મુલાકાતી નંબર: 430,124

Ebook
જીવનની સૌથી શ્રેષ્ઠ વસ્તુ ખરાબ સમયમાં પણ શ્રેષ્ઠ અભિગમ હોવો તે છે
૨૬ મે ૨૦૦૨, રવિવાર – બપોરે ૧.૧૫ વાગ્યા હતા. રાજસ્થાનના બિકાનેરનો એ બળબળતો બપોર હતો. બિકાનેરના પાણીખાતામાં કામ કરતા દક્ષિણ ભારતીય બી.ક્રિષ્નન તેમના કોઈ મિત્ર આવવાના હોઈ ઘરના ડ્રોઈંગરૂમમાં મિત્રની રાહ જોઈ રહ્યા હતા. તેમના પત્ની હેમા કુલરમાં પાણી ભરી રહ્યા હતા. એક દીકરી રસોડામાં ચા બનાવી રહી હતી. બીજી દીકરી માલવિકા તેના રૂમમાં તેનું કશું કામ કરી રહી હતી. અચાનક માલવિકાના રૂમમાં મોટો ધડાકો થયો. મોટા અવાજના ધડાકાને લીધે વાસણો અને ફર્નિચરના ખણકવાનો અવાજ આવ્યો. ક્રિષ્નનભાઈને એમ લાગ્યું કે માલવિકાના રૂમમાં ટીવી સેટમાં ધડાકો થયો હશે. બધા લોકો માલવિકાના રૂમમાં ધસી ગયા. તેમણે જોયું કે માલવિકા લોહીના ખાબોચિયા વચ્ચે ફસડાયેલી છે. તેના હાથના કાંડા કપાઈ ગયા હતા. કપાયેલા હાથ, ઈજા પામેલ પગ અને શરીરના અન્ય ભાગોમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. ક્રિષ્નનભાઈએ તેમના નજીકના મિત્રોનો સંપર્ક કરી બોલાવી દીધા તેઓએ માલવિકાને જીપમાં પાછળની સીટ પર સુવાડી નજીકની હોસ્પિટલમાં જવા દોટ મૂકી. ૧૩ વર્ષની માલવિકાનું નવમાં ધોરણનું વેકેશન હતું. તેના જીન્સના પેન્ટનું ખીસું ફાટી ગયું હતું. ટીનએઈજમાં પ્રવેશેલી માલવિકાના મગજમાં તરંગી વિચાર આવ્યો કે જો ફાટેલા ખીસાના ભાગો પર ફેવિકોલ લગાવી તેને જોડી જો તેના પર કોઈ ભારે વસ્તુ મુકવામાં આવે તો કદાચ ખીસુ સંધાઈ જાય. તેની આ કલ્પના પૂરી કરવા તેણે ખીસાના ફાટેલા ભાગ પર ફેવિકોલ તો લગાવી દીધું. હવે તે કોઈ ભારે વસ્તુ શોધવા તે ઘરની બહાર નીકળી. તેના ગેરેજમાં જ એક નાના બોક્સ જેવી ભારે વસ્તુ તેને મળી. આ ભારે બોક્સ શું છે તે માલવિકાને સમજાયું નહીં પણ તેને લાગ્યું કે આ વસ્તુ તેના પેન્ટને સાંધવામાં ચોક્કસ મદદરૂપ થશે. થોડા વખત પહેલા જ બિકાનેરમાં તેની કોલોનીની નજીક આવેલ એક દારૂગોળાના ડેપોમાં આગ લાગી હતી. તેને લીધે ડેપોની આજુબાજુ ઠેર ઠેર ફૂટ્યા વિનાના ગ્રેનેડ, હાથબોમ્બ અને અન્ય વિસ્ફોટકો વિખરાયેલા પડ્યા હતા. આમાંથી એક ફૂટ્યા વિનાનો જીવંત ગ્રેનેડ માલવિકાના ઘરના ગેરેજમાં પડ્યો હતો તે માલવિકાએ લીધો. માલવિકાએ આ બોક્સ જેવા ગ્રેનેડને ફેવિકોલ લગાવેલા પેન્ટના ભાગ પર મુક્યો અને તેના પર પોતાના હાથથી મુક્કો માર્યો. ફરીવાર મુક્કો વાગતા જ ગ્રેનેડ વિસ્ફોટ સાથે ફાટ્યો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે માલવિકાના બે હાથના કાંડા તો ત્યાં જ કપાઈ ગયા તેના હાથના અવશેષો  પણ ખુબ નાના ટુકડાઓમાં ઓળખાય નહીં તે રીતે વિખરાઈને પડ્યા. માલવિકાના રૂમમાં આવેલ વોલ કલોક ૧.૧૫ ના સમયે આગળ વધતું અટકી ગયું. ગાડીમાં પાછલી સીટમાં સુતેલી માલવિકાએ અનુભવ્યું કે તેનો ડાબો પગ શરીરના ભાગથી લબડી રહ્યો છે આથી તેણે તેના પિતાના મિત્રને કહ્યું કે મને એવું લાગે છે કે મારો પગ શરીરથી છુટો પડી રહ્યો છે. વડીલે માલવિકાના પગને તેના શરીર સાથે જોડાઈ રહે તે રીતે રૂમાલથી બાંધી દીધો. હોસ્પિટલમાં તે દિવસની સધન સારવારને લીધે માલવિકા બચી તો ગઈ. પણ તેના શરીરમાં ગ્રેનેડની અસંખ્ય નાની નાની કરચો ઘુસી ગઈ હતી. ઘણા બધા ઘા પડ્યા હતા. આ બધી કરચો નીકળતા લગભગ ત્રણ માસ થયા. તેની દરેક રાત અસહ્ય દર્દ સાથે પસાર થતી. થોડા થોડા દિવસે તેના શરીર પર નાનીમોટી સર્જરીઓ થતી રહી. સર્જરીઓની સંખ્યા પણ માલવિકાને યાદ નથી. બન્ને હાથના કાંડા તો વિસ્ફોટના સમયે જ કપાઈ ગયા હતા. ડાબા પગની પણ ૭૦% થી વધુ નસો કપાઈ ગઈ હતી  અને નિષ્ક્રિય થઈ ગઈ હતી છતાં ડોક્ટરોએ પગને એમપ્યુટ ના કર્યો (કાપ્યો નહીં). તેઓ પણ કહી શકતા ન હતા કે ભવિષ્યમાં માલવિકા ચાલી શકશે કે નહીં. આગળ તેની સારવાર જયપુર અને પછીથી ચેન્નાઈમાં થઈ. તેના બંને કપાયેલા હાથના ભાગમાં કુત્રિમ હાથ મુકવામાં આવ્યા. શરીરમાં ઘણી જગ્યાએ સ્કીન ગાર્ફટીંગના ઓપરેશનો થયા. છેવટે ઘટનાના ૧૮ માસ પછી નવેમ્બર ૨૦૦૩માં પહેલી વાર માલવિકાએ પહેલી વખત જમીન પર ઘોડીના સહારે પગ મુક્યો. તેના ડાબા પગને સપોર્ટથી ટકાવી રાખવામાં આવ્યો હતો અને જમણો પગ વાંકોચૂંકો થઈ ગયો હતો તેમજ તેમાં ફૂટ ડ્રોપ જેવી તકલીફ થઈ હતી. ડીસેમ્બર ૨૦૦૩માં બીકાનેરના ઘરે આવીને માલવિકાએ તેની મિત્રો સાથે ફરી સંપર્ક શરૂ કર્યા. કહે છે ને કે કેટલીક વ્યક્તિઓ જીવનમાં ક્યારેય પરાજિત થતી જ નથી, તેઓ કાંતો જીતે છે અથવા શીખે છે. હજુ બરાબર બેસી પણ ના શકતી માલવિકાએ માર્ચ ૨૦૦૪માં થનારી દસમાં ધોરણની પરીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરી. આ ઘટના પહેલા માલવિકાની ઈમેજ એક ટોમબોય જેવી હતી. તેને રમવાનું, ડાન્સ કરવાનું તેમજ તૈયાર થવાનું ખુબ ગમતું હતું. અરીસાની સામે લાંબો સમય ઉભા રહી મેકઅપ કરવાની તે શોખીન હતી. કથક છેલ્લા સાત વર્ષથી તે કરી રહી હતી. સ્કેટિંગમાં તે ખાસો સમય આપતી. ભણવાનું તેને ખાસ ગમતું નહીં. તેનું રીઝલ્ટ ખુબ સામાન્ય આવતું હતું. હવે દસમાં ધોરણની બોર્ડની પરીક્ષાને આડે માંડ ત્રણ માસ જેટલો સમય બાકી હતો. તેની મમ્મી સતત તેને પ્રોત્સાહન આપતી રહી. તેના પરીક્ષા આપવાના નિર્ણયને પણ તેની માતાએ સહમતિ આપી. તેની માતા હંમેશા તેને કહેતી કે ‘તારી દરેક પરિસ્થિતિમાં હું તારી સાથે છું. આપણે સાથે આગળ વધીશું.’ એકસ્ટરનલ સ્ટુડન્ટ તરીકે દસમાં ધોરણનું બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભર્યા બાદ પરીક્ષાનું મટીરીયલ ભેગું કર્યું. ઘરની નજીકના એક કોચિંગ ક્લાસ જોઈન કર્યા. ગણિતના દાખલા, વિજ્ઞાનની ફોર્મ્યુલા અને ડાયાગ્રામ જ તેની રોજનીશી બની ગયા. કોચિંગ ક્લાસમાં તેને ઉચકીને લઈ જવી પડતી. આર્ટિફિશિયલ જમણા હાથથી લખતી વખતે શરૂઆતમાં અક્ષર ખુબ મોટા અને વાંકાચૂંકા આવતા. ધીમે ધીમે અક્ષર નાના અને સરખા આવતા થઈ ગયા. દસમાં ધોરણની પરીક્ષાનું રીઝલ્ટ આવ્યું અને એક રાતમાં તેનું જીવન બદલાઈ ગયું. માલવિકાએ દસમાં ધોરણમાં બોર્ડમાં ૪૮૩/૫૦૦ માર્ક્સ મેળવ્યા. તેના ગણિત અને વિજ્ઞાન બંને વિષયમાં ૧૦૦ માં થી ૧૦૦ માર્ક્સ તેમજ હિન્દી વિષયમાં ૧૦૦ માંથી ૯૭ માર્ક્સ મેળવ્યા જે રાજ્યમાં સૌથી વધુ હતા. તેનો રાજસ્થાન બોર્ડમાં પણ નંબર હતો. તે રાતોરાત સેલિબ્રીટી થઈ ગઈ. દેશભરના છાપાઓમાં તેની સફળતાની ગાથા છપાઈ. રાષ્ટ્રપતિ ભવનમાંથી ડો. અબ્દુલ કલામ મળવા તેને મળવા માંગે છે તેવો સંદેશો આવ્યો. તે ડો.અબ્દુલ કલામ સાહેબને મળી પણ ખરી. 30 પછીના દશકમાં તેણે શિક્ષણમાં એક પછી એક સફળતાના શિખરો સર કર્યા. દિલ્હીની સ્ટિફન કોલેજમાંથી M.A પછી M.phil પૂરું કર્યું. હજુ માલવિકા અટકી નહતી. તેણે તેની જાતને હજુ પુરવાર કરવી હતી. મદ્રાસથી સોશિયલ વર્ક વિષય સાથે P.hd કર્યું. આ દરમ્યાન તે લગભગ ૧૦૦૦ જેટલા શારીરિક રીતે વિકલાંગ વિધાર્થીઓને મળી. પોતાના સંઘર્ષના સમયમાં માલવિકાએ અનુભવ્યું હતું કે વિકલાંગોએ સામાજિક તિરસ્કારનો સામનો કરવો પડે છે. અમુક લોકો વિકલાંગોને દયાભાવથી જોતા હોય છે. એક વખત ચેન્નાઈમાં ખુબ ગરમી હતી અને પરસેવાને લીધે માર્કેટમાં તેનો  કુત્રિમ હાથ પડી ગયો. લોકો તેની સામે આશ્ચર્યથી જોવા લાગ્યા. તે થોડા સમય માટે નિરાશ થઈ. તેને લોકો સાથે હાથ મિલાવતા પણ ડર લાગતો. આ સમયે માલવિકાએ ક્યાંક અમેરિકાના પ્રખ્યાત સ્કેટિંગ ચેમ્પિયન સ્કોટ હેમિલ્ટનનું વિધાન વાંચ્યું. ‘The only disability in life is bad attitude.’ આ એક વાક્યએ માલવિકાની વિચારધારા બદલી નાખી. તેણે વિચાર્યું કે દુનિયામાં કોઈ પણ બે માણસોની ક્ષમતા એકસરખી નથી હોતી. બધા એકસરખા હોવા અસંભવ છે. તેણે પોતે શું નથી કરી શકતી અને પોતે શું કરી શકે છે તેની યાદી બનાવી. માલવિકાએ વિચાર્યું કે ઘણા લોકો પાસે ઘણું બધું છે પણ તેમની શક્તિનો તેઓ સર્વશ્રેષ્ઠ ઉપયોગ નથી કરતા. મારી પાસે ઘણું નથી, પણ ઈશ્વરે મને જે આપ્યું છે તેનો જ જો હું સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરું તો લોકોથી ઘણી આગળ નીકળી શકું. હવે માલવિકાએ પોતાની જ આંતરિક શક્તિ પર ધ્યાન આપવા માંડ્યું. તે અરીસા સમક્ષ ઉભી રહી પોતાને જોઇને જ આત્મવિશ્વાસ સભર થઈ જતી. પોતાના આત્મવિશ્વાસને જ પોતાનો શ્વાસ બનાવી દીધો. જિંદગીના પ્રત્યેક દિવસને એક ચેલેન્જ રૂપી ગણી લીધો. તેના શરીરની ભાષા જ પોઝીટીવ બનાવી લીધી. તે કહે છે કે હું બ્લાસ્ટ ને માટે આભારી રહીશ કારણકે જીવનની શ્રેષ્ઠ વસ્તુઓ મને બ્લાસ્ટને કારણે જ મળી છે. yourstory-Malvika-Iyer હવે દેશ-વિદેશમાં તે મોટીવેશન સ્પીચ આપતી. નોર્વે, ઇન્ડોનેશિયા ઉપરાંત ઘણા દેશોમાં મોટીવેશન સ્પીકર તરીકે તેણે નામના મેળવી. તેણે વિકલાંગોના હક્ક માટે જાગૃતિ લાવવાના પ્રયત્નો શરૂ કર્યા. વિકલાંગો માટે ફેશનેબલ કપડા બનાવવાની ડીઝાઈન પર પણ ધ્યાન આપ્યું. વિકલાંગોની સામાજિક તકલીફો ઓછી પડે અને તેમનું જીવન સરળ બને તે માટે તેણે કામ શરૂ કર્યા. ૨૦૧૪માં NIFTના એક સ્ટેજ શો માં રેમ્પ-વોક પણ કર્યું. એક સમયે તે ઉભી થઈ શકશે કે કેમ એવી શંકા ડોકટરો જેને માટે ધરાવતા હતા તે માલવિકાએ ૨૦૧૪માં એક સ્ટેજ પ્રોગ્રામમાં ડાન્સ પણ કરી બતાવ્યો. તેનું જીવન ઘણા વિકલાંગો માટે પ્રેરણાદાયી બની રહ્યું. માર્ચ ૨૦૧૭માં UN માં ‘યુથ ડેવલોપમેન્ટ’ પરની તેની સ્પીચ વખતે હાજર મહાનુભાવોએ ઉભા થઈ તેનું અભિવાદન કર્યું. ઓક્ટોબર ૨૦૧૭માં દિલ્હી ખાતે વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં પણ તેણે વ્યક્તવ્ય આપ્યું. આંતરરાષ્ટ્રીય ‘વિઝડમ’ મેગેઝીને તેને ‘Outstanding Model Student Award’ આપ્યો. તેની ‘TED TALK’ ને લાખ્ખો લોકો યુ ટ્યુબ પર જોઈ ચુક્યા છે. ૮/૩/૨૦૧૮ ના મહિલાદિન દિવસે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના હસ્તે તેને ‘નારીશક્તિ’ એવોર્ડ મળ્યો. માલવિકા હવે ફરી સુંદર કપડા પહેરે છે. અરીસાની સામે જોઇને તૈયાર થાય છે. તે જીવનને ખુબ પ્રેમ કરે છે. તેના દરેક ઇન્ટરવ્યુમાં તે જુદા જુદા કપડા પહેરે છે અને સુંદર દેખાવવાનો પ્રયત્ન કરે છે. તે કહે છે, ‘લોકો શું કહેશે તેમ નહીં  પણ તમારી શક્તિઓ પર જ ધ્યાન આપો અને શ્રધ્ધા રાખો. તમે હથિયાર હેઠા મૂકી લડવાનું બંધ કરી દેશો તો તમે ખતમ થઈ જશો. ખરાબ પરિસ્થિતિમાં પણ તમારો અભિગમ શ્રેષ્ઠ રાખો તમારી શક્તિઓ પર વિશ્વાસ રાખો. તમારા સપના અધૂરા નહીં રહે તે ચોક્કસ પુરા થશે.’ વધુ પોઝીટીવ વાર્તાઓ માટે વાંચો                  drashishchokshi.com/ખૂણે-ખાંચરેથી-વાંચેલુ/      

2 ટિપ્પણીઓ

  1. લેખકDipsha

    on April 16, 2018 at 11:18 am - Reply

    Inspirable to all.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો