
માતાપિતાની ઘણી વખત ફરિયાદ હોય છે કે તેમનું બાળક તેમનું માનતું નથી. આમ પણ દસ વર્ષથી નાના બાળકો સલાહ ઓછી માને છે અને અનુકરણ વધુ કરે છે. દસ વર્ષથી નાના બાળકોને અનુકરણ કરાવીને જ કામ પુરૂ કરાવવાની પદ્ધતિ અપનાવવી પડે. કુટુંબના બધા જ સભ્યો જે કરતા હશે તે પ્રમાણે બાળક ચોક્કસ વર્તન કરશે. થોડાક અગત્યના કામોમાં ઉદાહરણ જોઈએ. બાળકને કેટલું બધું કીધું પણ તે બે વખત બ્રશ નથી કરતો. જો મમ્મી અને પપ્પા બે વખત બ્રશ કરતા હશે તો તેમનું જોઇને બાળક પણ બે વખત બ્રશ કરશે જ. માતાપિતા એક જ વખત બ્રશ કરે અને બાળક બે વખત બ્રશ કરે તેવી અપેક્ષા ખોટી છે. કદાચ બહુ કહીને તે બે વખત બ્રશ કરવાનું ચાલુ કરશે પણ બહુ લાંબો સમય નિયમિતતા રહેશે નહીં. મારું બાળક આખો દિવસ ટી.વી અને મોબાઈલમાં જ રચ્યું પચ્યું રહે છે આવી ફરિયાદ ઘણી માતા કરે છે. જો કુટુંબના સભ્યો કોઈ પણ સમયે ટીવી કે મોબાઈલ જોતા હોય તો બાળક એમ જ સમજે છે કે આ સાધન કોઈ પણ સમયે જોઈ શકાય છે. આને માટે કુટુંબના સભ્યોએ એક શિસ્ત પાળવી પડે. જેમકે આખા દિવસમાં ટીવી ફક્ત સાંજે સાત થી દસ જ ચાલુ કરવું જ્યારે ઘરના બધા જ સભ્યો ઘરમાં હોય. આ સિવાયના સમયમાં કોઈ પણ અગત્યનો પ્રોગ્રામ આવતો હોય તો પણ ઘરના વડીલો કે માતાપિતાએ ટીવી ખોલવાનું ટાળવું તો બાળક પણ ધીરે ધીરે એમ જ સમજશે કે આ સાધન ફક્ત સાત થી દસની વચ્ચે સાંજે જ ખોલાય. થોડા સમયમાં અન્ય કોઈ જગ્યાએ અન્ય સમયે ટીવી ચાલતું હશે તો પણ તે જોશે નહીં. માતાપિતા ફ્રી થાય એટલે મોબાઈલ ખોલીને જોઈ લેવાની ટેવ બાળકમાં પણ ઉતરે જ છે. જો તેઓ પણ ઘરમાં આવીને રાતના નવ થી સાડા નવ વચ્ચે જ બધાએ મોબાઈલ જોવો તેવો નિયમ બનાવે તો બાળક પણ તે જ પ્રમાણે અનુસરસે. કોઈનો ફોન આવે તો લઈ શકાય પણ બાળકની હાજરીમાં માતાપિતા સોશીયલ મીડિયામાં વ્યસ્ત રહે તો બાળક પણ મોબાઈલમાં જ વ્યસ્ત રહેશે. મેં કેટલું બધું કીધું પણ તે પાણી, પ્રવાહી નથી પીતો, તે સ્વેટર નથી પહેરતો કે તે છાપું નથી વાંચતો. આ બધી ફરિયાદો સામાન્ય છે અને તેનું નિવારણ પણ ઉપર પ્રમાણે જ છે. ઘણી વાર કોઈ કામ તેના એકલા માટે છે તેવું તેને લાગે તો તે કરતો નથી. સૂપ કે જ્યુસ બનાવ્યો હોય તો તેના એકલા માટે નહી પણ ઘરના સભ્યો હોય તેટલા ગ્લાસ ભરવા. આ ગ્લાસ ટેબલ પર મૂકી એક બુમ પાડવી કે બધા માટે જ્યુસ કે સૂપ તૈયાર છે બધા પી લો. મમ્મી-પપ્પા, દાદા-દાદી ને પિતા જોઈ બાળક પણ પી લેશે. કદાચ એક દિવસ ના પીવે તો પણ તેને મહત્વ આપી ના બોલાવવો. બીજા દિવસે તે યાદ કરી ચોક્કસ પી લેશે. બધાને તે છાપું વાંચતા જોશે તો તે પણ વાંચતા શીખશે જ. આમ દસ વર્ષથી નીચેના બાળક પાસે કામ કરાવવું હોય તો તેણે એકલા એ નથી કરવાનું પણ બધા કરે છે તે માત્ર તેણે અનુસરવાનું જ છે તે ભાવનાથી તે કોઈ પણ કામ ચોક્કસ કરશે અને માતાપિતા પણ સ્ટ્રેસ મુક્ત રહી શકશે.
પ્રતિશાદ આપો