
ગુજરાતી ભાષાનાં પ્રખ્યાત લેખક ફાધર વાલેસે તેમના કુટુંબધર્મ નામના એક પુસ્તકમાં ઉપરનું વાક્ય લખ્યું હતું. બાળકો ઘણા નિર્દોષ હોય છે. તેઓ જોયેલું, સાંભળેલું ભૂલતા નથી અને માતાપિતાના વર્તનને હંમેશા અનુસરતા હોય છે. અહીં આપણે ત્રણ સત્યઘટના વિશે જાણીએ.
*અમદાવાદના મેમનગર વિસ્તારમાં આજથી ૨૦ વર્ષ પહેલા એક ફલેટમાં એક મહારાષ્ટ્રીય કુટુંબ આવ્યું હતું. તેની બાજુમાં ગુજરાતી પરિવાર રહેતો હતો. ગુજરાતી પરિવારનું એક વર્ષનું એક બાળક તેનો મોટાભાગનો સમય મહારાષ્ટ્રીય પરિવાર સાથે પસાર કરતુ હતું. આમ આ બાળકે તેનાં એક થી ત્રણ વર્ષ સુધીનો સમય આ કુટુંબ સાથે વિતાવ્યો. દાદા-દાદી સહિતના છ સભ્યો વાળા આ મહારાષ્ટ્રીયન પરિવાર સાથે સતત બે વર્ષ સુધી આ બાળકે મરાઠી ભાષા સાંભળી. બાળક ત્રણ વર્ષનું થયું ત્યારે મરાઠી પરિવાર મુંબઈ ચાલી ગયું આની સાથે બાળકનો રોજનો મરાઠી સાંભળવાનો ક્રમ પણ તૂટી ગયો. ત્યારબાદ બાળકે તેનાં પરિવાર સાથે રહી ગુજરાતી-અંગેજી ભાષા પર પ્રભુત્વ મેળવી સત્તરમાં વર્ષે બારમું ધોરણ પાસ કર્યું. હવે આગળના અભ્યાસાર્થે તેને પુના જવું પડ્યું. પુના પહોચ્યાના એક થી દોઢ માસમાં જ તેણે મરાઠી ભાષા સમજવા તેમજ બોલવા પર પ્રભુત્વ મેળવી લીધું. મરાઠી ભાષા આટલી ઝડપથી તેને કેમ આવડવા માંડે છે તેનું તેને પોતાને પણ આશ્ચર્ય થતું હતું. મજાની વાત એ છે કે ત્રણ થી સત્તર વર્ષની વચ્ચે આ બાળકે બહુ ઓછી વાર મરાઠી બોલતા કોઈને સાંભળ્યા હતા.
*૨૦૦૩ના વર્ષમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રેલ્વે ક્રોસિંગ પાસે રહેતા પરિવારનું એક બાળક ભૂલથી ટ્રેનમાં ચઢી ગયું અને ઉત્તરપ્રદેશ પહોચી ગયું. આ બાળક ત્યાં હિન્દી બોલતા શીખી ગયું. ત્રણ વર્ષ સુધી માત્ર ગુજરાતી ભાષા જ સાંભળેલ બાળકને પછીના ૧૧ વર્ષ માત્ર હિન્દી ભાષા જ સાંભળવા મળી હતી. છેક ૨૦૧૪માં તે હતો તે બાળગૃહમાં એક ગુજરાતી બોલતો બાળક આવ્યો તેને ગુજરાતી બોલતો સાંભળતાજ આ બાળકના મગજમાં સુસુપ્ત અવસ્થામાં સંગ્રહાયેલું ગુજરાતી જાણે સજીવન થઇ ગયું. અમદાવાદ અને તેના રહેઠાણ વિશેની ભાંગી-તૂટી માહિતી પરથી પોલીસે તેનો મેળાપ તેના પરિવાર સાથે ૧૧ વર્ષ પછી કરાવી આપ્યો.
*જર્મનીના એક અનાથાશ્રમમાંથી એક બ્રિટીશ દંપતીએ એક પાંચ વર્ષના બાળકને ૧૯૮૦ના અરસામાં દત્તક લીધું હતું. ત્યારબાદ ૨૦૦૮ સુધી માત્ર બ્રિટન રહેલાએ યુવાને તેની ૩૩ વર્ષની ઉંમરે વ્યાવસાયિક કારણોસર હવે જર્મની આવવું પડ્યું. ૫ થી ૩૩ વર્ષની ઉંમર સુધી અંગ્રેજી ભાષાના સંપર્કમાં રહેલ અને જર્મન ભાષાથી દુર રહેલ એ યુવકને હવે જર્મન ભાષા પોતીકી લાગવા લાગી. પછીના માત્ર બે વર્ષ માં તેણે જર્મન ભાષામાં સુંદર કવિતાઓ અને વાર્તાઓ લખી.
ઉપરના ત્રણે ઉદાહરણો બતાવે છે કે બાળક જેવું સાંભળશે તેવુંજ બોલશે. તેની ભાષાની સમજણની ઉંમર બાદ સાંભળેલું તો તરત થોડા સમયમાંજ બહાર આવશે. પરંતુ તેની ભાષાની સમજણની ઉંમર પહેલા સાંભળેલું પણ મગજમાં સુષુપ્ત અવસ્થામાં વર્ષો સુધી કે જીવનભર સચવાયેલું રહે છે જે સાનુકુળ વાતાવરણ મળતા ગમે ત્યારે બહાર આવે છે.
પ્રતિશાદ આપો