મુલાકાતી નંબર: 430,120

Ebook
“BREAST FEEDING” ને A, B, C, D…. દવારા સમજીએ
ઓગસ્ટનું પહેલું અઠવાડિયું દુનિયાભરમાં ‘બ્રેસ્ટ મિલ્ક વીક’ તરીકે ઉજવાય છે. માતાનાં ધાવણ વિશે લોકોમાં જાગૃતિ વધે, ગેરસમજો દુર થાય તે માટે પોસ્ટરો, પરિસવાંદો દવારા પ્રયત્ન થાય છે. આપણે પણ ધાવણ સાથે સંકળાયેલા શબ્દોને A, B, C, D દવારા સમજીએ. Antenatal preparation: ગર્ભાવસ્થાથી જ માતાને ધાવણનાં ફાયદા, ધાવણ આપવાની સાચી પધ્ધતિ વિશે જાણ કરી માતાને માનસિક રીતે તૈયાર કરવી જોઈએ. માતાનાં સ્તનની અને નીપલની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ. Bonding: માતા અને બાળક વચ્ચે હુંફ, પ્રેમ અને લાગણીનો અદભુત સેતુ ધાવણ મારફતે જ રચાય છે. Colostrum: શરૂઆતના બે કે ત્રણ દિવસ અલ્પ માત્રામાં આવતા ઘટ્ટ, પીળા, ચીકાશવાળા, પાણી જેવા પ્રવાહીમાં પ્રોટીન તથા બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારનાર તત્વો વધારે માત્રામાં હોય છે તેને કોલોસ્ટ્રમ કહે છે.. Demand sucking: બાળક જ્યારે પણ માંગે ત્યારે ધાવણ આપવું. શરૂઆતમાં બાળક જેટલું ચુસસે અને વારંવાર ચુસસે તેમ ધાવણ વધશે. Exclusive feeding: પહેલા છ મહિના માત્ર અને માત્ર ધાવણ જ આપવું. પાણી, દૂધ, ગ્રાઇપ વોટર, ઘસારા કશું જ નહીં. બાળકનાં આંતરડા માત્ર ધાવણ જ સારી રીતે પચાવી શકશે. First hour feeding: જન્મનાં પહેલા કલાકમાં જ બને તેટલું ઝડપથી ધાવણ આપવાથી માતાનાં ગર્ભાશયનું સંકોચન ઝડપથી થાય છે તેમજ નાળમાંથી લોહી વહેતું અટકે છે. બાળકને પણ ઝડપથી હુંફ મળે છે. આ એક જ પ્રયત્નથી એક વર્ષમાં દુનિયાભરમાં લગભગ ૧૨ લાખ અને ભારતમાં દર વર્ષે ૨.૫ લાખ નવજાતશિશુને મૃત્યુ પામતા બચાવી શકાય તેમ છે. Growth factor: બાળકનો શારીરિક અને માનસિક સર્વાંગી વિકાસ તથા વૃધ્ધિ માટે જરૂરી ૫૦ જેટલા પોષકતત્વો ધાવણમાં જ પૂરતા પ્રમાણમાં હોય છે. Hypothermia: બાળકનો માતાનાં શરીર સાથેનો સીધો સંપર્ક બાળકને ગરમાવો આપે છે અને બાળકના શરીરને ઠંડુ પડતું અટકાવે છે. IQ: જે બાળકો દોઢથી બે વર્ષ સુધી ધાવણ લે છે તેમની બુદ્ધિપ્રતિભા (IQ), જે બાળકોએ છ થી સાત મહિના સુધી જ ધાવણ લીધેલું છે તેમની બુદ્ધિપ્રતિભા કરતા પાંચ પોઈન્ટ જેટલી વધુ હોય છે તે પુરવાર થયેલું છે. Jaw and Teeth: લાંબો સમય ધાવણ લીધેલા બાળકોના જડબા અને દાંત સારી રીતે વિકસે છે. જેનાથી બાળક ચાલતા અને બોલતા સારી રીતે શીખે છે. દાંતના રોગોનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે. Kangaroo position: કાંગારું પોતાના બચ્ચાને રાખે છે તેમ અધૂરા મહિને જન્મેલા તેમજ ઓછા વજનવાળા બાળકોને માતા તેના શરીરના સીધા સંપર્કમાં રાખે તે સ્થિતિને kaangaroo position કહે છે. આ સ્થિતિ નવજાતશિશુને ગરમાવો આપે છે, ચેપથી બચાવે છે, ધાવણ વધારે છે તેમજ તેના શારીરિક વિકાસમાં મદદરૂપ થાય છે. Low cost and less illness: બાળકને પહેલા છ માસ ફક્ત ધાવણ આપવું એટલે કુટુંબને ઓછો ખર્ચ અને બાળકને ઓછી માંદગી. માતાનું દૂધ કુટુંબનો અને સાથે દેશનો ખર્ચો પણ બચાવે છે. જન્મેલા બાળકને ઉપરનું દૂધ આપવાનો એક મહિનાનો ખર્ચો આશરે ૧૦૦૦ રૂ થી ૧૨૦૦ રૂ જેટલો થાય છે. છેક ૧૯૬૫માં ડો. ગોપાલને સાબિત કર્યું હતું કે દેશની બધી માતા એક વર્ષ સુધી ધાવણને બદલે ઉપરનું દૂધ આપે તો તેનો ખર્ચ દેશના એક વર્ષના હેલ્થ બજેટ જેટલો થાય. More sucking: કોઈ માતાને ઓછું ધાવણ આવે એવું હોતું નથી. બાળક જેમ વધુ ચુસસે તેમ માતાના મગજમાંથી ધાવણ વધારતા અંતઃસ્ત્રાવો વધુ સક્રિય થશે. Night nursing: દિવસનાં જેટલું જ બાળક રાત્રે ચુસસે તો ધાવણનો જથ્થો અને દુધવાહીનીઓમાં ધાવણનો પ્રવાહ વધારનાર પ્રોલેક્ટીન અંતઃસ્ત્રાવ વધશે. આથી દિવસનાં જેટલું જ રાત્રે પણ બાળક ચૂસે તે અગત્યનું છે. Oxytocin and Ovarian cancer: જન્મ બાદ બને તેટલું ઝડપથી ધાવણ આપવાથી ગર્ભાશયનાં સંકોચન અને નાળની માતાનાં શરીરમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા ઝડપી બને છે. જેનાથી પ્રસુતિ બાદ વધારાનું લોહી વહેતું અટકે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી ધાવણ આપતી માતામાં અંડાશય, સ્તન અને સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયની અંદરની દિવાલનું કેન્સર, ફાયબ્રોઈડ તેમજ હાડકા પોચા થવા (osteoporosis) જેવા રોગોનું પ્રમાણ નહિવત જોવા મળે છે. Pregnancy delay: ધાવણ આપતી માતામાં પ્રોલેકટીન અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે છે. પ્રોલેકટીન અંતઃસ્ત્રાવ અંડાશયનું કાર્ય મંદ કરે છે. પહેલા છ માસ ફક્ત ધાવણ આપતી માતા ૯૮% કિસ્સામાં બીજી પ્રેગ્નન્સીથી મુક્ત રહી શકે છે. લાંબુ ધાવણ આપતી માતા પણ બે પ્રેગ્નન્સી વચ્ચેનું અંતર વધારી શકે છે. આમ ધાવણ આપવું તે પણ કુટુંબનિયોજનનો એક પ્રકાર છે. Quality and quantity: બાળકને ધાવણ જોઈએ ત્યારે તરત જ, ઝડપથી, ખુબ સારી માત્રામાં, શુધ્ધ, ચેપ રહીત અને ખુબ જ પોષકતત્વો સાથે મળે છે. કુદરતે કેવી અદભુત ગોઠવણ કરી છે કે જોડિયા બાળકોમાં પણ બંને બાળકોને પૂરું થાય તેટલોધાવણનો જથ્થો માતાને આવે જ. Relaxation: ધાવણ આપતી માતાઓએ હળવાશથી, ચિંતામુક્ત રહી પ્રસન્ન ચિત્તે ધાવણ આપવું. મહર્ષિ વાગ્દત્તે પણ તેમના ગ્રંથમાં કહ્યું છે કે શોક, ભય, કલેશ, ચિંતા તેમજ વિચારો ધાવણ ઓછું કરે છે. માતા ચિંતામુક્ત અને હળવાશ અનુભવે ( રીલેક્ષ રહે ) તેમાં તેના પતિ તેમજ કુટુંબીજનોનો ફાળો અને સહકાર ખુબ જરૂરી છે. Satisfaction: ધાવણ આપતી માતામાં એક અનોખો સંતોષ, માતૃત્વની સંપૂર્ણતાની લાગણી સાથે આત્મવિશ્વાસની અનેરી અનુભૂતિ જોવા મળે છે. Two years: ધાવણ બે વર્ષ અથવા તેનાથી પણ વધુ સમય માટે આપી શકાય અને આપવું જ જોઈએ. Urine: ૨૪ કલાકમાં છ થી સાત વખત પુરતી માત્રામાં થતો પેશાબ બતાવે છે કે બાળકને ધાવણ પૂરતા પ્રમાણમાં મળે છે. Vitamins: બાળકના પહેલા છ મહિનાના વિકાસમાં જરૂરી બધાજ વિટામીન (વિટામીન D સિવાય) ધાવણમાં પૂરતા પ્રમાણમાં રહેલા જ હોય છે. કોલોસ્ટ્રમને કુદરતી રસીકરણ (vaccination) કહે છે. Wide open mouth: બાળક બને તેટલું વધુ મોં ખોલી સ્તનનો વધુમાં વધુ ભાગ મોમાં લેશે તેમ ધાવણ લાવતી લેક્ટીફેરસ ડકટ ( દૂધવાહિની) તેનાં મોમાં આવશે અને બાળકને ધાવણ પૂરતા પ્રમાણમાં મળશે. આ ઉપરાંત પુરતું ધાવણ લેનાર બાળકનું જરૂર પ્રમાણે જ વજન વધે છે. તે નાનપણમાં અને મોટી ઉમરે જાડુ થતું અટકશે. Xeropthalmia: પુરતું ધાવણ લીધેલા બાળકમાં વિટામીન-A ની ખામી તથા રતઆંધળાપણાની તકલીફ થવાની શક્યતા ઓછી રહે છે. Young age disease: પુરતું ધાવણ લીધેલા બાળકોમાં યુવાવસ્થામાં દમ, ડાયાબિટીસ (મધુપ્રમેહ), લોહીનું ઊંચું દબાણ(બ્લડ પ્રેસર) તથા હૃદયરોગનું પ્રમાણ ખૂબ ઓછુ જોવા મળે છે. Zero water: એકલું ધાવણ લેતા બાળકોમાં પહેલા છ માસ પાણીની જરૂર હોતી નથી. માત્ર ધાવણ જ આપવું. તેમાં ૮૦% થી ૮૫% તો પાણી જ હોય છે.
  • રાચીન ભારતનાં બાળરોગ નિષ્ણાત ગણાતા મહર્ષિ કશ્યપે કહ્યું છે “ક્ષીરં સાત્મયં હિ બાલાનાં, ક્ષીર જીવન મુચ્યતે. ક્ષીરં પુષ્ટિકરં વૃધ્ધિ કરં, બલમં વિવિધનમ.”
  • અર્થાત માતાનું દૂધ એ બાળકનું જીવન છે. સંપૂર્ણ આહાર છે. બાળકનાં શરીર માટે તૃપ્તિકારક, પુષ્ટિકારક, બળવર્ધક અને વૃધ્ધિવર્ધક છે.
  • આથી જ દરેક માતાએ બાળકના જન્મ બાદ બને તેટલું ઝડપથી ધાવણ, વારંવાર ધાવણ, એકલું જ ધાવણ તેમજ લાંબા સમય સુધી ધાવણ આપી માતૃત્વની પૂર્ણતાનો આનંદ લેવો જોઈએ. જેનાથી બાળકના શારીરિક અને માનસિક બુદ્ધિપ્રતિભાનો વિકાસ વેગવંતો બને.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો