ફેબ્રુઆરી ૨૦૧૬. પોલેન્ડ પાર્લામેન્ટે તેમના વારસો વિસ્તારના એક સ્ક્વેરનું નામ ‘જામસાહેબ દિગ્વિજય સિંહ જાડેજા સ્ક્વેર’ આપ્યું. એ જ અરસામાં પોલેન્ડમાં ત્યાંની ભાષામાં ‘A LITTLE POLAND IN INDIA’ નામથી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રજુ થઈ જે પોલેન્ડમાં વાંરવાર રજુ થતી રહે છે. પોલેન્ડ પાર્લામેન્ટે ૨૦૧૩માં નવાનગર (જામનગર)ના આ રાજવીને ‘ક્રોસ કમાન્ડર ઓફ મેરિટ’ નામનો ખિતાબ આપીને પણ નવાજ્યા. પોલેન્ડના આ જ વારસો વિસ્તારમાં ૧૯૯૯માં શરૂ થયેલ એક સ્કુલનું નામ પણ આ રાજવીના નામથી જ રાખવામાં આવ્યું. પોલેન્ડ સરકારે જામસાહેબ દિગ્વિજયસિંહજીની ૫૦મી પુણ્યતિથીને પણ યાદ રાખી વિવિધ કાર્યક્રમો કર્યા. (જન્મ : ૧૮/૦૯/૧૮૯૫ – નિર્વાણ : ૦૩/૦૨/૧૯૬૬) હવે પ્રશ્ન થાય શા માટે પોલેન્ડ દેશ ભારતના અને ગુજરાતના એક રાજવીને તેમના મૃત્યુના પચાસ વર્ષ પછી પણ આટલો બધો કેમ યાદ કરે છે? આનો જવાબ મેળવવા આપણે ઇતિહાસના ૭૬ વર્ષ પહેલાના પાનાં તપાસીએ.
૨૪ ડીસેમ્બર ૧૯૪૧નો એ દિવસ હતો. બીજું વિશ્વયુધ્ધ તેની પરાકાષ્ઠા તરફ પહોંચતું હતું. સોવયેત રશિયાનો સાઈબેરિયા વિસ્તાર, જ્યાં લગભગ એક હજાર જેટલા બાળકો અને સ્ત્રીઓને મજુરીનું કામ કરવા ૧૯૪૦માં પોલેન્ડથી લાવવામાં આવ્યા હતા. તેઓ પાસે મજુરી કરાવાતી હતી. જેમ જેમ બીજું વિશ્વયુધ્ધ આગળ વધતું હતું તેમ દુનિયાભરમાં જર્મનીના હિટલરની ધાક પડવા લાગી હતી. હવે હિટલરે ૧૯૪૧ના ડીસેમ્બરમાં ગાત્રો થીજાવતી ઠંડીમાં સોવિયેત રશિયામાં પણ પગ પેસારો કરી દીધો. આ ઘટનાના પ્રતિસાદ રૂપે સોવિયેત રશિયાએ પોલેન્ડના આ એક હજાર બાળકો અને સ્ત્રીઓને છુટ્ટા કરી દીધા. તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ. આ જગ્યા છોડો. તેમના દેશમાં પાછા ફરવાના દરિયાઈ માર્ગમાં જ બ્રિટન અને જર્મનીની આગબોટ અને સબમરીનો સામસામે લડી રહી હોવાથી તેઓ માટે તેમના દેશમાં જ તરત પાછા જવું અસલામતી ભર્યું હતું.
આ બધા વચ્ચે લગભગ ૬૪૦ જેટલા શરણાર્થીઓને લઈને નીકળેલુ એક જહાજ સલામત રસ્તો શોધતું શોધતું તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, જેદ્દાહ, કરાંચી થઈ છેલ્લે મુંબઈ ડોકિયાર્ડમાં આવી પહોંચ્યું. આ બધા જ દેશોએ આ શરણાર્થીઓને સમાવવાની અસમર્થતા દર્શાવી હતી. આ સમાચાર નવાનગર(જામનગર)ના રાજવી મહારાજા દિગ્વિજયસિંહજી રણજિતસિંહજી જાડેજાને કાને પહોંચ્યા. તેમણે આ ૬૪૦ જણાને પોતાને ત્યાં બોલાવવાની તૈયારી બતાવી. આ મુદ્દે તેમને બ્રિટિશ ગવર્નમેન્ટ સાથે પણ ઘણી માથાકૂટ થઈ. અંતે ૧૯૪૨ના ઉત્તરાયણની આજુબાજુના દિવસોમાં આ જહાજ જામનગરના રોઝી બંદરે આવી પહોંચ્યું. મહારાજાએ આ ૬૪૦ જણાની અંગત રીતે ખાસ કાળજી લીધી. મોટાભાગના લોકોને છેલ્લા મહિના દરમ્યાન ખાવાપીવા કશું મળ્યું ન હતું. આથી શરીરે દુર્બળ થયેલા, અશક્ત, આંખો ઊંડી ઉતરી ગઈ હોય, શરીરમાંથી પાણી ઘટી ગયું હોય તે સ્થિતિમાં હતા.
નવાનગર (જામનગર) ના રાજવી જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજિતસિંહજી જાડેજા
મહારાજાએ તેમને પોતાના ઉનાળાના રહેઠાણ બાલાછડી પાસે ઉતાર્યા. આ લોકો અઠવાડિયામાં થોડા સ્વસ્થ થયા પછી મહારાજા પોતે તેમને મળવા બાલાછડી પહોંચી ગયા. મહારાજાએ તેમને ખુબ સુંદર વાત કહી જે શબ્દો હજુ પણ પોલેન્ડના સામયિકોમાં છપાય છે તે જ શબ્દો,
‘તમે તમારી જાતને અનાથ ના સમજતા. હવે તમે નવાનગરીના નગરજનો છો. હું બાપુ છું. નવાનગરની પ્રજાનો પિતા છું. અને તમારો પણ.’ બાપુએ આ ૬૪૦ જણા લાંબો સમય સુધી રહી શકે તે માટે પાક્કું મકાન, શાળા, મેદાન તેમજ ભોજનની વ્યવસ્થા બહુ ટૂંકા સમયમાં કરી દીધી. વિશ્વયુધ્ધ આગળ વધતું જતું હતું. એ વખતે મહારાજાએ આ ૬૪૦ જણાને સાચવવા ઘણા જોખમો લીધા. પછીથી કોઈ કાનુની તકલીફ ઉભી નાં થાય તે માટે તેમણે બ્રિટિશ ગવર્નમેન્ટ પાસેથી આ ૬૪૦ જણાને દત્તક લીધાનું સત્તાવાર સર્ટિફિકેટ પણ લઈ લીધું.
પોતાના સંતાન સિવાયના કોઈ એક બાળકને એક અઠવાડિયું સાચવી જુઓ તો ખબર પડે કે અન્ય બાળકને સાચવવું કેટલું કઠિન હોય છે. મહારાજા દિગ્વિજયસિંહે ૬૪૦ જણાને સાડા ચાર વર્ષ જેટલો સમય (૧૯૪૨ થી ૧૯૪૬) સુધી પોતાના બાળકોની જેમ સાચવ્યા. આમના મોટાભાગના લોકોની ઉંમર ૧૫ થી ૩૦ વર્ષ વચ્ચેની હતી. શરૂઆતમાં આ લોકોને અહીનું જમવાનું ભાવતું ન હતું. મહારાજાએ તપાસ કરી તેમના મેનુના જાણકાર એવા સાત રસોઇઆઓને ગોવાથી તેડાવ્યા. મહારાજાને ખબર પડી કે એ લોકો માટે જયારે પણ પાલકની ભાજીનું શાક બનાવવામાં આવે ત્યારે તેઓ ભૂખ્યા રહે છે એટલે તેમણે તેમના ભોજનમાં પાલક નહીં વાપરવાનો તાત્કાલિક હુકમ કર્યો. અહીં બાલાછડીમાં જ આ બાળકો માટે મહારાજાએ શાળા ઉપરાંત તેઓને ફૂટબોલ, ટેનિસ, સ્વિમિંગ, લાયબ્રેરી, સંગીત અને પક્ષીઓનું જ્ઞાન મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરી. ડો.અમૃતભાઈ અસાણી નામનાં એક ડોક્ટર પણ જામનગરથી અવારનવાર આવી આ લોકોની દેખરેખ રાખતા. અહીં તહેવાર હોય ત્યારે રંગોળી હરીફાઈ અને વેશભૂષા પણ થતી. મહારાજાએ તેમની પોલેન્ડની (પોલીસ) ભાષાના જાણકાર એક કેથલિક પાદરીને પણ શોધી તેડાવ્યા.

બીજું વિશ્વયુધ્ધ સત્તાવાર રીતે પુરૂ થયું. તેના થોડા સમય પછી અહીંથી બાળકો અને યુવાનોએ પોતાના દેશમાં અને અન્ય દેશોમાં જ્યાં તેમના સગા હોય તેમના સંપર્કો શરૂ કર્યા. પોતાના દેશ પોલેન્ડમાં , બ્રિટનમાં, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં તો ઘણા ભારતમાં જ પુના, પતિયાલા અને વડોદરા સ્ટેટના રાજાઓએ પણ કેમ્પ શરૂ કર્યા હતા ત્યાં જવા લાગ્યા. ઘણી ટુકડીઓ અહીંથી વિદાય લેતી ત્યારે મહારાજા પોતે રેલ્વે સ્ટેશન સુધી વળાવવા ગયાની નોંધ છે.
જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ લડાઈ વખતે નિર્દોષ માણસો માટે સીમાડા ગણતરીમાં નાં લેવા તે વિચાર માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં વહેતો મુક્યો તે વાત પોલેન્ડ હજુ ભૂલ્યું નથી.
મહારાજાએ ક્યારેય ભૂલી ન શકાય તેવો પ્રેમ, ભાઈચારો અને માનવતાની મહેંક આ ૬૪૦ જણાને દર્શાવ્યો કે ૨૦૧૩માં પણ તેમાંના જે પાંચ જણા જીવિત હતા તેમનો ઈન્ટરવ્યું લઈ ભારત અને પોલેન્ડની સરકારે એક નાની ફિલ્મ બનાવી હતી. પીસ્લો સ્ટાયતુલા અને જાદવિગા ટોમસ ઝેક તેમના એ વખતના (૧૯૪૨ થી ૧૯૪૬) સ્મરણો ૨૦૧૩માં પણ વાગોળતા હતા. ‘અમે ૧૯૪૬માં પોલેન્ડ આવી ગયા. પણ ત્યાં મહારાજાએ એટલો બધો પ્રેમ આપ્યો હતો કે અમે અમારું હદય ત્યાં જ મુકીને આવ્યા હતા. અહીં અમારા દેશમાં આવીને પણ વર્ષો સુધી અમે અનુકુળ નાં થઇ શક્યા.’ અહીં કેમ્પમાં એક લવ સ્ટોરી પણ થઈ હતી. આગળ જેમનું નામ વાંચ્યું તે ૧૫ વર્ષની જાદવિગા અને તેટલી જ ઉંમરના જેરી ટોમ્સઝેક વચ્ચે પ્રેમના અંકુર પણ ફૂટ્યા હતા. પણ તે વખતે વાત લગ્ન સુધી પહોંચી નાં શકી. ૨૦૦૮ માં ૭૮ વર્ષની ઉંમરે બંનેએ પોલેન્ડમાં લગ્ન કર્યા. ‘A LITTLE POLAND IN INDIA’ નામની ફિલ્મ અનુરાધા અને સુમિત ઓસમંડ શો એ બનાવી હતી. આ ફિલ્મ ૦૭ નવેમ્બર ૨૦૧૩ના રોજ દિલ્હી ખાતે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં બતાવવામાં આવી ત્યારે કેમ્પનો એક જીવિત વિસ્લો સ્ટાયપુલા નામનો વિધાર્થી હાજર રહ્યો હતો. આ ફિલ્મ ૧૦ અને ૧૧ નવેમ્બર ૨૦૧૩ માં ભારતીય દૂરદર્શને પણ બતાવી હતી. મહારાજાના દીકરી હર્ષદકુમારીએ પણ વર્ષો પહેલા આઉટલુક મેગેઝીનને થોડી માહિતી આપી હતી. (તસ્વીરમાં ૨૦૧૩માં જીવિત મી.ગુટોવસ્કી અને તેમની જ ૧૯૪૫ના અરસાની તેમની બાલ્યાવસ્થામાં બાલાછડી ખાતે લેવાયેલી તસ્વીર )

‘વસુધૈવ કુટુમ્બકમ’ ભારતીય સંસ્કારને તો આપણે જાણીએજ છીએ. કરુણા જેના હદયમાં હતી અને પરોપકાર જેના પગલામાં હતું તેવા પ્રજાવત્સલ ગૌરવવંતા રાજવીના આ કાર્યને પોલેન્ડની પ્રજા જાણે છે એટલું આપણે ગુજરાતીઓ જાણતા નથી તે ખુબ દુઃખદ છે. આશા રાખીએ કે આવતા વર્ષોમાં જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજિતસિંહજીની ગૌરવગાથા પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ થાય તો આવતી પેઢીમાં પણ આ સંસ્કારનું સિંચન થાય.
લેખકB. Trivedi
on October 6, 2017 at 4:34 am -
Nice story.. thanks
લેખકDr.Ashish Chokshi
on October 6, 2017 at 8:27 am -
thanks bhaargav.
લેખકB. Trivedi
on October 6, 2017 at 4:37 am -
Little confusion about Polish and Portuguese as these are two different languages and culture.
લેખકDr.Ashish Chokshi
on October 6, 2017 at 8:30 am -
yes they are polish(Poland). i removed Portugal from one or two places. thanks bhargav for correct information.
લેખકTejas patel
on October 6, 2017 at 11:46 am -
Nice sir
લેખકDr kinjal shah
on October 7, 2017 at 1:43 pm -
Inspiring story
લેખકDr.Ashish Chokshi
on October 9, 2017 at 8:17 am -
thanks kinjalbhai
લેખકParag Kothari
on October 7, 2017 at 7:34 pm -
Nice collection, like
Pearls from sea.
લેખકDr.Ashish Chokshi
on October 9, 2017 at 8:21 am -
હા, પરાગભાઈ, સૌરાષ્ટ્રના ઘણા રાજવીઓની એક ગાથા હોય છે. જે આપણને ઘણું શીખવે છે.
લેખકDr. Hardik
on October 8, 2017 at 10:32 am -
Very inspirational story….
લેખકDr.Ashish Chokshi
on October 9, 2017 at 8:22 am -
thanks hardikbhai