મુલાકાતી નંબર: 430,125

Ebook
ધાવણ પુરતું આવે તે માટે શું કરવું?
  • બાળકના જન્મ બાદ ઘણી માતાઓને પોતાના ધાવણ માટે અસંતોષ હોય છે. માતાને ગર્ભ રહે એટલે એનાં શરીરમાં અંતઃસ્ત્રાવોની ગોઠવણ કુદરત દવારા જે થયેલી છે એ રહેવાની જ. પરંતુ ધાવણનું પ્રમાણ સારું રહે તે માટે માતા પોતે ગર્ભાવસ્થામાં સ્તનનું ધ્યાન કેવું રાખે છે, જન્મ બાદ માતાનાં ધાવણ વધારવા માટેના પ્રયત્નો અને કુટુંબીજનોનો સાથ સહકાર આ ત્રણે વસ્તુ પર વિશેષ નિર્ભર છે.
  • પુરતું ધાવણ આવે તેની માતાને ખબર કેવી રીતે પડે?ધાવતું બાળક ૨૪ કલાકમાં ૭ થી ૮ વખત પેશાબ જાય. દર અઠવાડિએ ૧૨૫ થી ૧૫૦ ગ્રામ એટલે દર મહિને ૬૦૦ થી ૭૫૦ ગ્રામ વજન પહેલા ત્રણ માસ દરમ્યાન વધે તો સમજવું કે નવજાતશિશુને પુરતું ધાવણ મળે છે. પહેલા અઠવાડિયામાં ઘટેલું વજન બીજા અઠવાડીયાના અંતે સરખું થઇ જાય છે.
  • ધાવણ અપૂરતું છે અથવા ઓછું પડે છે તે માટેની ખોટી માન્યતાઓ.
    • સ્તનમાંથી ધાવણ ઝરતું નથી.
    • પહેલા બાળક વખતે ધાવણ આવ્યું નહોતું.
    • નોર્મલ ડિલિવરીમાં સારું ધાવણ આવે, ચીપિયાથી કે ઓપરેશનથી પ્રસુતિ થઇ હોય તો ઓછુ ધાવણ આવે.
    • જોડિયા બાળક છે આથી ધાવણ પૂરું નાપડે.
    • સ્તનનું કદ નાનું છે.
    • માતાની ઉંમર વધુ છે.
    • બાળક ખુબ લાંબો સમય ચૂસ્યા કરે છે. અને જો તેને સ્તનથી છોડાવવામાં આવે તો તરત જ તે રડે છે. ( આ અપૂરતા ધાવણની નિશાની નથી. આ તકલીફ એમ બતાવે છે કે બાળકની ચૂસવાની પધ્ધતિ બરાબર નથી. અને બાળક ના હોઠ અને માતાનાં સ્તનનું જોડાણ (attachment) ખોટું છે. )
    ઉપરના કારણોમાં માતા પહેલેથી જ માની લે છે કે ધાવણ ઓછું જ આવશે અને આ માન્યતાઓ ખોટી છે.
  • ધાવણ સારું, પુરતું અને સંતોષજનક આવે અને તેનો પ્રવાહ ચાલુ રહે તે માટે શું કરવું?
    • બાળકનાં જન્મ્યા બાદ તે વારંવાર સ્તનને ચૂસે (frequent feeding), બાળકની અને માતાનાં સ્તનની સાચી સ્થિતિમાં બાળક ચૂસે (proper attachment), માતાને એક સ્તન ખાલી થયું છે તેવી અનુભૂતિ થાય કે તુરંત બાળકને બીજું સ્તન ચૂસવા આપવું.
    • સગર્ભાવસ્થાના ચોથા કે પાંચમાં મહિનાથી જ માતાએ સ્તનની વિશેષ કાળજી રાખવી. ગાયનેક ડોક્ટર પાસે સ્તનની ખાસ કરીને નીપલ (ડીંટડી)ની નિયમિત તપાસ કરાવવી. નીપલ સાફ કરવાની પધ્ધતિ, નીપલની કાળજી લેવાની પધ્ધતિ જાણી લેવી. નીપલ, તેની આજુબાજુનો કાળો ભાગ (areola) તેમજ સ્તન પર સગર્ભાવસ્થામાં જ હળવા હાથે મસાજ કેવી રીતે કરવો તે જાણી લેવું. આમ કરવાથી સગર્ભાવસ્થાના છેલ્લા અઠવાડિયાઓમાં અને પ્રસુતિ બાદ નીપલ કડક થવી અને નીપલ પર ચીરા પડવાની શક્યતાઓ ઘટશે.
    • ધાવણ આપતી વખતે માતાએ તેના બાળક સાથે આંખમાં આંખ મિલાવવાનો પ્રયત્ન કરવો. બાળક પણ માતાની આંખ સામે આંખ મળે તેવા પ્રયત્ન કરતુ હોય છે. આમ કરવાથી બાળક શાંત ચિત્તે ધાવણ લેશે. માતાને પણ એક પરમ સંતોષની અનુભૂતિ થશે. આ તો જ શક્ય છે જો માતાનાં રૂમમાં સગાઓની ખલેલ ઓછી હોય. સગાઓની હાજરીમાં સ્તનપાન કરાવતી માતાઓએ સગાઓની વાતોમાં ધ્યાન આપવું પડે છે. આથી તે પોતાના શિશુ સાથે આંખ થી આંખ મિલાવી શકતું નથી.
    • કુટુંબીજનો ખાસ કરીને પ્રસુતાની માતા અથવા સાસુ, બહેન અને પ્રસુતાના પતિનો ઉષ્માપૂર્ણ વ્યવહાર નવી થયેલી માતાની બધા પ્રકારની ચિંતા ઘટાડી દેશે. તેઓ માટે આ છ મહિના માતાને શ્રેષ્ઠ રીતે સહકાર આપવાનો ઉત્તમ મોકો છે.
    • માતાનાં ખોરાકમાં વધુ પ્રવાહી, દુધની બનાવટો, લીલા શાકભાજી તેમજ કઠોળ પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. માતાએ રોજનું ૧ લીટરથી ૧.૫ લીટર જેટલું પ્રવાહી લેવું જોઈએ જેમાં સૂપ, છાસ, જ્યુસ, નાળિયેર પાણી, દૂધ, મિલ્ક શેઈક અથવા તેને ગમતું કોઈ પણ પ્રવાહી તે લઇ શકે. ઓછામાં ઓછા ૬ થી ૭ ગ્લાસ પીવાનું પાણી પણ પીવું જોઈએ. દરેક ધાવણ આપતી માતાએ ડોકટરે સુચવેલી કેલ્શિયમ અને આર્યન (લોહતત્વ)ની ગોળીઓ ખાસ લેવી.
    • માતાએ બને તેટલું બાળકને સાથે રાખવું. બાળકને વારંવાર ચુસાડવું. વધુ ચૂસવાથી માતાનાં સ્તનમાં ધાવણ લાવતી દુધવાહિનીઓ ખુલશે, ધાવણનું પ્રમાણ વધારનારા અંતઃસ્ત્રાવો વધશે. માતાનાં સતત સ્પર્શ અને સહવાસથી ધાવણ વધે છે. અધૂરા માસે જન્મેલા બાળકો માટે કાંગારૂની જેમ બાળકને છાતી સરસું રાખવાની પધ્ધતિ ( કાંગારૂ મધર કેર KMC ) ઘણી આશિર્વાદરૂપ નીવડેલી છે.
    • માતાએ પોતાના રૂમનું વાતાવરણ હવા ઉજાસવાળું રાખવું. માતાએ પોતાના રૂમમાં વસ્તુઓ અને ચિત્રો પોતાના મનને હળવાશ આપે તેવા રાખવા. સગાઓએ માતાનો રૂમ બેઠકરૂમ ના બાનાવવો.બાળક જન્મે ત્યારે તેને રમાડવા, જોવાનો શ્રેષ્ઠ સમય બાળક એક મહિનાનું થાય પછી જ કહેવાય. ત્યાં સુધી માતાને અને બાળકને જ એકલા રહેવા વધુને વધુ સમય આપવો તે કુટુંબીજનો અને સગાઓની ફરજ છે.
    • માતાએ પોતે મનથી જ નક્કી કરવું કે મારે પહેલા છ મહિના ફક્ત ધાવણ જ આપવું છે. તેનામાં પુરતો આત્મવિશ્વાસ હશે તોજ તે તેનાં શ્રેષ્ઠ પ્રયત્નો કરી શકશે. તેને નાની પણ મુંઝવણ થાય તો તેણે તુરંત ડોક્ટરને પૂછી લેવું.
    • માતાએ ગાયનેક ડોક્ટરની સલાહ લઇ ધાવણ વધારતી આર્યુવેદીક દવાઓ કે એલોપેથીક દવાઓ લઇ શકાય. શતાવરીનો પાવડર, કોપરું કે મધ પણ ધાવણ વધારવામાં મદદ કરે છે.
    • માતાએ તણાવમુક્ત રહેવું. બાળક સુઈ ગયું હોય ત્યારે મનગમતું વાંચન, મનને હળવું રાખે તેવું સંગીત, સખી અથવા ગમતી વ્યક્તિ સાથે વાતચીત પણ તણાવનું પ્રમાણ ઘટાડે છે. માતાને શક્ય તેટલી પુરતી ઊંઘ પણ જરૂરી છે.
    • બાળક જન્મે એટલે તેને ગળથૂથી, મધ, ઘસારા કે ગોળનું પાણી આપવા નહીં. “શરૂઆતમાં ઓછું ધાવણ આવે એટલે પહેલા બે દિવસ દૂધ કે ડબ્બા આપવા”, એવી માન્યતા સંપૂર્ણ ખોટી છે. બાળક ભૂખ્યું રહેશે તો જ તે સારું ચુસસે અને જેમ તે વધુ ચુસસે તેમ ધાવણ ઝડપથી અને વધુ આવશે.
    • ધાવણ આપતી માતાએ ધુમ્રપાન, આલ્કોહોલ, વધુ પડતી કોફી, મસાલા, ફેમિલી પ્લાનીંગની ગોળીઓ અને બહારનાં જંક ફૂડથી દુર રહેવું જોઈએ.
    • જે માતાને ૨ વર્ષથી નાનું બાળક હોય તેવી માતાનો સંપર્ક પણ ધાવણ આપતી માતાની ઘણી મુંઝવણ દુર કરી શકે છે. ભ્રામરી તથા ડીપ બ્રીધીંગ જેવા પ્રાણાયામ માતાને તણાવમુક્ત રાખે છે. પ્રસુતિના ત્રણ માસ બાદ મત્સ્યાસન કે સર્વાંગાસન પણ અંતઃસ્ત્રાવોનું પ્રમાણ એકસરખું રાખવામાં મદદરૂપ થાય છે. ગાયનેકોલોજિસ્ટની સલાહ પ્રમાણેની અમુક હળવી કસરતો પણ ઘણી મદદરૂપ થાય.
    • મોબાઈલ ફોન ધાવણ આપતી માતામાં વિલનનું કાર્ય કરે છે. મોબાઈલ ફોનથી માતા, બાળક કે ધાવણ પર શું આડઅસર થાય તેવા કોઈ ચોક્કસ તારણો વૈજ્ઞાનિક પુરાવા સાથે હજુ સુધી નક્કી થયા નથી, પણ ધાવણ આપતી માતા છ મહિના મોબાઈલ ફોન નહીં વાપરે તો તે ચિંતામુક્ત રહી શકશે. માતા ધાવણ આપતી વખતે ચિંતામુક્ત રહી શકે અને તેને કોઈની પણ પ્રકારની ખલેલ ના પહોચે એટલે તેને ધાવણ સારું આવશે જ. મોબાઈલ ફોનનાં રેડિઓમેગ્નેટિક તરંગો બાળકનાં વિકસિત મગજને પણ હાની પહોચાડી શકે છે. મોબાઈલ ફોન દુર રાખવાથી બાળક પણ ઓછું રડશે અને માતાને પણ એક અદભુત શાંતિનો અનુભવ થશે.
( દિવ્યભાસ્કર ૧૯/૧૦/૨૦૧૦ )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો