મુલાકાતી નંબર: 430,123

Ebook
કાંગારૂ પધ્ધતિથી નવજાતશિશુની સાર-સંભાળ (KMC)
ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કાંગારૂ જેમ પોતાના નવજાત બચ્ચાને પેટ પરની કોથળીમાં રાખીને ઉછેરે છે તેવી જ રીતે ઓછા વજનવાળા નવજાતશિશુની સંભાળ માટેની આ વિશેષ પધ્ધાતે છે. સગર્ભાવસ્થામાં બાળક માતાનાં પેટમાં KMC અવસ્થામાં કુદરતી રીતે રહેલું જ હોય છે, આ જ સ્થિતિ માટે બાળકને જન્મ બાદ પણ થોડા સમય માટે આપવાની હોય છે. બે કિ.ગ્રા જેવા ઓછા વજનવાળા બાળકો માટે વરદાનરૂપ સાબિત થયેલ આ પધ્ધતિમાં નવજાતશિશુને માતાની છાતી સાથે શિશુના શરીરનો સીધો સંપર્ક થાય તેમ વળગાડીને રાખવામાં આવે છે.

ફાયદા

  • બાળકની ગર્ભાશયમાં જે સ્થિતિ હોય, મહદઅંશે માતાનાં શરીરની બહાર આવીને પણ નવજાતશિશુને તેવી જ સ્થિતિ મળી શકે તેવો આ પ્રયત્ન છે.
  • ઓછા વજનવાળા બાળકનાં શરીરનું તાપમાન આ પધ્ધતિથી વ્યવસ્થિત જળવાઈ રહે છે.
  • માતાને ધાવણ ઝડપથી આવે છે, સારું આવે છે અને બાળક પણ ઝડપથી ધાવણ લેતા શીખી જાય છે. પરિણામે બાળકનું વજન સારું વધે છે.
  • આ પધ્ધાતેમાં બાળકને ચેપ લાગવાની શક્યતા હોતી નથી.
  • ઓછા વજનવાળા બાળકને હોસ્પિટલમાં ઓછા દિવસ દાખલ રહેવું પડે છે આથી દવાખાનાનો કુલ ખર્ચ ઘટી જાય છે.
  • નવજાતશિશુને પણ માતાનો હુંફાળો સ્પર્શ, પ્રેમ મળવાથી તેનો માનસિક વિકાસ અને લાંબા ગાળે તેની બુદ્ધિપ્રતિભામાં વધારો થાય છે.
  • પ્રસુતિ બાદ ક્યારેક માતામાં જોવા મળતી હતાશાનું પ્રમાણ નહીવત થઇ જાય છે. તેને ખુબ સારો આત્મસંતોષ થાય છે.
  • પિતા ઉપરાંત દાદી, નાની, મામા કે કાકી એમ ઘરની કોઈ પણ વ્યક્તિ નવજાતશિશુને KMC આપી શકે છે.
  • આ પધ્ધતેમાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય કપાય તો પણ કોઈ ચિંતા હોતી નથી કારણકે કોઈ જ ઇલેક્ટ્રિક સાધનોની આ પધ્ધતિમાં જરૂર હોતી નથી.
  • આમ KMC ૧૮૦૦ ગ્રામથી ૨૫૦૦ ગ્રામ જેટલું જન્મે વજન હોય તે બાળકો માટે વરદાનરૂપ છે.
  • જોડીયા બાળકોને પણ માતા એક જ સમયે KMC આપી શકે છે.

નવજાતશિશુને એક નવી ઉર્જા

  • નવજાતશિશુમાં સ્પર્શની સવેદના સૌથી વધુ હોય છે. માતાની છાતી, સ્તનનો સીધો સ્પર્શ નવજાતશિશુમાં એક નવચેતના, ઉર્જાનું સીંચન કરે છે.
  • જ્યાં અદ્યતન ICU નથી, સાધનો નથી ત્યાં પણ KMC થી નવજાત બાળકોની બચવાની શક્યતા વધી જાય છે.
  • જેમ મરઘી પોતાના બચ્ચાને ગરમાવો આપીને ઉછેરે છે એમ માતા પણ તેના નવજાતશિશુને તેના જ શરીરની હુંફ આપી શકે છે.

KMC આપવાની પધ્ધતિ

  • શાંત ઓરડો પસંદ કરવો. બાળકને માથે ટોપી તેમજ બાળોતિયું પહેરાવો. બાળકનાં પેટ અને છાતી ખુલ્લા રાખો. માતાએ આગળથી ખોલી શકાય તેવું ગાઉન કે શર્ટ પહેરવું.
  • બાળકને દેડકા જેવી સ્થિતિમાં ( બન્ને પગ પહોળા ) લાવી તેનો અને માતાનાં પેટનો સીધો સંપર્ક થાય તે સ્થિતિમાં લાવો. શિશુનાં શરીરનો જેટલો વધુ ભાગ માતાનાં શરીરને સ્પર્શે એટલું વધુ સારું.
  • બાળકનું માથું બે સ્તન વચ્ચે રાખો. નાક દબાય નહીં તે રીતે એક તરફ ફેરવો. બાળકનો શ્વાસ લેવાનો રસ્તો ખુલ્લો રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
  • બાળક લપસી ના પડે, ડોક ઝુકી ના જાય તેનું ધ્યાન રાખવું. માતાની અડધી સુતેલી અને અડધી બેઠેલી અવસ્થા બાળક માટે સૌથી અનુકુળ સ્થિતિ છે. આ સ્થિતિમાં માતાનું પેટ ૩૦ થી ૪૦ ડિગ્રીના ખૂણે ઢળેલું હોય છે જેમાં બાળકનો શ્વાસ લેવાનો રસ્તો ખુલ્લો રહે છે.
  • બાળકનો કાંગારૂ સ્થિતિમાં માતાનાં શરીર સાથેનો સંપર્ક થોડો મજબૂતાઈથી હોય તો પણ બાળક માટે તે અનુકુળ હોય છે કારણકે ગર્ભાશયમાં તે ખુબ સાંકડી જગ્યામાં અનુકુળતાથી રહેવા ટેવાયેલું હોય છે.
  • જેટલો વધુ સમય બાળક KMCમાં રહેશે તેટલો તેને જ વધુ ફાયદો છે. તેને અને માતાને અનુકુળ આવે તો સળંગ ત્રણ થી ચાર કલાક પણ બાળકને KMC આપી શકાય. બાળક જો આ જ સ્થિતિમાં ધાવણ લઇ લે તો સ્થિતિ બદલવાની પણ જરૂર નથી.
  • દર ત્રણ કલાકે ૨૦ મિનિટ સુધી KMC આપવું એ પણ KMCની બહુ સફળ થયેલી પધ્ધતિ છે. માતા બાળકને છાતી પર રાખી ઊંઘી શકે છે. માતા દિવસની જેમ જ રાત્રે પણ KMC આપી શકે છે.
  • માતા KMC આપતાં આપતા આરામ ખુરશીમાં પણ બેસી શકે છે. સવારે માતા અને સાંજે પિતા એમ અલગ અલગ અનુકુળ સમયે અલગ અલગ વ્યક્તિ પણ આ પધ્ધતિમાં પોતાના બાળકને KMC આપી શકે છે.

કયા બાળકો માટે KMC વધુ ફાયદાકારક?

  • જન્મ વખતે ૧૮૦૦ ગ્રામ થી ૨૦૦૦ ગ્રામ વજનવાળા બાળકો માટે આ સર્વશ્રેષ્ઠ પધ્ધતિ છે.
  • ૧૮૦૦ ગ્રામ થી ઓછા વજનવાળા બાળકો જેમને સઘન સારવારની જરૂર નથી અથવા જે બાળકોને સઘન સારવાર પૂરી થયા બાદ માતાને સોપવામાં આવ્યા હોય તેવા બાળકો માટે આ પધ્ધતિ વરદાનરૂપ છે.
  • નવજાતશિશુ સાથે મુસાફરી કરતી વખતે અથવા તેમને કોઈ તકલીફને કારણે દવાખાને ખસેડતા વખતે આ પધ્ધતિ વરદાનરૂપ સાબિત થઇ શકે છે. શરૂમાં માતાને ના ફાવે પણ સમય જતા માતા અને બાળક બન્ને અનુકુળ થઇ જતા હોય છે.

KMC ક્યાં સુધી?

  • ઓછા વજનવાળું બાળક ૩.૫ કિગ્રાથી ૪ કિગ્રાનું થાય ત્યાં સુધી તેને KMC આપી શકાય. તે પછી તેનું હલનચલન વધી ગયું હોય આથી KMC આપવામાં માતાની તકલીફો વધી જતી હોય છે.

માતાને પડતી તકલીફો

  • ઘરમાંથી અને સામાજિક રીતે અસહકારની સંભાવના રહે છે.
  • બાળકને કાંઈ થઇ જશે તેમ લોકો ડરાવતા હોય છે.
  • બાળક ઝાડો-પેશાબ કરે ત્યારે તકલીફ પડે છે.
  • ઉનાળામાં ગરમીને કારણે માતાને પરેશાની વધે છે.
  • માતાને પણ ઊંઘતા, નહાવા જતા, ખાવાનું લેતા, પેશાબ-ઝાડો કરવા જતા બાળકની સ્થિતિ બદલવી પડે છે.

આપણને પ્રાણીઓ પાસેથી શીખવા મળ્યું

  • KMC પધ્ધતિથી નવજાતશિશુ ઈશ્વરે સર્જેલા કુદરતી વોર્મર (ગોદ)માં રહીને માતાની દરેક ઈન્દ્રિયનો સંસર્ગ પામી શકે છે. બાળકના જન્મ બાદ માતા અને શિશુને એકબીજાનો સહવાસ અને હુંફ મળે છે. KMCથી માતાનો આત્મવિશ્વાસ વધે છે. ખરેખર આધુનિક વિજ્ઞાનના સમયમાં પણ મનુષ્યે કુદરત પાસેથી, પ્રાણીઓ પાસેથી હજુ ઘણું શીખવાનું અને અનુસરવાનું છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો