મુલાકાતી નંબર: 430,107

Ebook
બ્રેસ્ટ ફીડીંગ વિશે અવનવી વાતો
  • ૧ થી ૮ ઓગસ્ટ દુનિયાભરમાં “ આંતરરાષ્ટ્રીય બ્રેસ્ટ ફીડીંગ વીક “ તરીકે ઉજવાય છે. ચાલો તો દરેક માતાને અલૌકિક અને અવર્ણનિય આનંદ આપતા બ્રેસ્ટ ફીડીંગ વિશે કેટલીક જાણી-અજાણી માહિતીની ચર્ચા કરીએ.
  • ધાવણનું બંધારણ બાળકની જરૂરિયાત પ્રમાણે રચાય છે અને બદલાય છે. ઓછા વજન વાળા બાળક માટે તેના શારીરિક વિકાસ અનુરૂપ ધાવણ, ટ્વીન્સ બાળકો હોય ત્યારે બન્ને બાળકોને પહોચી શકે તેટલો ધાવણનો જથ્થો, ચોથા કે પાંચમાં મહિનાના બાળકને તેની ઉંમર અનુસાર ધાવણ, ચેપગ્રસ્ત બાળક વિષાણું સામે લડવા સક્ષમ બને તે જરૂરિયાત પૂરું કરતુ ધાવણ અને આશ્ચર્યની ચરમસીમા તો એ છે કે છ મહિના બાદ જ્યારે માતા ધાવણ છોડાવવાનું ચાલુ કરે તે વખતના ધાવણમાં રોગપ્રતિકારક તત્વોનું પ્રમાણ વધુ જોવા મળે છે. જાણે કુદરતને પણ ખબર પડી જાય છે કે હવે માતા ધાવણ આપવાનું બંધ કરશે એટલે હું તેના બાળકને બને તેટલા વધુ પોષક તત્વો ઝડપથી આપી દઉં. જુદા-જુદા પ્રદેશની જુદી-જુદી જાતિ-પ્રજાતિમાં જન્મતા બાળકોની ધાવણની જરૂરિયાત અલગ-અલગ હોય છે. જે તે વિસ્તારમાં થતા વાયરસ-બેક્ટેરિયા સામે લડવા જરૂરી તત્વો અલગ અલગ હોય છે. ધાવણ આ વિશિષ્ટ જરૂરિયાત પણ પૂરી કરે છે. દા.ત આફ્રિકામાં જન્મતા બાળકની માતાના ધાવણમાં ત્યાં થતા વિષાણુંનો પ્રતિકાર કરી શકે તેવા રોગપ્રતિકારક તત્વો વધુ હોય છે અને ભારતમાં જન્મતા બાળકની માતાના ધાવણમાં અહી થતા વિષાણુંનો પ્રતિકાર કરી શકે તેવા રોગપ્રતિકારક તત્વો વધુ હોય છે. આથી જ ધાવણની મહત્તાને એક વાક્યમાં સમજાવવું હોય તો ‘ unique nutrition for unique human ‘ એમ કહી શકાય.
  • બાળકના જન્મના પહેલા ત્રણ-ચાર દિવસ દરમ્યાન આવતું પાતળા-પીળું અને પાણી જેવું ધાવણ જેને કોલોસ્ટ્રમ કહે છે તેમાં એટલા બધા પોષક તત્વો ઠાંસી-ઠાંસીને ભર્યા હોય છે કે તેની ૩ થી ૪ ચમચી જેટલું નહિંવત પ્રમાણ બાળકની ચોવીસ કલાકની જરૂરિયાત પૂરી કરે છે. નવજાત શિશુનું કોમળ આતરડું આ ધાવણ ખુબજ સહેલાઈથી પચાવી શકે છે અને તેને ચેપ સામે રક્ષણ આપે છે. આ સમયે ધાવણનો જથ્થો ઓછો છે તેમ માની ને બાળકને ઉપરથી અન્ય દૂધ કે કોઈ પણ પ્રકારનો પાવડર આપવાની જરૂર હોતી નથી.
  • બીજો એક ધાવણ માટેનો કુદરતનો ચમત્કાર જોઈએ. ગરીબ કુપોષિત માતા જેણે સગર્ભાવસ્થા દરમ્યાન સારો પોષણયુક્ત ખોરાક ખાધો જ નથી તેને જન્મેલા બાળકના વજન અને તંદુરસ્ત માતાની કુખે જન્મેલા બાળકના વજનમાં ફરક હોઈ શકે પરંતુ તેમના ધાવણના બંધારણમાં નહીવત ફેરફાર જોવા મળે છે. કુદરતે અહી ન્યાયનું પલ્લું એટલી હદે સરખું રાખ્યું છે કે ધાત્રી માતા પુરતો આહાર-પ્રવાહી ના લે તો તેને પોષણયુક્ત ખોરાકની ખામી ને લીધે શારીરિક તકલીફો હોઈ શકે પરંતુ ધાવણના બંધારણ (quality)માં ખાસ ફર્ક હોતો નથી. અપૂરતા પોષણને લીધે આ માતામાં ધાવણનો જથ્થો અને લાંબા સમય સુધી એકલું ધાવણ આપવાની ક્ષમતા પર પછી અસર પડે છે.
  • જે બાળક જન્મીને પહેલા છ માસ ફક્ત ધાવણ લે અને ત્યારબાદ બને તેટલું લાંબુ ધાવણ મેળવે તેની રોગપ્રતિકારક શક્તિ અને બુદ્ધિપ્રતિભા તો અસાધારણ હોય જ છે પરંતુ આ બાળકોમાં પાછલી જિંદગીમાં ડાયાબિટીસ, સ્થૂળતા, દમ અને આંતરડાના રોગો થવાની શક્યતા ખુબ નહિવત હોય છે. ધાવણમાં રહેલા રોપ્રતિકારક તત્વો આંતરડામાં રહેલા સ્ટેફાયલોકોકલ અને ઈ-કોલાઇ નામના બેક્ટેરિયાને બાંધીને શરીરની બહાર કાઢે છે. આવું અદભુત છે ‘natural vaccine’ અર્થાત કુદરતી રસીકરણ.
  • બાળકને જોઈએ ત્યારે, જોઈએ તેટલું, તરત, ગરમ કર્યા વિના મળતું ઈશ્વરનું આ અદભુત સર્જન માતાના શરીરને પણ પૂર્વવત સ્થિતિમાં લાવી માતાને બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરથી બચાવવાની ભેટ આપે છે.
  • શરૂઆતનાં પાતળા દુધને fore milk કહે છે. તેમાં ખાંડ અને પ્રોટીનની માત્રા વધુ હોય છે, જે બાળકની તરસ છીપાવે છે. પાછળનું દૂધ થોડું ઘટ્ટ હોય છે જેને hind milk કહે છે, જેનાથી બાળકનું પેટ ભરાય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે તેને ફોરમિલ્ક(શરૂઆતનું) અને હિંડમિલ્ક(પાછળનું) એમ બંને પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ. બંને બાજુ પાંચ પાંચ મિનિટ એમ બાળકને ધાવણ ના અપાય, તેમાં ફક્ત ફોરમિલ્ક જ મળે. એકલા ફોરમિલ્કથી પેટ ભરાય પણ બધાજ પોષક તત્વો નહીં મળે. તેને એક બાજુ સંપૂર્ણ ધાવણ લઇ લેવા દેવું પછી જ બીજી બાજુએ શરૂ કરવું. પછીનું ધાવણ આપતી વખતે બીજી બાજુએથી શરુ કરવું.
  • બાળક જ્યારે એક બાજુ ધાવણ લઇ જાતે છોડી દે પણ રડે નહીં તો એ બાજુની નીપલ દબાવીને ચેક કરવું. જો એ બાજુની નિપલમાંથી હજુ ઘટ્ટ દૂધ આવતું હોય તો બાળક સંતુસ્ટ થઈ ચુક્યું છે અને હવે તેને બીજા સ્તન પર લગાવવાની જરૂર નથી. જો એ બાજુની નિપલમાંથી પાતળું દૂધ આવે તો હજુ બાળકે સંપૂર્ણ ધાવણ લીધું નથી અને તેને બીજા સ્તન પર લગાવવાની જરૂર છે.
  • માતાને બાળકનો વિચાર કે તેના રડવાનો અવાજ સાંભળીને જ તેના સ્તનમાં દુધનો ભરાવો થાય છે અને સ્તનમાંથી દૂધ ના ટપકા પડવાની શરૂઆત થઇ જાય છે. બાળક ચુસવાનું શરૂ કરે તે પહેલા તેને સ્તન થોડું ખેચાતું હોય અને નીપલની આજુબાજુ થોડી ખંજવાળ અનુભવાય છે. એક બાજુ બાળક ચુસતું હોય ત્યારે બીજીબાજુથી પણ દુધના ટપકા ક્યારેક પડે છે. પહેલા અઠવાડિયા દરમ્યાન બાળક ચુસવાનું શરૂ કરે ત્યારે ગર્ભાશયમાં પણ લોહીનો પ્રવાહ વધવો અને તેનું સંકોચાવું તે પ્રક્રિયાને કારણે માતાને થોડું દર્દ અનુભવાય છે.
  • માતા એ નવજાતશિશુને ધાવણ આપે છે જેને તેણે જન્મ નથી આપ્યો તેને વેટ નર્સિંગ ( wet nursing ) કહે છે. જે માતા અન્ય બાળક માટે દૂધ કાઢે તેને ડોનર બ્રેસ્ટમિલ્ક ( donor breastmilk ) કહે છે.
  • બ્રેસ્ટફીડીંગ માટે ખાસ અલગ ફીડીંગ બ્રા મળે છે જેમાં બ્રા ઉતાર્યા વગર કે ઊંચી કર્યા વગર ફક્ત બાળકને દૂધ પીવડાવવાની વ્યવસ્થા કરેલી હોય છે.
  • પહેલા મહિનામાં બાળકે વધુ ચૂસવું પડે છે. પહેલા મહિનામાં ૧૫ થી ૨૦ મિનિટ બાળક ચૂસે અને ધાવણ આવે તેટલું જ ધાવણ ચોથા મહિનામાં બાળક ૫ મિનિટ જ ચૂસે તો પણ તેને મળી જાય છે. આમ જેમ જેમ બાળકની ઉમર વધે તેમ ઓછી મિનિટ ચૂસીને પણ તે વધુ ધાવણ મેળવે છે.
( દિવ્ય ભાસ્કર ૦૪/૦૮/૨૦૧૫ )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો