મુલાકાતી નંબર: 430,108

Ebook
બ્રેસ્ટ ફીડીંગ માટે પ્રવર્તતી કેટલીક ગેરસમજ અને ખોટી માન્યતાઓ

માતાને લગતી ખોટી માન્યતાઓ

  • માતાની માંદગીમાં શિશુને સ્તનપાન બંધ કરાવવું જોઈએ. આ માન્યતા ખોટી છે. માતાની માંદગીમાં શિશુને સ્તનપાન બંધ કરાવવાની જરૂર નથી. માતાને મેલેરિયા, ટાયફોઈડ, શરદી-ખાંસી, ડેન્ગ્યુનો તાવ કે ઝાડાઉલટી થયા હોય તો પણ તે સ્તનપાન કરાવી શકે છે. થાયરોઈડ, ચેપી કમળો, બ્રેસ્ટ એબ્સેસ (સ્તનમાં પાક) અને HIV+ માતાએ ડોકટરની સલાહ પ્રમાણે ચોક્કસ નિયમો અનુસરી સ્તનપાન કરાવવું. રેડીયોથેરાપી, કિમોથેરાપી અને કેટલાક અંતઃસ્ત્રાવોની દવા લેતી માતા સ્તનપાન કરાવી શકે નહીં. સ્તનપાન કરાવતી વખતે પણ માતા ગાયનેકોલોજિસ્ટની સલાહ મુજબ ફક્ત પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ ધરાવતી કુટુંબનિયોજનની ગોળીઓ લઇ શકે છે.
  • માતા પાણીમાં કામ કરીને પછી તરત જ સ્તનપાન કરાવે તો શિશુને શરદી થાય તે માન્યતા ખોટી છે.
  • માતા લીલા શાકભાજી ખાય તો બાળકને લીલા ઝાડા થાય, માતા કઠોળ ખાય તો બાળકને ગેસ થાય, માતા નારંગી, કેળા, દહોં કે કેળાં ખાય તો બાળકને શરદી થાય આ બધી માન્યતાઓ ખોટી છે. સ્તનપાન કરાવતી માતા ઘરમાં બનતા તમામ સ્વાદની રસોઈ, બધા ફળ, શાકભાજી, કઠોળ તેમજ દુધની વાનગીઓ ખાઈ શકે છે. આ બધી વસ્તુઓ પેટમાં ગયા પછી તો ખોરાકના મૂળભૂત ઘટકો ખાંડ, ચરબી અને પ્રોટીનમાં જ પરિવર્તિત થાય છે. તેનાથી શિશુને કોઈ હાની પહોચતી નથી. ધાવણ આપતી માતાએ બજારના ખોરાક, ઠંડા પીણા, બજારની મીઠાઈઓ લેવી ટાળવી જોઈએ.
  • માતા દૂધ ઓછુ પીવે તો ધાવણ ઓછુ આવે તે માન્યતા ખોટી છે. માતાએ એકલા દૂધ કરતા બધા જ પ્રકારના પૂરતા પ્રમાણમાં પ્રવાહી અને સંતુલિત આહાર ( balanced diet ) પર ધ્યાન આપવું જોઈએ. જેથી તેને થાક, શરીરનો દુખાવો, માથાનો દુખાવો, કમરનો દુખાવો, લોહીના દબાણમાં વધઘટ, ચીડિયો સ્વભાવ, તેમજ હતાશા જેવી તકલીફોની શક્યતા ઓછી રહે. બાકી કુદરતની એવી અદભુત ગોઠવણ છે કે ગરીબ, મજુર માતા જે પુરતુ દૂધ કે પ્રવાહી નથી લેતી તેને પણ સારી માત્રામાં અને ગુણવત્તાસભર ધાવણ આવે જ. તેને પોતાને ઉપર જણાવેલી અન્ય તકલીફો પુરતું પ્રવાહી ના લીધું હોય એટલે થઇ શકે પણ ધાવણના જથ્થામાં કોઈ ફેર પડતો નથી. ધાવણ આપતી માતાએ દૂધ જન્ય પદાર્થો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ જેથી તેને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળતું રહે.
  • એક માતા બીજી માતાનાં બાળકને ધાવણ ના આપી શકે. આ માન્યતા ખોટી છે. ધાવણના દુધની ગુણવત્તા તો કોઈ પણ માતામાં સારી જ હોય છે. ઘણા સંયુક્ત કુટુંબોમાં સાથે જન્મેલા બાળકોમાં કાકી કે ફોઈ પણ જરૂર પડે ત્યારે તેમના ભત્રીજાને સફળતાપૂર્વક ધાવણ આપે છે. ડોનર માતામાં અન્ય કોઈ ચેપની બિમારી જેમ કે ચેપી કમળો કે HIV+ve ના હોવું જોઈએ. બ્રેસ્ટમિલ્ક બેંકમાં અન્ય માતાનું થીજાવેલું સાચવેલું ધાવણ અન્ય જરૂરિયાતમંદ નવજાતશિશુને અપાય જ છે. બધીજ રીતે તંદુરસ્ત માતા પોતાનું ધાવણ અન્ય બાળકને આપે તે ખુબ ઉમદા સામાજિક કાર્ય કહી શકાય. રાજસ્થાનના ઘણા અંતરિયાળ ગામોમાં મહિલા પોતાના બાળક ઉપરાંત ચિકારા(હરણના બચ્ચા)ને જે પોતાની માતાથી વિખૂટું પડી ગયું હોય તેને પણ ધાવણ આપતી હોય તેવા દ્રશ્યો સામાન્ય છે.
  • સિઝેરિયન અથવા ચીપિયા ( FORCEPS ) થી જન્મેલા બાળકોની માતાને પહેલા બે ત્રણ દિવસ ધાવણ ઓછું આવે. આ માન્યતા ખોટી છે. બાળક કોઈ પણ પધ્ધતિથી જન્મે જો માતા સ્વસ્થ હોય તો બને તેટલું ઝડપથી, શક્ય હોય તો પહેલા કલાકમાં જ બાળકને માતાની નીપલ ચુસાડવાનું ચાલુ કરી દેવું જોઈએ. બાળક જેમ વહેલું ચુસસે તેમ ધાવણ વહેલું આવશે. માતાને કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી હોય તે બાદ તે સ્વસ્થ થાય એટલે તરત જ ધાવણ ચાલુ કરી શકાય.
  • માતાએ જાહેર જગ્યાઓએ ધાવણ આપવું એ યોગ્ય નથી. આ વિધાનને માન્યતા કરતા એક સામાજિક ડર કહી શકાય. માતા આ ડરને લીધે જાહેર જગ્યા કે ઘરમાં પ્રસંગ હોય ત્યારે લોકોને કેવું લાગશે તેમ વિચારી ઉપરનું દૂધ ચાલુ કરે છે, તે સમાજનું એક નિરાશાજનક વર્તન કહી શકાય. કુટુંબીજનોએ અને સમાજે ધાત્રી માતાને તે આવી જગ્યાએ પણ માત્ર ધાવણ જ આપે તે માટે પ્રોત્સાહન અને પુરતો સહકાર આપવો જોઈએ. એક દિવસ અને થોડા કલાકો માટે જો માતા હાજરી ના આપે તો પણ તેને વખોડવી અને જો ત્યાં તે ધાવણ આપે તો તેના તરફ અંગુલીનિર્દેશ કરવો, આ પ્રકારના સામાજિક વર્તનમાં માતાની હાલત કફોડી થઇ જાય છે. લોકો જો થોડો તેને સાથ અને સહકાર આપે તો તેના અને તેના કુટુંબના બાળકને ફક્ત ધાવણ જ મળે અને બાળક ઉપરના દૂધથી થતી આડ અસરોથી બચી જાય. જાહેર જગ્યામાં સ્તનપાન કરાવતી માતાએ તેને અનુકુળ આવે તેવા ખુલતા કપડા પહેરવા, સાથે તેના અંગ બરાબર ઢંકાય તેનું પણ ધ્યાન રાખવું.
  • માતાને પ્રથમ બાળકનાં જન્મ પછી ધાવણ આપવામાં તકલીફ પડી હતી અને ધાવણ આવ્યું નહતું આથી બીજા બાળક વખતે પણ તકલીફ પડશે જ અને ધાવણ નહીં આવે. આ માન્યતા ખોટી છે. પ્રથમ બાળક વખતે તકલીફ પડવાનું જે પણ કારણ હોય તે શોધી શકાયું ન હોય અને તેનું નિરાકરણ આવ્યું ન હોય તેવું બને. પહેલા બાળકના જન્મ સમયે માતા પણ થોડી માનસિક તાણમાં હોય છે. તેના માટે આ પહેલો અનુભવ હોઈ, ‘શું થશે?’ તેવા વિચારો સાથે તે મૂંઝાતી હોય છે. માતાએ તેની આ તકલીફ પ્રસુતિ પહેલા જ ગાયનેક ડોક્ટરને જણાવી જોઈએ. જેથી માતાની નીપલને લગતી કોઈ સમસ્યા હોય તો તે પહેલેથી જ જાણી શકાય. પ્રસુતિ બાદ પહેલા દિવસે જ તેણે બાળકોનાં ડોક્ટરને પણ આ વાત જણાવવી. બીજા બાળકના જન્મ બાદ બાળકને વારંવાર ચુસ્સાડવુ પોતાની પાસે બને તેટલું વધારે રાખવુ, કુટુંબીજનો અને ડોકટરના સાથ અને સહકારથી માતા ચોક્કસ બીજા બાળકને ધાવણ આપી શકશે.
  • બાળકને સ્તનપાન કરાવવાથી માતા જાડી બને છે અને તેનું શારીરિક માપ બગડી જાય છે. આ માન્યતા ખોટી છે. સ્તનપાનથી માતાનાં શરીરની કેલરી વપરાય છે. તેનું વજન ઘટે છે અને તે પોતાનું ફિગર વધુ સારી રીતે સાચવી શકે છે.

સ્તનને લગતી ખોટી માન્યતાઓ

  • માતાના સ્તનનું કદ નાનું હોય તો ધાવણ ઓછુ આવે અને સ્તનનું કદ મોટું હોય તો ધાવણ વધુ આવે, આ માન્યતા ખોટી છે. માતાનાં દુધના પ્રમાણને સ્તનના કદ સાથે કોઈ લેવાદેવા નથી. સ્તન નાના હોય અને નીપલ સપાટ હોય તો પણ ધાવણ પુરતું આવી શકે છે. નીપલ સપાટ હોય ( flat nipple ) તેમાં શરૂઆતમાં બાળકને ચૂસતા નહીં ફાવે પણ બાળકને વારંવાર ચુસાડવું, નીપલનો મસાજ અને ટોટી ( nipple shield ) નાં વ્યવસ્થિત ઉપયોગથી થોડા દિવસોમાં જ માતાને પણ પુરતું ધાવણ આવશે અને બાળક પણ વ્યવસ્થિત લેતા શીખી જશે. ઓછા વિકસિત સ્તન ધરાવતી માતાઓએ પોતાને ધાવણ ઓછુ આવશે તેવા વિચારોથી ચિંતિત થવાની જરૂર નથી.
  • સ્તનપાન કરાવવું હંમેશા પીડાદાયક હોય આ માન્યતા ખોટી છે. જો બાળક અને માતાની ધાવણ આપતી વખતે સ્થિતિ યોગ્ય હોય ( proper ataachment ) તો માતા માટે ધાવણ આપવાનો અનુભવ કયારેય પીડાદાયક ના હોય. જો તેને સ્તનપાન કરાવતી વખતે સ્તનમાં કે નીપલ પર દુખાવો થાય તો ડોક્ટરને મળી બાળક અને માતાની ધાવણ આપતી વખતે સાચી સ્થિતિ શીખી લેવી જોઈએ.
  • માતાની નીપલ નાની હોય, મોટી હોય, અંદરની તરફ વળેલી હોય, ત્રાંસી હોય તો બાળક ધાવણ લેતા શીખી શકે નહીં. આ માન્યતા ખોટી છે. આ દરેક તકલીફનું નિરાકરણ છે. સગર્ભાવસ્થા વખતે આ તકલીફ ધ્યાનમાં આવી હોય તો પણ માતાએ ચિંતામુક્ત રહેવું કારણકે બાળકના જન્મ સુધીમાં મોટાભાગે નીપલની સ્થિતિ કુદરતી રીતે જ સામાન્ય થઇ જાય છે. ‘ બાળકનાં જન્મ પછી બાળકે સ્તનનો કાળો ભાગ અને સ્તન ચુસવાનું હોય છે નીપલ નહીં ‘ ડોકટરના મોઢે સાંભળેલું આ એક વિધાન માતાની ૫૦% ચિંતા ઓછી કરી નાખે છે. માતા દવારા બાળકની અલગ અલગ સ્થિતિનો પ્રયત્ન, વારંવાર બાળકને સ્તન પાસે રાખવું, કાંગારૂ સ્થિતિ, EBMનો વ્યવસ્થિત ઉપયોગ અને સિરીંજ ના ઉપયોગથી બાકીની તકલીફ પણ દુર થઇ જાય છે. આ વખતે કુટુંબીજનોનો હકારાત્મક અભિગમ માતાની હિંમત અને આત્મવિશ્વાસ વધારવા માટે ખુબ જરૂરી છે.
  • સ્તનમાં ખુબ દૂધ ભરાયેલું હોય ( engorgment ઓફ breast ) ત્યારે બાળક ધાવણ લેતા શીખી શકે નહીં. આ માન્યતા પણ ખોટી છે. ખુબ ધાવણથી ભરાયેલા સ્તનને લીધે બાળક સ્તનનો ભાગ મોમાં લઇ શકતું નથી. તેને ચૂસવામાં તકલીફ જરૂર પડે છે. જો બાળક ચૂસી શકતું હોય તો તેને વારંવાર ચુસાડવું, જો તે ના ચૂસી શકતું હોય તો હાથથી અથવા પંપથી વધારાનું ધાવણ કાઢવું, ધાવણ આપતા પહેલા સ્તન પર ગરમ પાણીનો શેક અથવા ગરમ પાણી ઝારવું, ધાવણ આપીને ઠંડા પાણી કે બરફનો ઉપયોગ સ્તનનો સોજો અને દુખાવો ઘટાડશે. આ પ્રકારની સારવારથી ધાવણથી ભરાયેલા સ્તનની તકલીફમાંથી માતાને પણ છુટકારો મળે છે અને બાળક પણ ધાવણ લેતા સફળતાપૂર્વક શીખી જાય છે.
  • ધાવણ આપતી માતાએ ધાવણ આપ્યા બાદ દરેક વખતે પોતાની નીપલને સાફ કરવી પડે. આ માન્યતા ખોટી છે. બાળકને બોટલથી દૂધ આપતી માતાએ બોટલની નીપલને દરેક વખતે ખુબ વ્યવસ્થિત રીતે સાફ કરવી પડે. ધાવણ આપતી માતા પોતાની નીપલ દિવસમાં એક કે બે વખત જ સાફ કરે તો પણ ચાલે. દરેક વખતે નીપલ સાફ કરવાથી તેમાં રહેલું કુદરતી ઓઇલ ઓછુ થઇ જાય છે જેને કારણે નીપલ પર ચીરા પડવાની સંભાવના રહે છે. ધાવણના અંતે આવતા છેલ્લા દુધ ( hind milk )માં જીવંત કોષો ( living cells ) હોય છે જે નીપલ પર ચિપકેલા રહે છે. આ જીવંત કોષો બાળક અને માતાને ચેપથી બચાવે છે. આમ ધાવણ આપતી માતા દરેક વખતે નીપલ સાફ ના કરે તો પણ ચાલે.
  • બંને બાજુનાં સ્તનમાં એક સરખી મિનિટ જ ધાવણ આપવું. આ માન્યતા પણ ખોટી છે. બાળકને એક બાજુનું સ્તન ખાલી થાય ત્યાં સુધી ધાવણ લેવા દેવું જોઈએ. બીજી બાજુ તે બે થી ત્રણ મિનિટ જ ધાવણ લઇ ચુસવાનું છોડી દે તો એના પછી જ્યારે ફરી માતા ધાવણ આપે ત્યારે બીજી બાજુથી શરૂ કરવું. ધાવણની છેલ્લે આવતું દુધમાં ચરબીયુક્ત કણો વધુ માત્રામાં હોય છે જેનાથી બાળકનું વજન વધે છે. આથી એક બાજુનું સ્તન સંપૂર્ણ ખાલી થાય ત્યાં સુધી બાળકને ધાવણ લેવા દેવું જોઈએ.

ગર્ભાવસ્થાને લગતી ખોટી માન્યતાઓ

  • માતાને બીજી પ્રેગ્નન્સી રહે કે તુરત પ્રથમ બાળકને ધાવણ બંધ કરાવવું જોઈએ. આ માન્યતા ખોટી છે. ગર્ભાવસ્થા દરમ્યાન પ્રથમ છ માસ તો માતા સલામત રીતે સ્તનપાન કરાવી જ શકે છે. છેલ્લા ત્રણ માસ દરમ્યાન સ્તનપાન ટાળવું જોઈએ. પ્રથમ છ માસ દરમ્યાન પ્રથમ બાળક સ્તનપાન કરશે તો બીજું બાળક અધૂરા મહિને જન્મશે તે માન્યતા ખોટી છે. જો બીજું બાળક અધૂરા મહિને જન્મે તેવી પહેલેથી જ અન્ય શક્યતાઓ હોય જેમ કે માતાને લોહીનું ઊંચું દબાણ, જોડીયા બાળકો અથવા માતાએ સગર્ભાવસ્થા ટકાવવા કોઈ અંતઃસ્ત્રાવનાં ઈન્જેકશનો લેવા પડતા હોય તો જ પ્રથમ બાળકને પ્રથમ છ માસ દરમ્યાન સ્તનપાન બંધ કરાવવું.
  • જન્મ બાદ પહેલા ત્રણ-ચાર દિવસ ધાવણનું પ્રમાણ ઓછુ હોય આથી બહારથી દૂધ અથવા પાવડરના ડબ્બાનું દૂધ દરેક બાળકને આપવું જ પડે. આ માન્યતા ખોટી છે. પહેલા ત્રણ દિવસ ધાવણની માત્રા ( જથ્થો ) ઓછો હોય છે તે બરાબર પણ આ ઓછા પ્રમાણવાળા ધાવણની ગુણવત્તા ખુબ વધુ હોય છે. તે બાળકની પહેલા ત્રણ-ચાર દિવસની જરૂરિયાત તો પૂરી કરે જ છે ઉપરાંત બાળકના કુમળા પાચનતંત્રને અનુકુળ આવે તે જ પ્રમાણેનું આ કુદરતી સર્જન હોય છે. અહીં સહેજ ઓછા જથ્થાને લીધે બાળક સહેજ ભૂખ્યું રહેશે તો તે વધુ પ્રયત્નો કરી માતાની નીપલ ચુસસે. તે વધુ અને વારંવાર નીપલ ચુસસે તો માતાને ધાવણ ઝડપથી અને સારા પ્રમાણમાં આવશે. આ સમયે તેને ઉપરથી દૂધ આપી દઈએ તો બાળક ચૂસ્યા વિના ( મહેનત વિના ) સંતુષ્ટ થતું શીખી જશે. તેની ચૂસવાની શક્તિ અને આવડત નબળી પડતી જશે જેનાથી માતાને ધાવણ આવવાની પ્રક્રિયામાં વિક્ષેપ પડશે. બહુ જ ઓછા વજનવાળું બાળક, બહુ જ વધુ વજનવાળું બાળક, માતાને ડાયાબિટીસ હોય, માતાને જન્મ બાદ અન્ય કોઈ મેડીકલ તકલીફ સર્જાઈ હોય અથવા ચીરાયેલ હોઠ કે તાળવા જેવી બાળકને તકલીફ હોય આવા વિશેષ સંજોગોમાં જ બાળકોના ડોકટરના માર્ગદર્શન હેઠળ જન્મ બાદ પહેલા ત્રણ-ચાર દિવસ બાળકને ઉપરથી દૂધ આપવું. બાકી દરેક બાળકને ઉપરથી દૂધ આપવાની જરૂર નથી.

ધાવણને લગતી ખોટી માન્યતાઓ

  • સ્તનપાન કરતું બાળક રડે એટલે માતાને ધાવણ ઓછુ આવતું હશે તે માન્યતા ખોટી છે. જો બાળકને પેશાબ સારો થતો હોય, વજન સારું વધતું હોય છતા તે વાંરવાર રડતું હોય તો તે માટે ઓછુ ધાવણ નહીં પણ શરદી કે ગેસ જેવું અન્ય કારણ હોઈ શકે.
  • ચાર કે પાંચ મહિનાનું બાળક દિવસમાં માત્ર છ કે સાત વખત જ ધાવણ લે છે. ધાવણ એને પૂરું નહીં થતું હોય આથી હવે તુરંત તેને ઉપરનો ખોરાક ચાલુ કરવો પડશે. આ માન્યતા ખોટી છે. જન્મેલું બાળક ચૂસતા શીખતું હોય અને દુધવાહિનીઓમાં ધાવણ નો પ્રવાહ અને જથ્થો પણ ધીરે ધીરે વધતો હોય આથી જન્મેલા બાળકે દિવસમાં ૧૨ થી ૧૫ વખત અને ૨૦ થી ૩૦ મિનિટ સુધી પણ ચૂસવું પડે. ત્રણ કે ચાર મહિને બાળક અને માતા બંને ધાવણ આપવાની યોગ્ય સ્થિતિ અને પધ્ધતિથી અનુકુળ થઇ ચુક્યા હોય છે. માતાનાં સ્તનમાં દૂધવાહિનીમાં પ્રવાહ અને જથ્થો પણ પૂરતા પ્રમાણમાં આવતો હોય છે. પહેલા મહિને ૧૨ થી ૧૫ વખત ધાવણ લેતા બાળકને માતાનાં દૂધ નો જથ્થો ૩૦૦ મિલી. થી ૩૫૦ મિલી. જેટલો મળતો હતો તે ચોથા મહિને હવે માત્ર છ કે સાત વખત ધાવણ લેતા બાળકમાં તે ૭૦૦ મિલી. થી ૮૦૦ મિલી. નો થઇ ગયો હોય છે. આ બાળક ૨૪ કલાકમાં છ કે સાત વખત જ ધાવણ લે છતા પણ તેને ધાવણ પૂરું જ મળે છે. માતાએ ચિંતામુક્ત રહી તેને શાંતિથી ધાવણ જ આપવું. અને હવે એક વખત ધાવણ લઇ બાળક ચાર કે પાંચ કલાક સુઈ જાય તો પણ તેણે પણ ચિંતા કર્યા વિના આરામ કરી લેવો. બીજા કે ત્રીજા મહિનાથી બે વખતના ધાવણ વચ્ચેનો ગાળો ત્રણ થી ચાર કલાકનો થાય તે સામાન્ય છે.
  • અંગત ચોખ્ખાઈ ના રાખતી હોય, સ્વભાવે ચિંતાતુર રહેતી, હતાશ રહેતી કે ચિડીયાપણું ધરાવતી માતાનું ધાવણ પણ અયોગ્ય હોય. આ માન્યતા ખોટી છે. ધાવણની ગુણવત્તા પર માતાની ચોખ્ખાઈ કે સ્વભાવની અસર પડતી નથી. માતાની ચોખ્ખાઈ બરાબર ના હોય તો તેને કે બાળકને કોઈ ચેપી રોગ વારંવાર થઇ શકે. સ્વભાવે ચિંતાતુર રહેતી કે ચિડીયાપણું ધરાવતી માતાની દુધવાહિનીઓ ( lactiferous duct ) સંકુચિત થવાને કારણે ધાવણના પ્રવાહ અને જથ્થા પર અસર થઇ શકે પણ ગુણવત્તા પર અસર થતી નથી.
  • બજારમાં મળતા નવા અદ્યતન પાવડરના ડબ્બાઓમાંથી બાળકને ધાવણની ગુણવત્તા જેટલું જ પોષણ મળી રહે છે, બાળક ધાવણ ના લે તો પણ ચાલે. આ માન્યતા ખોટી છે. માનવી પાવડરના ડબ્બા ગમે તેટલા શ્રેષ્ઠ બનાવે તો પણ તે કુદરતના આ અદભુત સર્જન જેવી ભેટ ક્યારેય નહીં બનાવી શકે. પાવડરના ડબ્બામાં બહારથી ગમે તેટલા પોષકતત્વો ઉમેરાય તો પણ માતાનાં દુધમાંથી મળતા DHA, લોહતત્વ, ટોરીન તેમજ અન્ય ઘણા રોગપ્રતિકારક તત્વોની ગુણવત્તા વિશેષ હોય છે. ધાવણ તો ‘ unique nutrition for unique human ‘ છે, અર્થાત ‘ અલગ અલગ જરૂરિયાત ધરાવતા બાળકોની વિવિધ જરૂરિયાત પૂરું કરતુ પોષણ ’ છે. પાવડરના ડબ્બા બધાજ પ્રકારના બાળકોની જરૂરિયાત પૂરી થાય તે રીતે બનાવવામાં આવ્યા હોય છે. પાવડરના ડબ્બામાં બહારથી પોષકતત્વો ઉમેરાય છે પણ બાળકનાં આંતરડામાં આ તત્વોનું પુરતું શોષણ અને પાચન થતું નથી. આથી જયારે બાળકનું શરીર જ બહાર બનેલા પાવડરના ડબ્બાને સ્વીકારતું નથી ત્યારે તેની તુલના માતાના દૂધ સાથે થઇ શકે જ નહીં.
  • કોઈ પણ કારણસર માતા થોડા કલાકો અથવા થોડા દિવસો સુધી ધાવણ ના આપે તો આ ચઢેલા ધાવણની ગુણવત્તા અને સ્વાદ બદલાઈ જાય આથી આ ધાવણ ના અપાય. આ માન્યતા ખોટી છે. સર્વિસ કરતી માતા આઠ કે દસ કલાક ઘરની બહાર રહે પછી પછી પાછા આવીને તે પોતાના બાળકને ધાવણ આપી જ શકે છે. તે જ પ્રમાણે માતાની બીમારી, તેનું બહારગામ જવું કે કોઈ પણ કારણસર માતા બાળકને થોડા દિવસ સુધી ધાવણ ના આપી શકી હોય તો પણ જ્યારે પણ તે બાળક પાસે પાછી આવે કે તુરત તે ધાવણ આપવાનું શરૂ કરી જ શકે છે. ધાવણ ચઢેલું રહે એવું કશું હોતું જ નથી. બાળક ચુસવાનું બંધ કરે એટલે માતાને સ્તનમાં નવું ધાવણ બનવાનું બંધ થાય અને બાળક ચુસવાનું શરૂ કરે એટલે નવું ધાવણ બનવાનું શરૂ થાય ( demand on supply ) આવી કુદરતની અદભુત ગોઠવણ છે જ. હા નિયમિત ધાવણ આપતી માતા ક્યારેક થોડા કલાક જ ધાવણ ના આપે તો તેને સ્તનમાં ધાવણ નો ભરાવો થાય ( breast engorgment ) પણ આ ધાવણ તે કાઢી લે ( EBM ) તો તેને કોઈ તકલીફ નહીં રહે.
  • પ્રથમ દિવસનું ધાવણ બાળકને ના અપાય, આ માન્યતા પણ ખોટી છે. પહેલા બે ત્રણ દિવસ પાતળું, પીળું અને પાણી જેવું ધાવણ આવે જેને કોલોસ્ટ્રમ કહે છે. દેખાવ અને કલરમાં ધાવણ કરતા આ દૂધ અલગ હોઈ અમુક લોકો એમ માનતા હોય છે કે આ દૂધ બાળકને સદે નહીં અને તે કાઢી નાખવું જોઈએ. હકીકતમાં આ પ્રવાહી જેવા ધાવણ ( કોલોસ્ટ્રમ ) માં લગભગ ૫૦ કે તેથી પણ વધુ પ્રમાણમાં વિવિધ પોષકતત્વો પ્રચુર માત્રામાં હોય છે જે બાળકનાં શારીરિક, માનસિક વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આ દૂધને ક્યારેય ફેંકી ના દેવાય.
  • માતાને દૂધ પુરતું આવે છે કે નહીં તે પમ્પીંગ ( breast pump ) દવારા જ સચોટ રીતે જાણી શકાય. આ માન્યતા ખોટી છે. ફક્ત ધાવણ જ લેતા હોય તેવા બાળક જેને પુરતો પેશાબ થતો હોય, બે ધાવણ વચ્ચે બાળક સારું સુતું હોય તેનું નિયમિત વજન વધતું હોય તેને માતાનાં દુધનો જથ્થો તેની જરૂરિયાત પ્રમાણે પુરતો જ મળે છે.
  • માતાના દુધમાં વિટામીન-D અને લોહતત્વ પૂરતા પ્રમાણમાં હોતા નથી આથી બાળકને તેનાં ટીપાં આપવા જ પડે. આ માન્યતા પણ ખોટી છે. માતાનાં લીવરમાં વિટામીન-D અને લોહતત્વનો સંગ્રહ પૂરતા પ્રમાણમાં થયેલો જ હોય છે કે જે નવજાતશિશુની જરૂરિયાત પૂરી કરી શકે. માતાએ સગર્ભાવસ્થામાં અને ધાવણ આપતી વખતે વિટામીન-D અને લોહતત્વ પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. હવે નવા વૈજ્ઞાનિક પરીક્ષણો મુજબ છેલ્લા ત્રણ દાયકા દરમ્યાન બદલાયેલી જીવનશૈલી મુજબ આપણે બધા સૂર્યના તડકામાં ઓછા રહીએ છીએ આથી મોટા ભાગની માતામાં પણ વિટામીન-D ની ખામી જોવા મળે છે. આ ખામી માત્ર સગર્ભાવસ્થા કે સ્તનપાન દરમ્યાન જ માતા વિટામીન-D લે તો પૂરી થઇ શકતી નથી. ઉપરાંત ભારત જેવા દેશમાં લગભગ ૪૦% જેટલી માતા કુપોષિત હોય છે, મુસ્લિમ સ્ત્રીઓ વધુ પડદામાં રહેતી હોય છે જેને પરિણામે તેમનામાં વિટામીન-D ની ખામી હોય છે. હવે વિટામીન-D નો ફાળો બાળકના શારીરિક, માનસિક વિકાસ તેમજ રોગપ્રતિકારક શક્તિમાં પણ છે તેવું વિવિધ પરીક્ષણોમાં જાણવા મળ્યું છે. આથી દરેક નવજાતશિશુને વિટામીન-D નાં ટીપાં તે એક વર્ષનું થાય ત્યાં સુધી આપવા જોઈએ. લોહતત્વના ટીપા અધૂરા મહીને તેમજ ઓછા વજનથી જન્મેલા બાળકોને તો આપવા જ જોઈએ. દરેક સામાન્ય નવજાતશિશુને તેની જરૂર નથી હોતી.
  • ધાવણ વધારવા માટે હંમેશા કોઈ આયુર્વેદિક કે એલોપેથીક દવાઓ લેવી જ પડે. આવી દવાઓ ના લઈએ તો ધાવણ વધી જ ના શકે. આ માન્યતા ખોટી છે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ માતા જે પુરતો સંતુલીત આહાર લેતી હોય, જેને કુટુંબીજનોનો પુરતો સાથ અને સહકાર હોય અને જે યોગ્ય પધ્ધતિથી બાળકને પોતાની નીપલ ચુસાડતી હોય તેને પુરતું ધાવણ આવે જ. આમ છતા અમુક સંજોગોમાં પ્રોલેકટીન અંતઃસ્ત્રાવ જે ધાવણ વધારે છે તેના ઉત્તેજન માટે અમુક એલોપેથીક દવાઓ તેમજ શતાવરી પ્રકારની આયુર્વેદિક દવાઓ થોડો ફાયદો કરે. આ દવાઓ જાતે ક્યારેય ના લેવી. ડોક્ટરને માતાની સ્થિતિ અનુસાર યોગ્ય લાગશે તો જ તે માતાને આવી દવાઓ લેવાનું સુચન કરશે. ઘણી વાર આ દવાઓ કરતા માતાને તે ધાવણ વધારવા કોઈ વસ્તુ લઇ રહી છે તેવો માનસિક સંતોષ જ ધાવણ વધારવામાં મદદરૂપ થાય છે.
  • એકલું ધાવણ જે બાળક લે તેના કરતા ધાવણ અને ઉપરનું ફોર્મ્યુલાનું દૂધ લે તે બાળકનો વૃધ્ધિ અને વિકાસ વધુ સારો થાય છે. આ માન્યતા ખોટી છે. વજનમાં ઉપરનું દૂધ લેતું બાળક ક્યારેક થોડું આગળ હોઈ શકે. પરંતુ છ મહિના સુધી બાળકની બધા જ પ્રકારના શારીરિક અને માનસિક વિકાસની જરૂરિયાત માત્ર ધાવણ એકલું જ સારી રીતે પૂરી કરી શકે છે. બહારના ફોર્મ્યુલામાં રહેલા અમુક વિષાણુંનો પ્રતિકાર કરી શકે તેવા પ્રતિકારક તત્વો બાળકનાં આંતરડામાં હોતા નથી. આથી માતાનાં દૂધ અને ફોર્મ્યુલા એમ બંને પ્રકારના દૂધ લેનાર બાળકને એકલા ધાવણ લેનાર બાળક કરતા થતી તકલીફોનું પ્રમાણ વધુ હોય છે.

બાળકને લગતી ખોટી માન્યતાઓ

  • બાળક ઓછા સમય માટે ( પાંચ કે સાત મિનિટ માટે ) અથવા ઓછી સંખ્યામાં ( દિવસમાં પાંચ કે છ વખત જ ) સ્તન પાન કરે તો માતાને ધાવણ ઓછુ આવતું હશે તે માન્યતા ખોટી છે. ધાવણ લીધા પછી બાળક સુતું હોય, દિવસમાં સાત થી આઠ વખત પેશાબ થતો હોય, વજન બરાબર વધતું હોય તો ઓછા સમય કે સંખ્યા છતા તે પુરતું સ્તનપાન કરે છે તેમ કહી શકાય.
  • બાળકને પ્રથમ આહાર ગળથૂથી આપવી જ જોઈએ આ માન્યતા સંપૂર્ણ ખોટી છે. ગળથુથીમાં સામાન્ય રીતે મધ, ગોળનું પાણી, ગ્લુકોઝનું પાણી અથવા ખાંડનું પાણી સ્તનપાન પહેલા આપવામાં આવે છે. આ બધી વસ્તુઓ સ્તનપાન પહેલા આપવાથી બાળકની પાચન ક્રિયામાં ચેપ લાગવાનો ભય રહે છે. વળી બાળકનું પેટ ભરાઈ જવાને કારણે તે ધાવણ નહીં ચૂસે. આમ બાળકને કોઈ જ ગળથૂથી કે ગ્રાઇપ વોટરની જરૂર નથી.
  • અધૂરા માસે કે ઓછા વજનવાળા બાળકોએ પહેલા શીશીથી દૂધ લેતા શીખવું પડે પછીથી જ તેઓ ધાવણ સારી રીતે લેતા શીખી શકે. આ માન્યતા સંપૂર્ણ રીતે ખોટી છે. અધૂરા માસે કે ઓછા વજનવાળા બાળકોને ચૂસવાની આવડત થોડી નબળી હોય છે એ વાત સાચી પરંતુ તેમને ચમચી વાડકી કે ડ્રોપરથી જ EBM કે તેમને અનુકુળ ફોર્મ્યુલાનું દૂધ આપવું. બાળકને વારંવાર માતાની નીપલ ચુસાડવી, માતાની પાસે જ બાળકને વધુ રાખવું તેમજ કાંગારૂ કેર આપવાથી બાળક ધાવણ ચૂસતા પણ શીખી જ જશે. જો આ સમયે તેને પહેલેથી જ શીશી આપવામાં આવશે તો તેને નીપલ ચુસવામાં અણસમજ અને તકલીફ પડશે ( nipple confusion ). એકવાર શીશીની ટોટી ચૂસવાની તેને ટેવ પડી જાય પછી તે માતાની નીપલ જે ચૂસતા શીખવા માટે તેણે ઘણા પ્રયત્નો કરવા પડે તે કરશે જ નહીં અને બાળક ચુસસે ઓછુ તો ધાવણ પણ ઓછુ જ આવશે
  • જોડિયા બાળકો હોય ત્યારે બંને બાળકોને પૂરું થાય તેટલું દૂધ માતાને આવે જ નહીં આથી જોડિયા બાળકો હોય ત્યારે ઉપરનું કે ડબ્બાનું દૂધ પહેલેથી જ આપવાનું ચાલુ કરી દેવું જોઈએ. આ માન્યતા ખોટી છે.
  • જો બાળકને ઝાડા કે ઉલટી થયા હોય તો તેને થોડા દિવસો માટે માતાનું દૂધ બંધ કરી દેવું જોઈએ એ માન્યતા ખોટી છે. બાળકને ઝાડા કે ઉલટી થયા હોય તો ડોકટરે સુચવેલી દવા સાથે ધાવણ ચાલુ જ રાખવું જોઈએ. આ વખતે બાળકની તકલીફની સારામાં સારી દવા ધાવણ જ છે. ધાવણ ચાલુ રાખવાથી બાળકમાં પાણી ઘટવાની શક્યતા ઘટશે. તે ઉપરાંત ધાવણમાં રહેલા અન્ય પોષકતત્વો જેમ કે લાયસોઝોમ, ઈન્ટરલ્યુંકિન, સિક્રીટરી IgA તેમજ લ્યુકોસાઈટ જેવા તત્વો ચેપને આંતરડામાંથી લોહી અને શરીરના અન્ય અંગોમાં પ્રસરતો અટકાવશે તેમજ આંતરડામાં રહેલા હાનીકારક તત્વોનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થશે.
  • ફક્ત ધાવણ લેતા બાળકોને ઉનાળાની ગરમીમાં ઉપરથી પાણી આપવું જોઈએ. આ માન્યતા ખોટી છે. માતાનાં ધાવણમાં પાણીનું પ્રમાણ બાળકની જરૂરિયાત પ્રમાણે હંમેશા પૂરતા પ્રમાણમાં જ રહે છે. ધાવણનું શરૂઆતનું દૂધ જેને Fore milk કહે છે તેમાં પુષ્કળ પાણી હોય છે તે બાળકની તરસ છીપાવે છે. ઉનાળામાં પણ બે ધાવણ વચ્ચે બાળક રડે તો તેને માતાનું કાઢેલું ધાવણ ( EBM ) આપવું સારું. પાણી બાળકને આપીએ તો તેની આડ અસર કોઈ જ નથી. પરંતુ પાણી ની માત્રા જેટલું બાળક ઓછુ ધાવણ મેળવશે.
  • બાળક ત્રણ મહિનાનું થાય ત્યાં સુધી જ તેને ધાવણ પુરતું મળી રહે. પછી ઉપરનો ખોરાક ચાલુ કરવો જ પડે આ માન્યતા ખોટી છે. બાળક છ મહિનાનું થાય ત્યાં સુધી માતા બાળકને સફળતાપૂર્વક ધાવણ આપી શકે છે. બાળક છ મહિનાનું થાય ત્યાં સુધીના તેના વૃધ્ધિ અને વિકાસ માટેના પૂરતા પોષક તત્વો માતાનાં દુધમાં હોય જ છે. છ મહિના સુધી બાળકને ઉપરનો ખોરાક શરૂ કરવાની જરૂર નથી.
  • માત્ર ધાવણ પર રહેલા બાળકનું વજન ખુબ વધી ગયું છે એટલે તેને ચોથા મહિનાથી ઉપરનો ખોરાક ચાલુ કરવો જ પડે. અથવા બાળકનું વજન ખુબ ધીમું વધે છે એટલે માત્ર ધાવણ તેને પૂરું નહીં પડતું હોય તેવી માન્યતાઓ પણ ખોટી છે. બાળક ને ધાવણ પૂરું પડતું હોય તો તે દિવસમાં સાત થી આંઠ વાર પેશાબ કરશે અને સારૂ ઊંઘશે. વજન વધવાની માત્રા એક દિવસનાં ૧૫ ગ્રામ ( મહિનાનું ૪૫૦ ગ્રામ ) થી એક દિવસનાં ૩૦ ગ્રામ ( મહિનાનું ૯૦૦ ગ્રામ ) સુધીની હોઈ શકે. આથી ચાર મહિનાના બાળકનું વજન ઓછુ કે વધારે વધે તે અગત્યનું નથી પણ તે ધાવણ લઇ બે કલાક સુધી સારૂ ઊંઘે છે અને તેને પેશાબ સારો થાય છે આથી તેને ઉપરનો ખોરાક ચાલુ કરવાની જરૂર નથી.
  • બાળકને દાંત આવવાના ચાલુ થાય અથવા તે ચાલતા શીખે એટલે ધાવણ સંપૂર્ણ બંધ જ કરાવી દેવું જોઈએ. આ માન્યતા ખોટી છે. દાંત આવે કે બાળક ચાલતા શીખે તો પણ ધાવણ તો બાળકનાં બે વર્ષ સુધીના પોષણની જરૂરિયાત પૂરી કરે જ છે. એટલું જરૂરી જ છે કે બાળકને છ માસ થાય ત્યારે ધાવણ ચાલુ રાખી ઉપરનો ઢીલો-પોચો ખોરાક, શાકભાજી, ફળોના રસ, રાબ વગેરે સમયસર ચાલુ કરી દેવું જોઈએ.
  • બાળકને ચિરાયેલો હોઠ ( cleft lip ) હોય તો પણ ધાવણ ના અપાય. આ માન્યતા ખોટી છે. માત્ર ચિરાયેલો હોઠ હોય, ચીરો નાનો હોય અને હોઠની એક જ બાજુ હોય તો સારા વજનવાળા બાળકને સ્તન ચૂસવામાં અને ધાવણ લેવામાં વાંધો આવતો નથી. ચીરો મોટો હોય, બંને બાજુ હોય, બે ચીરા વચ્ચે જગ્યા વધુ હોય સાથે બાળકનું વજન ઓછું હોય તો બાળકને યોગ્ય પધ્ધતિથી ચૂસવામાં તકલીફ પડે છે. આ બાળકને EBM આપવું. જે બાળકને તાળવામાં નાનું કે મોટું કોઈ પણ પ્રકારનું કાણું ( cleft palate ) હોય તેને સ્તન ચુસાડવું હિતાવળ નથી. બાળક જ્યારે સ્તન ચૂસે ત્યારે તાળવામાં એક પ્રકારનું દબાણ આવતું હોય છે જે ચૂસેલા દુધને અન્નનળીમાં ધકેલે છે. તાળવામાં કાણાને લીધે આ પ્રકારના દબાણનો અભાવ રહે છે જેને લીધે ચુસેલું ધાવણ અન્નનળીમાં જતું નથી પરંતુ મોમાં જ ભરાયલું રહે છે. મોમાં રહેલું આ દૂધ બાળકની શ્વાસનળીમાં જતું રહે અને બાળકનો શ્વાસ રૂંધાય અથવા ન્યુમોનિયા થવાની સંભાવના રહે છે. આમ તાળવામાં કાણું હોય તે બાળકને સ્તન ચુસાડવું ટાળવું.
 

2 ટિપ્પણીઓ

  1. લેખકકાજલબેન

    on September 25, 2018 at 12:47 am - Reply

    જ્યારે બાળકને ધાવણ છોડાવીએ ત્યારે સ્તનમા દૂધનો ભરાવો થાય તો શુ કરવુ? ભરાયેલા ધાવણથી સ્તનમાં તકલીફ થઈ શકે?

    • લેખકDr. Ashish Chokshi

      on September 28, 2018 at 8:20 am - Reply

      Dr. Ashish Chokshi

      કાજલ બહેન, ભરાયેલા ધાવણને express (હાથથી કાઢવું) કરવું પડે. બાળક suck કરે એટલે જ નવું ધાવણ બનતું હોય છે. ધાવણ આપવાનું એટલે suck કરાવવાનું બંધ કર્યા પછી પણ બે-ત્રણ દિવસ સુધી ધાવણ બનતું હોય છે. આ ધાવણને express કરી કાઢી લેવું. પછી બાળક suck નહીં કરે એટલે નવું ધાવણ બનશે નહીં. બનેલું ધાવણ breast માં ભરાયેલું રખાય નહીં.

Leave a Reply to કાજલબેન જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો