મુલાકાતી નંબર: 430,117

Ebook
તેમણે મારો આ એક દિવસ પણ કેમ ના સાચવ્યો?
by dr.ashish chokshi, pediatrician, ahmedabad. શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો.મનીષાના પેરેન્ટ્સ ઘણા વખત  બાદ તેમના ઘરે જમવા આવવાના હતા. ડો.મનીષાએ પોતાના મમ્મી-પપ્પાને ગમતું ભોજન, સંગીત જેવી બધી જ તૈયારી કરી હતી. મમ્મી-પપ્પા અને પિયુષ બધા સાથે ઘણી વાતો કરીશું તે વિચારથી સવારથી જ ડો..મનીષા ઘણા ઉત્સાહિત હતા. આજે તેઓ પોતાના ક્લીનીકે ગયા જ ન હતા. ડો.મનીષાની અને તેમના સર્જન પતિ ડો. પિયુષની હોસ્પિટલ આમ અલગ પણ એક જ વિસ્તારમાં નજીક નજીક હતી. તેમના પતિ ડો.પિયુષને પણ તેમણે સાંજે સમયસર ઘરે આવવાનું કીધું હતું. પીયુષે પણ ખુબ પ્રેમથી મનીષાને કહ્યું, 'માની, મમ્મીને ગમતો રાજગરાનો શીરો ખાસ બનાવજે.' મનીષાના મમ્મી-પપ્પા સાંજે ઘરે આવ્યા, પોતાની દીકરી સાથે ઘણી વાતો કરી. જમવાનો સમય થતા મનીષાએ પિયુષને ફોન કર્યો પણ રિસીવ ના થયો. કદાચ પિયુષ રસ્તામાં હશે. ઘણી રાહ જોયા પછી  મમ્મી-પપ્પાએ જમી લીધું. ફરી મનીષાએ તેના મમ્મી-પપ્પા સાથે વાતો કરી. હવે મમ્મી-પપ્પાએ  જવાની પણ તૈયારી કરી તો પણ પિયુષ ઘરે પહોંચ્યા ન હતા. ડો. મનીષાને થોડી અકળામણ અને તેમના પતિ પર થોડો ગુસ્સો પણ આવ્યો. ડો.મનીષાના મનમાં વિચારોનું ધમસાણ ચાલતું હતું, 'તેમણે મારે ખાતર થઈ આ એક દિવસ કેમ નાં સાચવ્યો?, એક દિવસ થોડા ઓછા પેશન્ટ જોયા હોત અને થોડું ઓછુ કલેક્શન થયું હોય તો શું ફેર પડે છે?, તેમને મારી જરૂર હોય ત્યારે ઘણીવાર હું કેવું મારૂ કામ બંધ રાખું છું? અને એડજસ્ટ કરું છું?, આ બધી વાતો તેમણે સમજવી ના જોઈએ?' ડો.મનીષાના માતાપિતાએ સમજાવ્યું, 'ડોક્ટરનું કામ જ એવું છે બેટા, અમે તો ઘણીવાર આવતા-જતા રહીશું, પણ ઘણા પેશન્ટને પિયુષકુમારની જરૂર હોય તો તેમણે પેશન્ટનું ધ્યાન રાખવું પડે. તે ના આવી શક્યા તેવું મન પર ના લઈએ.' છતાં ડો.મનીષા તેમના પતિની ગેરહાજરીથી હળવા ન થઈ શક્યા. તેમણે ડો.પિયુષના ક્લીનીકે ફોન કર્યો તો જાણવા મળ્યું કે સાહેબ તો ક્યારના નીકળી ગયા છે. તરત પોતાના પતિ ડો.પિયુષનો મોબાઈલ નંબર લગાવ્યો.  'નો રીપ્લાય.' થોડી મિનિટો બાદ ફરી મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન. પણ 'નો રીપ્લાય.' હવે ડો.મનીષા થોડા ગુસ્સે પણ થયા, 'પેશન્ટ જોવાના પુરા થાય પછી અન્ય કામો માટે તેમને આજનો જ દિવસ મળ્યો?, મોબાઈલ લેતા પણ નથી અને પોતે ક્યાં છે તે જણાવતા પણ નથી.' હવે મમ્મી-પપ્પાને પણ 'તમે થોડીવાર બેસો કહેવું વ્યર્થ હતું.' મમ્મી-પપ્પા ગયા, સાથે કહેતા ગયા કે, 'બેટા,જમાઈ આવે તો જરા પણ તેમના પર ગુસ્સે ના થઈશ. જરૂર તેમને ખુબ અગત્યનું કામ આવી પડ્યું હશે.' ડો.મનીષા મમ્મી-પપ્પાને બાય કહી તેમના બંગલાના ઝાંપે જ ઉભા રહ્યા. ઘરની અંદર જવાનો પણ કંટાળો આવતો હતો. તેમણે ડો.પિયુષની ગાડી ઘર તરફ આવતી જોઈ. જરા પણ ઉત્સાહ વિના તેમણે ડો.પિયુષની સામું જોયું. એક પણ પ્રશ્ન તેમના પતિને ના પૂછ્યો પણ સાથે ઘણા બધા જવાબની અપેક્ષા હતી. કોઈ પણ સંવાદ વિના બંને ઘરમાં દાખલ થયા. બંને વચ્ચેના  મૌનને લીધે ઘરના વોલકલોકના સેકંડ કાંટાનો અવાજ પણ સ્પષ્ટ રીતે સંભળાતો હતો. બે અજાણ્યા વચ્ચેના મૌનથી સંબંધોમાં કોઈ ફેર નથી પડતો પણ બે જાણીતા વચ્ચેના મૌનથી સંબંધો વચ્ચે દિવાલ સર્જાય છે. પતિપત્ની જ્યારે એકબીજાને પૂરતા સાંભળે નહીં ત્યારે તેમના વચ્ચેની અપેક્ષાઓ ઘણીવાર વર્ષો બાદ રચાયેલા 'લાગણી' નામનાં સેતુના પાયા પણ ડગમગાવી શકે છે. ડો.પિયુષે પોતાની બેગ મુકતા જ પ્રશ્ન કર્યો, 'મમ્મી -પપ્પા ગયા? તેઓ બરાબર જમ્યા ને?' ઘણી બધી તકલીફ સાથે ડો.મનીષા એક શબ્દમાં જવાબ આપી શક્યા, 'હા'. ડો.મનીષા જાણીજોઇને પિયુષની હાજરીને થોડી અવગણી બાજુમાં પડેલા મેગેઝીનના પાનાં ફેરવવા માંડ્યા. હવે ડો.પિયુષને લાગ્યું કે વાતાવરણ થોડું વધુ ગંભીર છે. શાંત વાતવરણ તેનું રૌદ્ર સ્વરૂપ ના બતાવે તે માટે ડો.પિયુષે પોતાની રજૂઆત શરૂ કરી, 'માની, હું મારા ક્લીનીકે પરથી તો સમયસર જ નીકળ્યો પણ રસ્તામાં જ મને ફોન આવ્યો કે.....' મનીષાએ વચ્ચેથી જ પિયુષની વાતને કાપી કહ્યું, 'તમે ઘણા વ્યસ્ત માણસ છો. તમને ઘણા અગત્યના પણ ફોન આવતા હોય છે. 'સમય' જેવી વસ્તુ ઘરના લોકો માટે પણ ક્યારેક સાચવો તો સારૂ. હવે ઝડપથી ફ્રેશ થઈ તમે જમવા આવો. હું ખુબ થાકી છું તમને પીરસી મારે સુઈ જવું છે.' ક્રિકેટમાં જ્યારે બેટ્સમેન મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરે ત્યારે બોલરની સ્થિતિ ખુબ લાચાર થઈ જતી હોય છે. મનીષાએ કરેલી ફટકાબાજી સામે ડો.પિયુષને સ્વરક્ષણ માટે કોઈ તક ન મળી. ડો.પિયુષ ફ્રેશ થવા ગયા. અંદરના રૂમમાં ડો.પિયુષ કોઈને ફોન કરી પૂછી રહ્યા હતા કે, 'હવે પેશન્ટને સારું છે ને?' ડો.પિયુષના વાર્તાલાપને લીધે ડો.મનીષાને આજે પહેલીવાર પોતાનો અને પોતાના પતિનો વ્યવસાય ડોક્ટરનો છે તે વાત પર અફસોસ થયો. ત્યાં જ ઘરના ફોનની રીંગ વાગી. ફોન પોતાની હોસ્પિટલના સ્ટાફ લક્ષ્મી બહેનનો હતો. આમ પણ ડો.મનીષા પોતાની હોસ્પિટલ પર આજે જઈ શક્યા ન હતા આથી દિવસ કેમનો રહ્યો અને કોઈ પેશન્ટ હતા કે કેમ તે પૂછવા પોતાની હોસ્પિટલ પર ફોન કરવા વિચારતા જ હતા. લક્ષ્મી બહેન બોલ્યા, 'બહેન, હમણાં સાહેબ સાથે જ વાત ચાલતી હતી ત્યાં ફોન કટ થઈ ગયો.' ડો.મનીષાને થોડું આશ્ચર્ય થયું તેમણે લક્ષ્મીબહેનને પૂછ્યું, 'સાહેબે તમને કેમ ફોન કરવો પડ્યો?' લક્ષ્મી બહેને કહ્યું, 'આજે સવારથી જ  સાહેબે કહી રાખ્યું હતું કે આજે બહેનના મમ્મી-પપ્પા આવવાના છે આથી કોઈ પણ ઈમરજન્સીમાં પેશન્ટ આવે તો તેમને ન જણાવતા પણ મને ફોન કરીને કહેજો. સાંજે લેબર પેઈન સાથે પેલા પૂર્વી બહેન આવ્યા હતા. આથી અમે સાહેબને ફોન કર્યો હતો. પૂર્વી બહેનને ખુબ બ્લીડીંગ પણ થતું હતું. સાહેબ અને તેમના કોઈ ડો.મિત્ર સાથે આવ્યા અને તેઓએ ઓપરેટ કરેલ. સગાઓએ સાહેબને ખુબ પ્રશ્નો પૂછી હેરાન કરેલ. સાહેબે ખુબ સરસ મેનેજ કર્યું. ઈમરજન્સી ઓપરેશન બાદ  હવે પૂર્વી બહેન અને બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ છે. કોઈ ચિંતા ન કરતા તમે સવારે આવશો તો પણ ચાલશે.' ડો.મનીષાનો હાથ ફોન પર જ થીજી ગયો. ખરેખર કોણે કોનો દિવસ સાચવ્યો હતો........ ઘણીવાર આપણે જ આપણી પ્રિય વ્યક્તિ પાસેથી આપણી રીતે જ વિચારીને અમુક અપેક્ષાઓ રાખતા હોઈએ છે. તેણે આમ કેમ નાં કર્યું? તેને મારો વિચાર કેમ નાં આવ્યો? આ બધું જ આપણે આપણી રીતે વિચારીએ છીએ. અમુક વ્યક્તિઓ કેમ ના પાડી કે અમુક કામ તેઓએ કેમ નથી કરવા પડ્યા કે કેમ કરવા પડ્યા તે એક્સ્પ્રેસ નથી કરતા. પણ સંબંધો પરનો વિશ્વાસ જ આપણને ટકાવી રાખે છે. drashishchokshi.com

8 ટિપ્પણીઓ

  1. લેખકગીતા પંચાલ

    on August 19, 2018 at 10:54 am - Reply

    શુ કહું ?આવું ઘણી વાર અમારા જીવનમાં પણ બન્યું છે અને ખરેખર તે સમયે આવું જ કોઈ કારણ નીકળે છે આપણા માટે જ કામ થયું હોય.
    ખૂબ જ સુંદર અને પરસ્પરના સંબંધો માં બનતી વાત

    • લેખકDr. Ashish Chokshi

      on August 20, 2018 at 8:37 am - Reply

      Dr. Ashish Chokshi

      ગીતા બહેન આભાર, સૂચન આવકાર્ય છે.

  2. લેખકFalak Barot

    on August 19, 2018 at 12:15 pm - Reply

    Society always focus on who is not there in the event or function instead of focusing who all are present to share their joy !

    Understand why someone may not be there and Enjoy who all are there !

    • લેખકDr. Ashish Chokshi

      on August 20, 2018 at 8:37 am - Reply

      Dr. Ashish Chokshi

      સાચી વાત ફલકભાઈ, આભાર.

  3. લેખકDr Anil Patel

    on August 19, 2018 at 8:55 pm - Reply

    Excellent.👌👌

Leave a Reply to Dr. Ashish Chokshi જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો