મુલાકાતી નંબર: 430,114

Ebook
માતાનાં ધાવણ સાથે સંકળાયેલા ખુબ જરૂરી ત્રણ મુદ્દા
બ્રેસ્ટ ફીડીંગ માટે સામાજિક સ્તરે તથા માતાઓમાં પહેલા કરતાં વિશેષ જાગૃતિ આવેલ છે. માતા પણ બ્રેસ્ટ ફીડીંગ વિશે ઘણું જાણવા માંગે છે તથા અનુસરે છે. આ સાથે ધાવણ સાથે સંકળાયેલ ત્રણ ખુબ જ જરૂરી મુદ્દા વિશે હજુ પણ લોકોમાં જાગૃતિ નથી આવેલ તે વિશે આપણે જાણીએ.

(૧) પહેલું ધાવણ બાળકના જન્મ બાદ પહેલા કલાકમાં જ અથવા બને તેટલું ઝડપથી આપવું જોઈએ.

સામાન્ય પ્રસુતિમાં તો જન્મના પહેલા અડધા કલાકમાં જ ધાવણ અપાવવું શક્ય છે. સીઝેરીયન પ્રસુતિમાં માતા સ્વસ્થ થાય ત્યારે બને તેટલું ઝડપથી ધાવણ અપાવવું. જન્મનાં પહેલા કલાકમાં બાળક વધુ સજાગ તથા સક્રિય હોય છે. તેનામાં ચૂસવાની શક્તિ પણ ઘણી સારી હોય છે. આ સમય દરમ્યાન નવજાતશિશુને માતાની છાતી તથા નીપલ સાથે સીધો સંપર્ક કરાવવાથી બાળક તરત જ ચૂસતા શીખી જાય છે. આ સમય દરમ્યાન તેને સ્તનપાન શીખવામાં ઓછામાં ઓછી મદદની જરૂર પડે છે. પહેલા કલાક બાદ બાળક પણ ૫ થી ૬ કલાક માટે સુઈ જશે. પહેલા દિવસે ધાવણ ઓછું આવશે તેમ માની બાળકને ઉપરથી ગળથૂથી, દૂધ કે પાવડરના ડબ્બાનું દૂધ આપવાની બિલકુલ જરૂર નથી. બીજા દિવસથી ધાવણ આવે એટલે ધાવણનો પ્રયત્ન કરીશું એવું કરવાથી બાળક ચૂસતા મોડું શીખશે અને માતામાં પણ આત્મવિશ્વાસનો અભાવ જોવા મળશે. પહેલા જ કલાકમાં બાળકને ચુસાડવાથી બાળકમાં ચેપ લાગવાની શક્યતા પણ ઘટશે. પ્રસુતિ બાદ માતામાં ગર્ભાશય સંકોચાવાની ક્રિયા ઝડપી થશે. માતાનાં ગર્ભાશયમાંથી લોહી વહેતું અટકશે.

(૨) પહેલા છ માસ ફક્ત ધાવણ જ આપવું.

બાળકનાં શારીરિક તેમજ માનસિક વિકાસની પહેલા છ મહિનાની સંપૂર્ણ જરૂરિયાત ધાવણથી પૂરી થાય છે. બાળકને ઝાડા તથા શ્વસનતંત્રનાં રોગો સામે વધુ રક્ષણ મળે છે. છ મહિના પહેલા બાળકનાં આંતરડા બહારનો ખોરાક પચાવવા સક્ષમ પણ નથી હોતા. બહારના ખોરાકમાં ચેપ વિરોધી તત્વો હોતા નથી. પહેલા છ મહિના ફક્ત ધાવણ જ ( પાણી પણ નહીં ) આપવાથી માતાને બીજી પ્રસુતિ સામે પણ રક્ષણ મળે છે. ફક્ત ધાવણ આપતી માતાઓમાં પ્રસુતિ દરમ્યાન વધેલી ચરબી પણ ઓગળે છે આથી વજન પણ ઘટે છે. “ બાળકને ચાર મહિના થયા, હવે તેને એકલું ધાવણ પૂરું નહીં પડે. બાળક હવે ભૂખ્યું રહેતું હશે આથી તેને ઉપરથી દિવસમાં એક કે બે વખત દૂધ કે પાવડરના ડબ્બાનું દૂધ આપવું જ જોઈએ.“ આ માન્યતા સંપૂર્ણ ખોટી છે.

(૩) ધાવણ બે વર્ષ અથવા તેનાથી પણ વધુ સમય સુધી આપી શકાય તથા આપવું જ જોઈએ.

છ મહિનાથી બે વર્ષ દરમ્યાન બહારના ખોરાક આપવા સાથે ધાવણ આપવાનું ચાલુ જ રાખવું. બાળકની ૩૫% થી ૪૦% જેટલી શક્તિની જરૂરિયાત ધાવણ પૂરી કરશે. ધાવણમાં બહારનાં ખોરાક કરતા ચરબીનું પ્રમાણ વધુ હોય છે. આ ચરબી બાળકનાં શારીરિક તેમજ માનસિક વિકાસમાં મદદ કરશે. આ ચરબી વિટામીન A ને આંતરડામાંથી શોષવા અને પચાવવામાં પણ મદદ કરે છે. વિટામીન A એક થી પાંચ વર્ષના બાળકનાં વૃધ્ધિ તથા વિકાસ માટે ખુબ જ જરૂરી છે. એક થી બે વર્ષ દમ્યાન બાળક ઘણી વસ્તુઓ મોમાં નાખતું હોવાથી તેને ચેપ લાગવાનો ડર વધુ રહે છે. જે બાળકે હજુ પણ ધાવણ લેવાનું ચાલુ રાખ્યું હોય તેને માતાનાં ચેપ વિરોધી તત્વો ધાવણ મારફતે મળતા હોઈ તે માંદુ ઓછુ પડે છે. આ બાળક માંદુ પડે તો પણ ઝડપથી સ્વસ્થ થાય છે. તે જ્યારે પણ માંદુ પડે ત્યારે તેની ધાવણ ચૂસવાની વૃત્તિ વધી જાય છે. ધાવણ મારફતે તેને પોષણ તથા પ્રવાહી પૂરતા મળે છે આથી તેનામાં ડીહાઈડ્રેશન (નીર્જલીયતા) થવાની સંભાવના ઘટી જાય છે.
  • દુનિયામાં પાંચ વર્ષથી નીચે રોજનાં લગભગ ૩૦,૦૦૦થી વધુ બાળકોના મૃત્યુ થાય છે. ઉપરના ત્રણે મુદ્દા અનુસરવાથી આ આંકડો ઘટાડી શકાય છે.
  • ભારતમાં માત્ર ૨૩% માતાઓ જ બાળકોને જન્મ પછી એક કલાકમાં સ્તનપાન કરાવે છે. જન્મ પછી એક કલાક બાદ સ્તનપાન કરાવવાના આંકડામાં વૃધ્ધિ થાય તો જ બાળ મૃત્યુદર ઘટાડી શકાય. ભારતમાં જન્મ આપનાર બધી જ માતા જો પ્રથમ કલાકમાં જ પહેલું બ્રેસ્ટફીડીંગ આપે તો ૧૦ લાખ નવજાતશિશુની જિંદગી એક વર્ષમાં બચી શકે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો