અંગ્રેજી પિકચરમાં અભિનેતા રીચાર્ડ બર્ટન એક લશ્કરી અધિકારી હોય છે. તેના ઉપરીને તે કહે છે કે, ‘હું પોતે મારા કાર્યને લાયક નથી. મારા નીચેના સૈનિકોને હું જ ઉદાહરણરૂપ બનવાની યોગ્યતા કેળવીશ પછી મારી જવાબદારીઓ હું પાછી લઇશ’. ગત અઠવાડિયે એક શાળાના વાર્ષિકોત્સવમાં જવાનું થયું. માતાપિતા સાથેના સંવાદમાં એક માતાએ પ્રશ્ન પૂછ્યો કે બાળકને ડર બતાવીને કામ લેવાય? તેઓ આપણા કહ્યામાં ના રહે તો ધમકી કે ડર બતાવીને કામ પુરૂ કરાવવું કેટલે અંશે યોગ્ય છે? પ્રશ્ન ખુબ સુંદર છે. જ્યારે બાળક અપેક્ષિત વર્તન ના કરે તો થોડો સમય માતાપિતા કે શિક્ષક પ્રેમથી પણ સમજાવશે પછી એક તબક્કે તેમની ભાષા પણ બદલાઈ જતી હોય છે.   બાળકને ડર બતાવાય જ નહીં તેવું પણ સાવ નથી. તેના માટેના ચોક્કસ નિયમો માતાપિતાએ કે શિક્ષકે પાળવા પડે તો બતાવેલા ડરની યથાર્થતા જળવાય. ડર બતાવનારે તેના સારા કામને વખાણવું પણ જોઈએ. બાળક કઈ સારું કરે કે સૂચનાઓ માને તો તેમાં નવાઈ શું છે તે બાળક તરીકેની ફરજ છે બધા બાળકો આટલું તો કરી જ શકે તેવું મનાતું હોય છે અને તે અપેક્ષિત વર્તન ના કરે ત્યારે તેને ડર બતાવાય તે યોગ્ય નથી. વાંરવાર અને એકની એક વાતમાં ફરીને ફરી ડર ના બતાવાય. તું આ પ્રમાણે નહીં કરે તો તને જમવાનું નહીં મળે અથવા તને ઘરના બધા બહાર જઈએ ત્યારે તને લઈ નહીં જઈએ તે વાત વાંરવાર થવાથી બાળક પણ આવા વર્તનથી ટેવાઈ જશે. કોઈ વસ્તુનો સીધો જ તેને ડર બતાવી કે તેને સુચના આપ્યા કરતા તેના પરિણામો સમજાવી તેને થોડો સમય આપવો જોઈએ. આપેલા સમયમાં બાળક તે કામ કરે તેની પ્રતિક્ષા કરવાની માતાપિતાએ ટેવ પાડવી જોઈએ. ડર બતાવનારે હળવો સમય પણ સારો એવો વિતાવ્યો હોય તો જ ડર આપવો. પપ્પા બહારથી આવે અને બાળકને દિવસમાં માંડ દસ મિનિટ માટે મળે તે જ સમયમાં શરતી અને ડર બતાવીને કામ પુરૂ થાય તેની અપેક્ષા રાખે તો ધાર્યા પરિણામ નહીં આવે. રજાના દિવસે ત્રણ-ચાર કલાકનો સમય બાળક સાથે પસાર કર્યો હોય તેમાં વચ્ચે કોઈ એક વાત ડર બતાવીને કરવા જેવી હોય તો કરી પાછો હળવો સમય વિતાવવાથી બાળકને માતાપિતાએ આપેલી સુચના મુજબ કામ કરવાની ઈચ્છા થશે. કોઈ કામ તેણે પુરૂ કરવા સારા પ્રયત્નો કર્યા હોય પછી ભલે પુરૂ ના પણ થયું હોય તો બીજી વારમાં પુરૂ થઇ જશે તેમ તેના પ્રયત્નો વખાણી તેનો ઉત્સાહ વધારવો વધુ યોગ્ય રહેશે.   માતાપિતા કે શિક્ષક જે વસ્તુનો ડર બતાવે છે તે વાતનું તેઓ પાલન કરે છે કે નહીં અર્થાત તેઓ આદર્શ વ્યક્તિ છે કે નહીં તે પણ જોવું. જેમકે કોઈ શિક્ષક જ ક્લાસમાં વાંરવાર મોડા આવતા હોય પછી તે બાળકોને સમયસર આવવાની સુચના આપે તો બાળકોને ગળે નહીં ઉતરે. ઘણીવાર માતાપિતા એમ માનતા હોય છે કે પોતે ગમે તે કરે પણ બાળક સર્વગુણ સંપન્ન રહે તો તે શક્ય નથી. બાળક ફક્ત માતાપિતા સામે બોલી નથી શકતું બાકી તેને પણ માતાપિતાના અવગુણો વિશે પૂરેપૂરી જાનકારી  હોય છે. તેને ક્યાં ખબર પડવાની છે? તેવા અંધારામાં માતાપિતાએ ના રહેવું. માતાપિતાએ પોતાના સારા ગુણોને પોતાના બાળક સમક્ષ વાંરવાર યાદ કરાવવાની જરૂર નથી હોતી. સારા ગુણોની અજાણતા પણ નોંધ લેવાય જ તેવી પ્રક્રિયા હોય છે.                                                           અર્થાત માતાપિતાએ ડર બતાવવા માટે યોગ્ય અને લાયક વ્યક્તિ પહેલા બનવું પડે પછી જ બાળકને ડર બતાવાય. માતાપિતાએ એવી વર્તણુક રાખવી જોઈએ કે બાળકે આદર્શ વ્યક્તિ કે આત્મવિશ્વાસ વધારનાર વ્યક્તિના ઉદાહરણ લેવા ઘરની બહાર જવું ના પડે. અહીં કવિ મનોજ જોશીની એક પંક્તિ ખુબ બંધ બેસે છે. ‘ક્યાં કહું છું કે – દાવ છોડી દો ? ખેલ ખેલો, તણાવ છોડી દો. જીતની જીદ કદી ના રાખો, હારની બીક સાવ છોડી દો…’

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો