મુલાકાતી નંબર: 430,118

Ebook
6 અગલા પ્રશ્ન સ્મિત કે લિયે……..
સ્મિત યોગેશભાઈ મદલાની. નામ પ્રમાણે સદાય હસતો ચહેરો, ભણવા સિવાય સામાન્ય જ્ઞાન અને રમતગમતમાં અદભુત સફળતા મેળવી સાથે સાથે ભણવામાં પણ કેવી રીતે આગળ આવી શકાય તેનું આદર્શ ઉદાહરણ સ્મિત છે. ૧૯૯૮માં તેનો જન્મ થયો ત્યારથી જ તેના માતાપિતાના પરિચયમાં હું હતો. અત્યારે બધા માતાપિતા તેમના સંતાનો પાછળ પૈસા તો ખર્ચે જ છે. ઘણા બધા પોતાની શક્તિ પણ ખર્ચે છે. પણ સમય બહુ ઓછા માતાપિતા આપે છે. સ્મિતના સર્વાંગી વિકાસ માટે પહેલેથી જ તેની માતા રીનાબહેન અને પિતા યોગેશભાઈએ વિશેષ સમય આપ્યો. માતાપિતાએ બાળક માટે ફાળવેલા સમયમાં જ્યારે સમય સાથે સાંનિધ્ય ભળે ત્યારે બાળકના સોનેરી ભવિષ્યમાં સુગંધ પણ ભળતી હોય છે. સ્મિતને તેના માતાપિતાએ ઉચ્ચ ધ્યેય રાખવાની ટેવ પાડી. ઉચ્ચ ધ્યેય રાખવા સાથે ત્યાં સુધીનો રસ્તો કેવી રીતે પસાર કરી શકાય, માર્ગમાં ઘણી અડચણો આવે તેમાં ટકી કેવી રીતે રહી શકાય તે સ્મિતને તેના માતા પિતાએ શીખવ્યું. તે સમજણો હતો ત્યારથી તેના પૂછાયેલા પ્રત્યેક પ્રશ્નનો સુંદર રીતે જવાબ મળતો. સ્મિતની સફળતાની શરૂઆત ૨૦૦૧માં થઇ. અમદાવાદના ૫૦૦ જેટલા ત્રણ થી ચાર વર્ષના બાળકોમાંથી બેલ સિરામિકે તેમના મોડેલ માટે સ્મિતની પસંદગી કરી. સ્મિત મોટો થતો ગયો તેમ તેના ઘરમાં દરેક રૂમમાં રહેતા વિવિધ વિષયનાં પુસ્તકોએ તેને વાંચનની અને સતત નવું જાણવાની ટેવ પાડી. બાળક તો હંમેશા માતાપિતાનું અનુકરણ જ કરે. ઘણી વસ્તુઓ કોઈ કોચિંગ ક્લાસ કે અલગ શિક્ષક રાખીને ક્યારેય શીખવી ના શકાય. તેના માતાપિતાની વાંચનની ટેવને સ્મિત પણ અનુસર્યો. સ્કુલમાં થતી સામાન્યજ્ઞાનની ચર્ચા અને ક્વીઝ હરીફાઇઓમાં તે હંમેશા આગળ પડતો રહેતો. આઠમાં ધોરણમાં તે આવ્યો ત્યારે તેનું દેશ અને દુનિયા વિશેનું સામાન્ય જ્ઞાન કોઈ કોલેજ સ્ટુડન્ટ જેટલું હતું. તેની આ જ ધગશ અને મહેનતના ફળસ્વરુપે ૮ નવેમ્બર ૨૦૧૩ના દિવસે તે અમિતાભ બચ્ચનના ‘કોન બનેગા કરોડપતિ’ કાર્યક્રમ માટે તેની શાળા બોપલ DPSમાંથી તે પસંદ થયો. આખા દેશમાંથી વિવિધ શાળાઓમાંથી આવેલ જીનીયસ વિદ્યાર્થીમાં આ કાર્યક્રમ માટે પસંદ થવું એ જ કોઈ પણ વિધાર્થી માટે ઓલમ્પિક હરિફાઈમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બરાબર કહી શકાય. જેણે આ કાર્યક્રમ જોયો હશે તેને ખ્યાલ હશે કે અહીં પહોચ્યાં પછી પણ બચ્ચન સાહેબ સામે પહોચવું એટલે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ હોય છે. કહે છે ને કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી, ફાસ્ટેસ્ટ ફિંગરમાં પણ દસ પ્રતિસ્પર્ધી વચ્ચે પ્રથમ આવી તે હોટ સીટ સુધી પહોંચી શક્યો. અમિતાભજી સાથેનો સવાલ જવાબ સાથેનો સંવાદ પણ તેણે જરાય ગભરાયા વિના અને હળવાશથી આપ્યો. રમતના ૧૬ રાઉન્ડમાંથી સ્મિત ૧૧ માં રાઉન્ડ સુધી પહોચ્યો અને તેણે દરેક પ્રશ્નના જે રીતે જવાબ આપ્યા તે કોઈ પણ વ્યક્તિ માટે પ્રેરણાજનક હતું. સતત નવું જાણવાની તલપને કારણે જ સ્મિતે ૨૦૧૨માં બોર્નવીટા કોન્ટેસ્ટ, ૨૦૧૩માં KBC, ૨૦૧૪માં ટાટા ક્વિઝ, ૨૦૧૫માં RBI ક્વિઝ હરીફાઇઓમાં અભિમન્યુની જેમ સાત કોઠા પસાર કરી અંતિમ પડાવમાં જીત મેળવી. ગુલાબના ફૂલની પ્રતિભા પણ દરેક દિશામાં પ્રસરે છે તેમ સ્મિત સામાન્યજ્ઞાન સિવાય રમતગમતમાં પણ એટલો જ આગળ રહ્યો. ક્રિકેટ, ફૂટબોલ, દોડ, લાંબો કુદકો વગેરેમાં તેણે શાળામાં અને પછી સ્ટેટ લેવલે તેની ઉમર ૧૮ વર્ષ કરતાં પણ વધુ ગોલ્ડમેડલ અને સિલ્વરમેડલ મેળવ્યા છે. આપણા વ્યવસાયમાંથી અને વ્યસ્ત જીવન માંથી બાળકો પાછળ સમય કેવી રીતે કાઢવો અને તેમના પાછળ કાઢેલો સમય ક્યારેય વ્યર્થ નથી જતો તે સ્મિતના માતાપિતા પાસેથી શીખી શકાયું. બાળકે મેળવેલી કોઈ પણ સિધ્ધિમાં માતાપિતાની એક બે દિવસની મહેનત નહીં પણ વર્ષોની તપશ્ચર્યા અને ભોગ જ બાળકને સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરાવે છે. વિધાર્થીકાળમાં સદાય હસતા રહી દુનિયામાં ચાલતા પ્રવાહો વિશે સતત માહિતગાર રહેવું, રમતગમતમાં પણ ભાગ લઇ શારીરિક રીતે સક્ષમ રહેવું અને તેમાંથી મળેલા આત્મવિશ્વાસથી ખુબ સુંદર શિક્ષણ મેળવી આગળ વધવું તે સ્મિત પાસેથી શીખી શકાયું. ૧૦ નવેમ્બર ૨૦૧૩ ના દિવસે FM રેડિયો પરની એક મુલાકાતમાં પણ સ્મિતે તેની ઉંમરનાં વિદ્યાર્થી મિત્રોને આપણા ઘરે આવતા રોજના ન્યુઝપેપર વાંચવાનો અને તેની મહત્વતા સમજાવતો સંદેશો આપ્યો હતો. સ્મિત હાલ (માર્ચ ૨૦૧૬માં) ૧૨મા ધોરણની પરીક્ષા આપશે અને તે કાયદાકીય શાખામાં ઉચ્ચઅભ્યાસ કરી આગળ આવવા ઈચ્છે છે. છેલ્લે શરદી ઉધરસ માટે તે મળવા આવ્યો ત્યારે તેણે પૂછ્યું, ‘મારે તમારી પાસે ક્યાં સુધી દવા લેવા તમારી પાસે આવી શકાય?’ મેં કહ્યુ, ‘તું કોઈ તકલીફ સાથે નહીં, પણ એમનેમ મળવા પણ હંમેશા આવ. તારી સાથેની દરેક મુલાકાત મને કઈક ને કઈક નવું શીખવી જાય છે.’ All the best ....and keep it up ....સ્મિત.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો