મુલાકાતી નંબર: 430,116

Ebook
19 શારીરિક અને માનસિક રીતે પડકારરૂપ બાળકોનો ઉછેર
શારીરિક અને માનસિક રીતે challenged બાળકોનો ઉછેર માતાપિતા માટે ખરેખર પડકારરૂપ હોય છે. આ બાળકોની તકલીફો સામે લડવા માટે સમય, શક્તિ અને નાણા ત્રણેનો ભોગ આપ્યા છતા પરિણામની અનિશ્ચિતતા સામે માતાપિતાએ ઝઝૂમવું પડે છે. તેમની પાછળ મહેનત નહીં પરંતુ સાધનાની જરૂર હોય છે. જો આ બાળકોના માતાપિતા બાળકને સંપૂર્ણ સામાન્ય બાળક જેવું કરવાનો ધ્યેય રાખશે તો સતત માનસિક તાણ (stress) સાથે તેમણે કામ કરવું પડશે. આ ધ્યેયને લીધે તકલીફવાળા બાળકની સરખામણી અને તેના માટેના માતાપિતાના ધ્યેયની અપેક્ષા સામાન્ય બાળક જેવી રહે છે જે પૂરી થવી અસંભવ હોય છે. પરંતુ તકલીફવાળું બાળક જેવું છે તેવું સ્વીકારી તેનામાં ધીરે ધીરે શક્ય તેટલો સુધારો લાવવાનું ધ્યેય રાખવામાં આવે તો તેનામાં નાનામાં નાનો સુધારો પણ મોટી સિધ્ધિ સમાન લાગશે અને માતાપિતાને વધુ સારું કરવાની પ્રેરણા મળશે અને તેમનો ઉત્સાહ વધશે. વધુ પડતી અપેક્ષાને કારણે ઘણી વખત માતાપિતા, ઘરના સભ્યો અને શિક્ષકો પણ આવી તકલીફોવાળા બાળક માટે ‘તે કરતો નથી’ અથવા ‘તેણે કરવું નથી’ તે દ્રષ્ટીકોણ થી વિચારતા હોય છે. ‘તેનાથી થઇ શકતું નથી’ તે રીતે વિચારે તો તેની પાછળ મહેનત અલગ રીતે કરી ચોક્કસ સફળતા મેળવી શકાય. આમિરખાનની ‘તારે જમીન પર’ પિકચરમાં એક સુંદર દ્રશ્ય છે. ‘autism’ (ભણવાની અને સમજવાની અસમર્થતા)ની તકલીફ ધરાવતા એક બાળકના પિતા આમિરખાનને ફરિયાદ કરે છે કે તે(બાળક) આ વસ્તુ કરતો નથી. આમિરખાન તરત જ ચાઇનીઝ ભાષામાં લખેલ એક બોક્ષ પરની સુચના તેમને વાંચવા કહે છે. તેના પપ્પા કહે છે કે આ ચાયનીઝ ભાષા છે અને તે મને નથી આવડતી. ત્યારે આમિરખાને કહ્યું કે હું કહું છું કે ‘તમારે વાંચવું નથી.’ તરત તેના પિતાને તેમની ભૂલ સમજાઈ. ક્ષતિગ્રસ્ત બાળકના માતાપિતાને તેઓ તેમના બાળકને જાહેરમાં લઇ જશે તો લોકોને કેવું લાગશે? તેવો ડર સતત સતાવતો હોય છે. પશ્ચિમના સમાજમાં લોકો આવા બાળકોને કતુહુલ કે આશ્ચર્યની દ્રષ્ટીએ નહીં પણ એક સન્માનની દ્રષ્ટીથી જુએ છે. જ્યારે આપણા દેશમાં લોકો માતાપિતાને આ બાળકો વિશે પ્રશ્નો પૂછી ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે છે અને વણમાગી સલાહ આપે છે. આ પરિસ્થિતિને કારણે માતાપિતાનું સ્ટ્રેસ વધી જાય છે જે ક્યારેક બાળક પર પણ ઉતરે છે. પોતાના ભાઈબહેન અને નજીકના બે-ત્રણ મિત્રોના ઘર શોધી ત્યાં બાળકને છુટથી લઇ જવાય તેવો રસ્તો માતાપિતા માટે શ્રેષ્ઠ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કુત્રિમ પગ સાથેની વ્યક્તિએ એવરેસ્ટ સર કરેલ છે. કુત્રિમ પગ સાથેની વ્યક્તિ સુધાચંદ્રન જે શ્રેષ્ઠ ડાન્સર પણ છે. જન્મથી જ અંધ વ્યક્તિએ ભારતમાં કોમ્પુટર પ્રોગ્રામિંગનું શ્રેષ્ઠ પુસ્તક લખેલ છે. સેરેબ્રલ પાલ્સીવાળી વ્યક્તિએ ph.D (ડોકટરેટ) કરેલું છે. આ વ્યક્તિઓ કોઈ એક ક્ષેત્રમાં નબળી હતી પણ અન્ય ક્ષેત્રમાં આગળ લાવવા તેમને શ્રેષ્ઠ માતાપિતા અને શ્રેષ્ઠ શિક્ષકોનો સહારો મળ્યો હતો. સામાન્ય વ્યક્તિઓમાં રહેલી ક્ષમતા તુરંત જોઈ શકાય પણ અસામાન્ય વ્યક્તિની ક્ષમતા બહાર લાવવી એ ઘાસના ઢગલામાંથી સોય શોધવા જેટલું મુશ્કેલ કાર્ય ગણી શકાય. પરંતુ આ કામ પણ અશક્ય નથી કારણકે રાત ગમે તેટલી ઘનઘોર અંધારા વાળી અને લાંબી કેમ ના હોય તેનો અંત તો સુરજના કિરણોથી થવાનો જ હોય છે. આ બાળકોના માતાપિતાએ ધ્યેયપ્રાપ્તિ માટે હારવું કે અટકવું ના જોઈએ. ક્યારેક થાક લાગે તો વિસામો જરૂર લેવો પણ તેમનું ધ્યેય છોડી ના દેવું. પરિણામ માતાપિતાએ કે દુનિયાએ કલ્પેલું નહીં હોય તેવું મળશે. ( દિવ્ય ભાસ્કર : ૦૯/૦૯/૨૦૧૪ )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો